"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 10 February 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૦/૦૨/૨૦૧૮ અને શનિવાર


ગુસ્સા પર સંયમ (ભાગ - ૨)

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.

કોઈ પણ વ્યક્તિને પોતાની એપ્રીસિએશન થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરૂર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ.

દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સિમ્પલ લૉજિક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવિશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ!

અને છેલ્લે...
"ગુસ્સા પર સંયમ"- શિર્ષક એટલે આપેલું છે કે મારા માટે એ ખૂબ જ કઠિન છે. આપ જેવા સંયમી લોકો માટે સરળ લાગતી આ ચીજ આત્મસાત કરવી અઘરી છે...અને આ શિર્ષક મને એની યાદ આપવતું રહે એ હેતુ સર એ નામકરણ કરેલું છે. 
વધુમાં....એટલું કહીશ કે,                
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે. સમુદ્ર બની ને શું ફાયદો, બનવું હોય તો "નાનું તળાવ" બનો; જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને.

3 comments: