"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 24 February 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૪/૦૨/૨૦૧૮ અને શનિવાર


બાળકોને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો
દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય તો તે પ્રગતિની નિશાની નથી, પણ માનવ મૂલ્યોની અધોગતિની નિશાની છે. આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. જેની નોંધ સમાજમાં દરેક માધ્યમો લઈ રહ્યાં છે. સમાચારપત્રો હોય કે ટેલિવિઝન પર વડીલોની દુર્દશા વિશે વાંચવા-સાંભળવા અને જોવા મળે છે. જેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. આમ છતાં એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે, આ વડીલોએ એવા તે કેવા સંસ્કાર પોતાનાં બાળકોને આપ્યા કે જેથી કરીને તેમનાં બાળકો તેમને જ સ્વીકારવા તૈયાર નથી. હા….. ક્યાંક એવું પણ બની બેઠું હશે કે વડીલોને અન્યાયનો ભોગ બનવું પડ્યું હશે. આમછતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આજના આ બીઝીયુગમાં વાલી ખૂબ જ બીઝી બની ગયો છે. આ બાબતને તે ખૂબ જ ઈઝી લે છે. પણ તેના પરિણામો એટલાં ઈઝી નહીં હોય. વાલીને પોતાના બાળકોના ઉછેર માટે કે કાળજી લેવા માટે પૂરતો સમય નથી. આવા પરિવારોની સંખ્યા વધતી જાય છે. આવાં પરિવારોને ગરીબ પરિવાર ગણવામાં કોઈને વાંધો ન હોઈ શકે. એક પરિવાર આર્થિક કારણોસર ગરીબ ગણાય છે, તો બીજો પરિવાર સંસ્કાર-મૂલ્યોમાં ગરીબ છે. વાત તો ગરીબાઈની જ છે ને ! આવી ગરીબાઈને કારણે ઘોડિયાઘર અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ ઘોડિયાઘરમાં ખરેખર ઘર જેવું વાતાવરણ હોય છે ? વૃદ્ધાશ્રમમાં આશ્રમ જેવું વાતાવરણ માણવા મળે છે ?
આજના વાલીને પોતાના બાળક માટે પૂરતો સમય છે ? વાલી પોતે ઑફિસ, મિત્રો, સામાજિક કારણો પાછળ એટલો સમય ફાળવે છે કે તેને પોતાના બાળક સાથે બેસીને વાત કરવાનો સમય પણ રહેતો નથી. મિત્રો પાછળ બે કલાક ફાળવતા વ્યક્તિને પોતાના સંતાન પાછળ બે મિનિટ ફાળવવાનો સમય નથી. કેટલાંક કુટુંબમાં તો બાળક તેના પિતાને રવિવારે જ જુએ છે. પપ્પા રાત્રે દશ વાગે ઘેર આવે ત્યારે બાળક સૂઈ ગયો હોય અને પપ્પા સવારે આરામથી આઠ વાગ્યે ઊઠે ત્યારે બાળક શાળાએ જવા નીકળી ગયું હોય. આ કથની ગ્રામ્ય વિસ્તારમાં નહીં પણ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. માટે જ તો વૃદ્ધાશ્રમો બાંધવાની જરૂર ગામડામાં નથી પડી, તેની જરૂરિયાત શહેરમાં જ ઊભી થઈ છે. ગામડામાં કોઈ એક કુટુંબની ડોશી એકલી હશે તોપણ પડોશીઓના સહકારથી-હૂંફથી શાંતિમય ભગવાનનું નામ દેતાં દેતાં જીવન પૂર્ણ કરે છે. શહેરમાં કેટલાંક કુટુંબ તો પડોશીના નામ કે અટકથી પણ અજાણ હોય છે.
