"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 10 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૦/૦૩/૨૦૧૮ અને શનિવાર

જીવનપ્રેરક સત્ય ઘટનાઓ પર આધારિત પુસ્તક ‘ઉજમાળાં જીવતર’માંથી સાભાર.
ગામના કુલશ્રેષ્ઠની વાત… એક ખાનદાનની ખાનદાનીની વાત… આમ તો કોઈ એને ફરજ પાડી શકે એમ હતું નહીં પણ એના મનમાં ઊગી’તી વાત એટલે એણે એને પાર પાડે જ છૂટકો હતો. ખેડા જિલ્લાના મોતીભાઈ સાહેબના સંસ્કાર ઘડતરની વાત. પછી એ ઊણી ઊતરે તો ઘડનારો લાજે. આ તો ખેડા જિલ્લાની વાત…. ઈશ્વરભાઈ સાહેબે નોંધેલી વાત…. ગામના કુલદીપકની વાત…. સંસ્કારી ખોળિયાની વાત…. બાપની ખાનદાનીને રક્ષવાની એ વાત હતી…. એ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં છતાં હજુ એના ઘણા સાક્ષી પણ છે.
ખેડા જિલ્લામાં એક બોર્ડિંગ ચાલે. ‘પેટલાદ બોર્ડિંગ’ના નામે એ ઓળખાય. મોતીભાઈ સાહેબ એનું સંચાલન અને દેખભાળ કરે. એના વિદ્યાર્થીઓ મોતીભાઈ સાહેબની ભાવનાઓના રંગે રંગાયેલા હોય એ સ્વાભાવિક છે. મોતીભાઈ સાહેબના વ્યક્તિત્વના નોંધપાત્ર ગુણો એના વિદ્યાર્થીઓમાં આવેલાં. એ બોર્ડિંગમાં તુલસીદાસ કરીને એક વિદ્યાર્થી ભણે. એના સંસ્કારો અને શક્તિનો ઘણો બધો અનુભવ પાછોતરા સમયમાં પીજના નિવાસીઓને થયો. તુલસીદાસના પિતા પીજના. વેપાર કરે ને પુત્રને ઉછેરે. કરમની કઠણાઈ એવી બેઠી કે વેપારમાં સામી પાટી પડી ગઈ. ગમે એટલી મહેનત કરીને ધંધામાં ધ્યાન રાખે પણ કઈ કરતાં ધંધામાં સરખાઈ ન આવી તે ન જ આવી ને અંતે ધંધામાં મોટી ખોટ આવી. કોઈનાય પૈસા ચૂકવી શકાય એવી સ્થિતિ રહી નહીં. છેવટે તુલસીદાસના બાપે નાદારી નોંધાવવી પડી ને ગામ છોડવું પડ્યું.

તુલસીદાસના પિતાની નાદારી એટલે તુલસીદાસને પણ કલંકના છાંટા ઊડે એ સ્વાભાવિક છે. હવે તુલસીદાસની ઓળખાણ ‘નાદાર પુત્ર’ એવી થવા માંડી. જોકે આમાં તુલસીદાસનો કશો વાંક નહોતો પણ પિતાનાં કૃત્યોની પુત્ર ઉપર અસર થાય જ. તુલસીદાસે એ વિદ્યાર્થી અવસ્થામાં પેટલાદની બોર્ડિંગમાં ભણતાં-ભણતાં સંકલ્પ કર્યો કે કોઈ એવો દિવસ મારી જિંદગીમાં આવે જેમાં પિતાનું પાઈએપાઈનું દેવું હું ભરી શકું. હે ભગવાન જીવતરમાં તું એવો દિવસ આપજે. તુલસીદાસના પિતા તો ગામ છોડીને ગયા. તુલસીદાસ પેટલાદમાં ભણે. એ જમાનામાં ચરોતરના ઘણા પાટીદારો આફ્રિકાનાં મોટાં-મોટાં કેન્દ્રો ઉપર કિસ્મત અજમાવવા જતા ને જે જતા એ બે પાંદડે થઈને બેપાંચ વરસમાં વતનમાં પાછા આવતા ને આફ્રિકાની કમાણીનો લાભ અને સુવાસ પોતાના વતનને આપતા. તુલસીદાસે પણ આફ્રિકામાં જઈને કિસ્મત અજમાવી જોવાનો વિચાર કર્યો. બોર્ડિંગના એક સાથી મિત્રના પરિવારના સહકારથી મોમ્બાસા ઊતરી પડ્યા. સ્ટીમરમાં તુલસીદાસ બેઠા ત્યારથી જ રટણ હતી – ભગવાન મારો મનસૂબો પાર પાડજે. ને મોમ્બાસાના કિનારે પગ મૂકતાં જ તુલસીદાસ કામકાજની શોધમાં લાગી ગયા.
પુરુષાર્થી જીવ, મહેનતની ઝંખના અને ભાવના શુદ્ધ. કિસ્મતે એની ઊજળી દિશા દેખાડી આપી ને તુલસીદાસને મોમ્બાસાથી યુગાન્ડા જવાનું થયું. ત્યાં નોકરી પણ મળી ગઈ અને નિષ્ઠા તથા તમન્નાથી તુલસીદાસ નોકરીની જવાબદારી પણ અદા કરવા લાગ્યા. મહેનતે યારી આપી. અનેક મુશ્કેલીઓ અને સાધનોના અભાવ વચ્ચે તુલસીદાસની તમન્ના જીતતી ચાલી. નોકરીમાં જશ મળવો શરૂ થયો. પગાર તો વધતો જ પણ છબાર મહિના થાય ને શેઠના રાજીપા રૂપે અમુક રકમ મળતી જે તુલસીદાસની વધારાની કમાણી બની જતી. બોનસરૂપે મળતી આવી રકમને તુલસીદાસ પોતાના ખર્ચમાં વાપરતા નહીં પણ જાળવીને એનું જતન કરતા. તુલસીદાસ કરકસરથી જીવતા. અંગત ખર્ચ ઓછામાં ઓછો કરતા. આવી રીતે જાળવી જાળવીને તુલસીદાસે આફ્રિકામાં વીસેક વર્ષ પસાર કરી દીધાં. ત્યાં સુધીમાં વતન તરફના અનેક પાટીદારો દેશમાં જઈ આવ્યા પણ તુલસીદાસ નોકરીની બચતમાંથી એવા સદ્ધર થયેલા નહીં કે વતનનો આંટો મારી આવે. ને જવાનો વિચાર કરે તોય મનમાં બાપના દેવાનો સંકલ્પ હતો એ પૂર્ણ થાય એવું ન લાગે ત્યાં સુધી જવાનો અર્થ પણ શું હતો ? તુલસીદાસ દેશમાં જવાનું ટાળે. આ બાજુ દેશમાં વાતો થતી… દાનત શુદ્ધ હોય તો આવે ને ? એમ પાંચ પૈસા રળ્યો હોય તો આવે ને ? આવવાનું તો ઘણુંય મન કરે પણ શું મોઢું લઈને આવે ? વગેરે વગેરે ટીકાઓ થતી. કેટલાક તો સઘળી વાતો ભૂલી પણ ગયા હતા. જેમનું દેવું હતું એવા લોકો પણ પોતાની રકમો ભૂલી ગયા હતા. કેટલાકે આખી વાતને માંડવાળ ખાતે લખી નાંખી હતી. કેટલાકને એ વાત પણ યાદ નહોતી કે તુલસીદાસના બાપ પાસે પોતાની કેટલી રકમ છે ? તુલસીદાસ મનસૂબો કરે કે કકડે કકડે કરતાં સાઠેક હજારનો જોગ થયો છે, હવે જઈ આવું. તમામ રકમ વ્યાજ સાથે તો પાછી નહીં અપાય પણ જેની જેટલી છે એની દોઢી તો આપી શકાશે જ, એવું ગણિત બધાંનાં આંકડાં જોઈને તુલસીદાસના મનમાં બેસતું હતું.
1937ની સાલ.
ઈશ્વરકાકા એ વખતે આણંદની ડી.એન. સ્કૂલમાં નોકરી કરે. ને તુલસીદાસ આવી પહોંચ્યા. આવીને એમણે ઈશ્વરકાકાને કહેવડાવ્યું, ‘હું આવી ગયો છું. મારે તમારું કામ છે. મળશો ?’ મિલન થયું. ઈશ્વરકાકાને એક તરફ બોલાવીને તુલસીદાસ કહે : ‘ઘણો સમય થઈ ગયો છે. પિતાનું દેવું છે એ ભરપાઈ કરી શક્યો નથી. મારે તમારી મદદથી એ કામ પહેલાં પરવારવું છે. જ્યાં સુધી બાપનું દેવું મારા માથે હોય ત્યાં સુધી મને શાંતિથી બેસવાનો અધિકાર નથી. હું અહીંથી ગયો ત્યારે મનોમન સંકલ્પ કરીને ગયો છું કે બાપનું પાઈએ પાઈનું દેવું પૂરું ન કરું ત્યાં સુધી માણસ તરીકે જીવવાનો મને અધિકાર નથી…’ એમ કહીને પોતાના ચોપડાની નોંધો બતાવી. આના આટલા છે અને આટલા આપીને વાતને પતાવી આપો…. દરેકને એની મૂળ રકમથી દોઢી રકમ તો ચૂકવી શકાશે. બધાં વર્ષોનું થતું બધું વ્યાજ સાથે ચૂકવી શકાય તેમ નથી. ઈશ્વરકાકાએ તુલસીદાસની વાત હાથમાં લીધી. સહુથી પહેલા એક સજ્જન પાસે એ ગયા. એને આંકડો પૂછ્યો કે, ‘તારા કેટલા બાકી છે ?’ પેલા પાસે તો સમય ખાસ્સો થઈ ગયેલો એટલે ખાસ કોઈ નોંધ હતી નહીં ને એવી રકમની વસૂલાતમાં એને ઝાઝો રસ નહીં.
એક તરફ રકમ લઈ લો એવી વાત.
બીજી તરફ એ રકમમાં હક્ક નથી એવી વાત.
હા….ના…..હા…..ના….. ચાલે.
કોઈને ખાસ રકમની વસૂલાતમાં રસ નહીં. રકમો નાની નાની પણ એ જમાનાના પ્રમાણમાં ખૂબ મોટી લાગે. કોઈના હોય છ હજાર રૂપિયા. એ રકમ સાવ નાની પણ એ જમાનાના પ્રમાણમાં ઘણી મોટી. છતાં એવી મોટી રકમ માટે લાલસા દેખાણી નહીં. તુલસીદાસ સાથે ચર્ચા થઈ. કોઈએ કહ્યું કે ઘણાની ઘણી રકમ માટે બધા ઉત્સુક નથી. એના કરતાં ગામની કોઈ સારી ધર્માદા કે સમાજ સેવાની પ્રવૃત્તિમાં એ રકમનો ઉપયોગ કરીએ… વાત સાંભળીને તુલસીદાસ ચમકી ઊઠ્યા. એમણે કહ્યું, ‘ગામની એવી કોઈ પ્રવૃત્તિ હશે તો હું ધર્માદા માટે જરૂર વિચારીશ, પણ આ રકમ તો બાપનું પાઈએ-પાઈનું દેવું વાળવામાં વાપરવાની છે. હું કમાયો છું ને બાપનું દેવું ભરપાઈ ન કરું તો મારો સંસ્કાર લાજે.’ તુલસીદાસની વાત બધાને સાચી લાગી. દેવું ભરપાઈ કરી આપવાના પ્રયાસો ચાલુ રહ્યા. એકબીજાના ચોપડા મળતા નહોતા. કેટલાકની તો વાત સ્પષ્ટ હતી કે મુદ્દલ મળી જાય એટલી રકમ બસ છે. કેટલાકને વળી ઘણો સમય વીતી ગયો હતો એટલે રસ રહ્યો નહોતો. ઘણાને તો ચોપડા જ રહ્યા નહોતા ! છેવટે ચોપડો ન હોય તો તુલસીદાસ કહે કે મારા હિસાબે આટલું દેવું તો છે જ. આમ, તુલસીદાસનો આગ્રહ, ઈશ્વરકાકાની વિનંતી… એમ બેઠકો ચાલે.
તુલસીદાસની નોંધ પ્રમાણે દેવું મૂકવાનું ચાલ્યું. બધા લેણદારોને ફરી ચોપડા લઈને ભેગા કર્યા. કેટલાક આવ્યા. કેટલાક ન આવ્યા. સાથે બેસીને એવો તોડ કાઢ્યો કે દરેક જણ મૂડી કરતાં દોઢી રકમ તો સ્વીકારે જ. તુલસીદાસે બધાને વિનવણી કરી. કેટલાકે વાત માની, કેટલાકને પરાણે મનાવ્યા. કેટલાક લેણદારોને આ ગયેલી રકમ પાછી આવતી હતી એનો આનંદ હતો. કેટલાકને જે મળ્યું એ સાચું એનો આનંદ હતો. તુલસીદાસની બેઠકો ચાલતી રહેતી. કેટલાક લેણદારો બોલતા હતા : ‘ભાઈ, વર્ષો પહેલાંની વાત… ને આ જમાનામાં એવો ક્યો દીકરો હોય જે લેણદારને બોલાવીને બાપનું દેવું વાળે ? દીકરા હોય તો આવા હજો.’ કેટલાક લેણદારોએ ખાનદાનીનો પરિચય કરાવ્યો કે ‘બહુ થયું..બહુ થયું…. તમારી ભાવના શુદ્ધ છે એ જ મોટી વાત છે. જે લેણું અમારે ચોપડે નથી એ લઈએ તો ભગવાનના ઘરના અમે કેવડા મોટા ગુનેગાર કહેવાઈએ !’
અંતે તુલસીદાસે બાપનું સાઠ હજારનું દેવું વાળ્યું. સાઠ હજારની રકમ એ જમાનામાં જરાયે નાનીસૂની રકમ ન ગણાય. તુલસીદાસના હૈયાને આનંદ થયો. બારસો રૂપિયા વધ્યા એ ગામની વ્યાયામ શાળામાં આપ્યા. એ સત્કાર્ય આજે પણ પીજમાં ચાલે છે, ને અનેકોની પ્રેરણા બની રહ્યું છે. તુલસીદાસનો સંસ્કારી જીવ અને બાપનું દેવું ચૂકવી આપવાની પ્રતિજ્ઞા. એ સંકલ્પ પૂરો કર્યાનો આનંદ તુલસીદાસના હૈયાને મુખરિત કરતો હતો ને અનેકોને આ વાત યાદ હતી.

1 comment: