"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 13 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૩/૦૩/૨૦૧૮ અને મંગળવાર

લઘુકથા
“લઘુકથા એ અત્યારના સાહિત્યનું એક ચેલેન્જિંગ સ્વરૂપ છે. અગાસીમાં ઘોડેસ્વારી શીખવા જેટલું એ દુરારાધ્ય છે. નાની એવી વાર્તા વાચકને ભાવવિભોર કરી દેવો એ એક કપરી કસોટીછે.” સુગમે જયારે રોજ મળતી મિત્રોની સાહિત્યચર્ચાની બેઠકમાં પ્રવેશ કર્યો ત્યારે લઘુકથાના સ્વરૂપ વિશે આજે ચર્ચા ચાલતી હતી. સુગમ આજે આ બેઠકમાં આવવાનો જ નહોતો. આજની સાંજ તે અલકાની સાથે પસાર કરવા માગતો હતો પણ દોઠ કલાક બસ સ્ટેન્ડ પર અલકાની રાહ જોઇને જયારે તેની ડોક દુઃખવા આવી છતાં અલકા ન આવી એટલે પછી જખ મારીને સમય પસાર કરવા તેને આ બેઠકમાં જ આવવું પડ્યું.
સુગમ એક સફળ ફોટોગ્રાફર હતો. તેને જોઇને છેલ્લા એક મહિનાથી મંદ મંદ હસતી અલકાને તેણે હિંમત કરીને આજે સાંજના સાથે ફરવા આવવાનું આમત્રણ આપ્યું હતું અને તેમાં જયારે તે નિષ્ફળ ગયો ત્યારે સુગમને લાગ્યું કે શું ફોટોગ્રાફરની સામે કોઈ નૈસર્ગિક રીતે સ્મિત કરતુ જ નહીં હોય? અત્યારે તે એટલો નિરાશ થઇ ગયો હતો કે તેને કોઈ જ સ્વરૂપમાં શ્રદ્ધા રહી નહોતી એટલે પછી બેઠકમાં આવતાંવેંત તેણે નકારાત્મક રીતે જ ભાગ લેવાનું શરુ કર્યું.
“લઘુકથા એ સાહિત્યનો કોઈ પ્રકાર કે સ્વરૂપ છે જ નહીં, એ તો માત્ર ટુચકાનો કોઈ પ્રકાર છે. તેથી વિચારપ્રેરકતા જેવું તેમાં કશું જ હોતું નથી!” સુગમ ગમે તેમ કરીને પોતાનો ગુસ્સો ઠાલવવા માંગતો હતો ત્યાં જ આ લઘુકથા તેની અડફેટમાં આવી.
“ના ભાઈ , એવું નથી. વાર્તાકારે અનુભવેલી ભાવપરિસ્થિતિ વાચકના મનમાં સંક્રાંત થાય તો પછી તમે કહો છો તેવો ભય રહેતો નથી.” લઘુકથાના બચાવમાં એક લઘુકથા લેખક ભાઈએ કહ્યું, પણ સુગમને આવી ભાવપરિસ્થિતિની કોઈ પ્રક્રિયામાં હવે વિશ્વાસ જ રહ્યો નહોતો.
“નવલકથાના બબ્બે ભાગમાં પણ લેખકો વાચકોને વિચારતા કરી શકતા નથી ત્યાં જ જેનું સ્વરૂપ જ લઘુ છે તે શું કરી શકવાનું હતું!” સુગમ અલકા સાથેના ટુંક પરિચયથી સેવેલાં સ્વપ્નોને નાથતા જાણે કહેતો હતો, પણ ત્યારે જ બહારથી એક ભાઈ અંદર આવીને સુગમના હાથમાં ચિઠ્ઠીવાંચીને પછી એટલા જ જુસ્સાથી સુગમે જ શરુ કર્યું :
“લઘુકથા એ રસાયણશાસ્ત્રના પેલા શિથિલકરણના જેવી છે. ભિન્ન રંગના એક પ્રવાહીમાં બીજા રંગનું પ્રવાહી ભળતું રહ્યું.
ધીરે ..ધીરે ..ધીરે છેવટે એક જ બિંદુ પડ્યું અને આખોય રંગ પલટાઈ ગયો! બન્ને પ્રવાહીના મૂળ રંગ ચાલ્યા ગયા.રહ્યું માત્ર પેલા બે રંગોથી ભીન્ન મિશ્રણ, સ્વચ્છ, નીતરેલું અને સ્ફટિક જેવું પારદર્શક પ્રવાહી. આ છેલ્લું ટીપું એ જ કોઈ સૂચક ઉદ્દગાર, પ્રસંગ કે વાકય જે ભાવપરિસ્થિતિને ઉત્તપન્ન કરે છે અને ત્યારે જ લઘુકથાની કૃતિ સાચે જ સ્મરણીય બની જાય છે અને..” સુગમ આમ લઘુકથાની તરફેણમાં અચાનક કેમ બોલવા લાગ્યો તે તો કોઈ તેને મળેલી અલકાની ચિઠ્ઠી વાંચી આવે તો જ ખબર પડે!

No comments:

Post a Comment