ખૂબ જ બીઝી રહેતાં મમ્મી-પપ્પા પોતાના બાળકના સારા ઉછેર માટે ઘોડિયાઘરની વ્યવસ્થા કરે છે અથવા તો ઘેર જ બાઈ માણસને રોકી લે છે. આમ કરવામાં પોતાની બાળક પ્રત્યેની ફરજ પૂરી થઈ ગઈ હોય તેમ માને છે. અહીં બાળક ઉંમરમાં મોટું થાય છે પણ તેનું દિલ નાનું થતું જાય છે. એવાં ઘણાં બાળકો હશે કે જે તેની મમ્મી કરતાં આયાને વધારે પસંદ કરતાં હશે ! આયા સાથે જ સૂઈ જાય કે આયા ખવડાવે તો જ ખાય ! બાળક માટે ભૌતિક સુખ સગવડતા આપવી તે ખરાબ બાબત નથી. પણ ભૌતિક સુખ સગવડતાના ભાર નીચે અન્ય બાબતો દબાઈ જાય છે તેની સામે વિરોધ છે. બાળકના પાછળ પૈસાના રોકાણની સાથે સાથે પ્રેમનું પણ રોકાણ કરવું પડશે. બાળકને કદાપિ પૈસાથી નહીં જીતી શકાય, બાળકને જીતવા માટે પ્રેમની જરૂર પડશે. ઘણાં વાલી બજારમાં જાય ત્યારે બાળક માટે વિવિધ પ્રકારના રમકડાં કે અન્ય વસ્તુઓ લાવશે. પણ એ જ વાલી બાળકને સાથે રાખીને બજારમાં જવાનો સમય નહીં ફાળવી શકે. અહીં વાલીના મતે વસ્તુ આવી ગઈ એટલે બાળક ખુશ થઈ જશે. ખરેખર તો આવા વાલી બાળકના માનસને જાણતાં જ નથી. બાળકને પૂછશો કે તારે શું લેવું છે ? તો કદાચ બેચાર વસ્તુના નામ જણાવી દેશે. આ વસ્તુઓ બાળક બે-ચાર દિવસ રમીને ફેંકી પણ દેશે. તેનો વસ્તુઓ પાછળનો આનંદ બેચાર દિવસથી વધુ ટકતો નથી. જો બાળકને કાયમી આનંદમાં રાખવો હોય તો તેને વસ્તુ નહીં, પણ વ્હાલ આપો. આનંદિત બાળકનો જ શારીરિક, માનસિક, સાંસ્કારિક વિકાસ થશે. આ વિકાસ જ વૃદ્ધાશ્રમોને રોકશે. આજે સૌ વાલી વાવે છે લીમડાં અને અપેક્ષા રાખે છે કેરી અને દ્રાક્ષની. તો તે અપેક્ષા ક્યાંથી પૂરી થાય ?
આજે કેટલા વાલી પોતાના બાળકની સાથે બેસીને વ્હાલ કરે છે. અરે ! આજના પપ્પા કે ડેડીને તો અન્યની હાજરીમાં પોતાનું બાળક તેડતાં પણ શરમ આવે છે. અને મમ્મી તો બિચારી થાકી જાય છે. તેનામાં પોતાના બાળકને તેડવાની તાકાત જ નથી ! જે વાલી આજે પોતાના બાળકને તેડવામાં શરમ અનુભવે છે કે સમય નથી ફાળવી શકતાં તેમના બાળકો મોટા થયા પછી આવા વાલીને ઘરમાં ન રાખવામાં ક્યાંથી શરમ અનુભવે. તેમને પણ પોતાના વડીલો પાછળ સમય આપવાનો સમય નથી હોતો. જો તમે આજે તમારા બાળક પાછળ સમય નહીં આપો તો તેઓ પણ ભવિષ્યમાં તમારી પાછળ સમય નથી જ આપવાના. તમને વ્હાલ કરવાનો સમય નથી, તો તેઓને હૂંફ આપવાનો સમય નહીં જ હોય. માટે જ સૌ મા-બાપે સમજી લેવાની જરૂર છે કે વસ્તુ આપવાથી જ અસ્તુ સમજવાની જરૂર નથી. તેની પાસે બેસીને પ્રેમથી વાતચીત કરો. આજે એવાં કેટલાં મા-બાપ હશે કે જે પોતાના બાળકને વાર્તા સંભળાવે છે, ગીતો ગવડાવે છે, ઉખાણાં પૂછે છે, પરીની વાતો કરીને કલ્પનાના ઘોડા પર બેસાડીને સવારી કરાવે છે ? આજનો બાપ પરીક્ષાનું પરિણામ પૂછે છે, પણ પરિણામ વધારવા માટે તે જાતે કેટલો સમય બાળક સાથે બેસે છે ? સારા મિત્રોની અપેક્ષા રાખે છે, પણ બાળકના મિત્રો સાથે બેસીને સારી બે વાતો કરતો નથી. બાળકના તન અને મન બંનેનો તંદુરસ્ત વિકાસ કરવો એ દરેક માબાપની પ્રાયોરિટી હોવી જોઈએ. નહીં તો આજે બાળકના ભોગે પૈસા કમાતા વાલીને ભવિષ્યમાં એ જ પૈસા ખર્ચવા છતાં બાળકનો ભેટો નહીં જ કરાવે. આજે બાળકોની અપેક્ષા સંતોષશો તો જ તેઓ ભવિષ્યમાં તમારી અપેક્ષા સંતોષશે. સંયુક્ત કુટુંબમાં ન રહેતાં મા-બાપોએ ખાસ ચેતી જવાની જરૂર છે. બાળકને વસ્તુથી નહીં જીતી શકો, વ્હાલથી જીતવાનો પ્રયત્ન કરો.

4 comments: