"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 20 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૦/૦૩/૨૦૧૮ અને મંગળવાર


ખેલ – વિનોદ ભટ્ટ
પછી એ માણસ રસ્તા પર પડેલ ઈંટાળાનો ભૂકો કરીને ખાવા માંડ્યો. આખુંય ટોળું એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યું. થોડીક ખીલીઓ ને ટાંકણીઓ લઈ તે પાપડની જેમ બડુકા બોલાવતો ખાવા લાગ્યો. લોકો તેની સામે મુગ્ધભાવે જોતા હતા. અને સોડા-વોટરની એક બાટલી જમીન પર પછાડી, ફોડીને જ્યારે તેણે કાચના ટુકડા ખાવા માંડ્યા ત્યારે તો કેટલાક લોકો મોંમાં આંગળાં ઘાલી ગયા. એક-બે જણાએ તો તેને આવું કામ કરતાં વારવા પ્રયત્ન કર્યો. કેટલાકે દયાથી પ્રેરાઈને પોતાના ખિસ્સામાંથી ચાર-આઠ આનાના સિક્કા કાઢીકાઢીને પેલાએ પાથરેલ શેતરંજી પર નાખવા માંડ્યા. પૈસા આપીને બધા વેરાવા માંડ્યા.
સામેની દુકાનમાં બેઠેલા ગીધુકાકા આ બધું તદ્દન નિર્લેપભાવે જોતા હતા. એમના મોં પરના ભાવો જરાય બદલાયા નો’તા. પેલો ખેલ કરનાર ગીધુકાકા પાસે આવી હાથ લાંબો કરતાં બોલ્યો : ‘શેઠ, આઠ આના-રૂપિયો જે કંઈ આપવું હોય એ આપો, મા-બાપ…..’
‘પણ શેના ભૈ ?’ ગીધુકાકાએ પૂછ્યું.
‘આ મેં ઢેખાળાના ટુકડા, ઈંટાળાનો ભૂકો, લોખંડના ખીલા, કાચ –એ બધું ખાધું એ તમે જોયું નહિ ?’
‘એમાં ભાઈલા, તેં ધાડ શી મારી એ કહીશ, જરા ?’
‘એટલે ?’
‘આ બધો ખેલ તો અમે રોજ કરીએ છીએ. ફેર એટલો કે તું જે જાહેરમાં કરે છે એ અમે ખાનગીમાં કરીએ છીએ.’
‘સમજાયું નહીં, શેઠ…..’
‘તને નહીં સમજાય…… અમે જેવી ચીજો ખાઈએ છીએ એવી તો તુંય નહીં ખાતો હોય…. ઘીમાં ડુક્કરની ચરબી, મરચામાં લાકડાનું ભૂસું, ધાણાજીરામાં ઘોડાની લાદ, લસ્સીમાં બ્લોટિંગ પેપર-બોલ, આવી બધી વસ્તુઓ તેં કદીય ખાધી છે ?’
….ને પેલો પોતાનો ખેલ કરવા બીજા લત્તા તરફ ચાલતો થયો.

1 comment: