"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday 28 January 2018

પ્રેરણાદાયક લેખ : ૨૯/૦૧/૨૦૧૮ અને સોમવાર

વર્ષો પહેલાની વાત છે. એક નાના ગામની અંદર એક નગરશેઠ રહેતા હતા. ગામ રળીયામણુ અને સુંદર હતુ, અને તેનું વાતાવરણ ખુબજ સારુ હતુ ગામના લોકો ના કામધંધા ખેતીવાડી ખુબજ સારી હતી, શેઠને ચાર દીકરા હતા જે હવે જુવાન થઈ ગયા હતા સમયાંતરે ચારેય દીકરા ને પરણાવી ને શેઠે અલગ અલગ વ્યાપાર માં ગોઠવી દીધા હતા. દિકરાઓ પણ શેઠની જેમ હોંશીયાર અને કોઠાસુઝ વાળા હોવાથી કામધંધા માં દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા હતા.
શેઠની ઉંમર હવે વધારે થઈ ગઈ હતી અને શરીર સાથ દેતુ ન હોવાથી શેઠ હવે ઘરે રહીને આરામ કરતા. બે ત્રણ વખતની મોટી બિમારી માંથી બચી ગયા હતા. એવામાં એક દિવસે શેઠે તેના ચારેય દિકરાને દુકાને થી બોલાવી અને સંબોધન કર્યુ કે હવે મારી ઉંમર થઈ છે. તમે બધા તમારૂ કામકાજ સારી રીતે સંભાળી લીધુ છે. પરંતુ મારે તમને બધાને એક વાત કહેવી છે.
જીજ્ઞાશવશ બધા પુત્રો એ બાપુજીને પુછ્યુ કે બાપુજી શું વાત છે? આપ આજ્ઞા કરો. શેઠે જવાબ માં કહ્યુ કે હવે મારૂ કાંઈ નક્કી નથી. ગમે ત્યારે જીવનદિપ બુઝાઈ જાય. જ્યારે મારૂ મરણ થાય ત્યારે આપણા સૌ સગા-સ્નેહિ આવે અને પુછે કે બાપુજીને શું થયુ? તો તમારે જવાબ માં એટલુ જ કહેવાનું કે મારા બાપુજીને ભગવાને મારી નાખ્યા! વાત સાંભળીને દિકરાઓ ગુસ્સે થઈ ગયા કે બાપાની ઉંમરની સાથે સાથે તેની બુધ્ધી પણ નાઠી ગઈ છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં બહાર રૂમમાંથી બહાર નીકળીને પોત-પોતાના વ્યાપાર માં લાગી ગયા.
રાત્રે બધા દિકરાએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે ભલે હોંશીયાર હોઈએ પરંતુ તે તો આપણા બાપુજી છે એટલે તેમની વાત માં કંઈક તો દમ હશે. જેથી બધા ભેગા મળી ને બાપુજી પાસે ગયા અને પુછ્યુ કે મારા બાપાને ભગવાને મારી નાખ્યા એવું કહેવાનું કારણ શું? ત્યારે બાપુજીએ જવાબમાં એટલુ જ કહ્યુ કે, “મારી વાત તમને મગજ માં બેસે તો હું કહું છું તેમે વર્તન કરશો નહીતર ઈશ્વર ઈચ્છા.” અને ચારેય પુત્ર બાપુજી ની આજ્ઞા માં સહમત થયા.
છ મહીના પછી બાપુજી ની તબીયત બગડી અને નિધન થયું. નગરશેઠના ઘરે આખુ ગામ ઉમટ્યુ સગાવાલાઓ પણ ગામે ગામથી આવ્યા બધા લોકો શેઠના પુત્રોને પુછ્યુ કે બાપુજીને શું થયુ હતુ. બધાનો જવાબ એક જ હતોઃ “મારા બાપુજીને ભગવાને મારી નાખ્યા.”
આ વાત ફેલાતા ફેલાતા સ્વર્ગ લોકમાં બેઠેલા ભગવાન સુધી પહોંચી ભગવાન પણ મુંઝવણમાં મુકાઈ ગયા કે અત્યાર સુધી જગતની દરેક વસ્તુ નું સંચાલન આપણે કરીએ છીએ પરંતુ કોઈ માણસ આપણને યશ પણ દેવા તૈયાર નથી, આપ્રુથ્વી નું જન્મથી માંડી લાલન-પાલન અને મરણ સુધી બધુજ આપણે કરીએ છીએ પરંતુ આજ સુધી કોઈપણ યશ કે અપયશ આપણને આપતુ નથી અને આજે આ નગરશેઠના પુત્રો આપણને અપયશ ના રંગે રંગી નાખવા બેઠા છે. ત્યાં જ યમરાજ નગરશેઠ ના આત્મા ને લઈને ભગવાન સમક્ષ હાજર થઈ ગયા.
આ બાજુ બધા સગા-સ્નેહિઓનું આગમન થઈ ગયેલ હોવાથી નગરશેઠ ની અંતિમ યાત્રા કાઢવામાં આવી. સ્મશાન પહેલા આવતા વિસામાએ ઠાઠડી રાખી અને ત્યાં જ બધાના આશ્ચર્ય વચ્ચે નગરશેઠ ના શરીરમાં હલન-ચલન થઈ, આ જોઈને પુત્રોએ બાપુજીને તરત દોરી છોડીને ઉભા કર્યા. બાપુજીને પુછ્યુ કે આ શું છે ત્યારે બાપુજીએ ચારેય પુત્રોને એક બાજુ લઈ જઈને કહ્યુ કે, “સ્વર્ગલોકમાં બધા ભગવાનો મુંઝવણ માં મુકાઈ ગયા તેથી મને પરત મોકલી દીધો. પરંતુ આ વાત કોઈને કહેતા નહીં હવે છાનામાના ઘરે ચાલો.”
પરંતુ પુત્રો એ કહ્યુ કે તમને નવુ જીવન મળેલ છે માટે હવે તમારૂ સ્વાગત કરીને લઈ જશું જોતજોતામાં બેન્ડવાજા ને શણગાર થી સજ્જ ઘોડો હાજર થઈ ગયા. નગરશેઠ ને ઘોડા ઉપર બેસાડે ને બધા નાચતા-નાચતા ઘર તરફ રવાના થયા નગરશેઠની શેરી સુધી પહોંચ્યા અને ઘોડો ભડક્યો આથી શેઠ ઘોડા પરથી નીચે પડ્યા અને માથુ ફાટી ગયુ. શેઠ ફરી થી રામશરણ થઈ ગયા અને આ વખતે બધા એ પુછ્યુ કે શું થયું તો બધા પુત્રો પાસે એક જ જવાબ હતો, “મારા બાપુજીને ઘોડા એ પછાડી ને મારી નાખ્યા.”
આ રીતે આપણી સાથે બનતી તમામ ઘટનાઓ માં કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુને આપણી સાથે નીમીત બનાવવામાં આવે છે. જે વાતની આપણ ને જાણ સુધ્ધા નથી થતી.
                                                                    - અજ્ઞાત

No comments:

Post a Comment