"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 2 April 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૨/૦૪/૨૦૧૮ અને સોમવાર

રાવણ દહન
મિત્રોના આગ્રહને વશ થઈને એય રાવણદહનનો કાર્યક્રમ નિહાળવા ગામને પાદરે જઈ પહોંચ્યો, વિશાળ મેદનીની વચ્ચે દશાનનના પૂતળાને ખોડવામાં આવ્યું હતું. એના મસ્તકને સ્થાને ગોઠવેલાં માટલાં પર એનો વિકરાળ ચહેરો ચીતરવામાં આવ્યો હતો. એની વિશાળ આંખો તથા નાગની પૂંછ જેવી એની મૂછો, એના ચહેરાને ભયાનક બનાવી દેતી હતી. એના વાઘા ઘાસફૂસથી ઠાંસોઠાંસ ભરી દેવામાં આવ્યા હતા. એ ઘાસનાં પોલાણોમાં જાતજાતના ફટાકડા ઠાંસી ઠાંસીને ભરેલા હતા. હાથે અને પગે વીંટાળેલા ગાભાય દારૂગોળાથી ભર્યાભર્યા હતાં.
અને પલીતો ચંપાતાંની વારમાં, અનિષ્ટ તત્વના નાશની આ ચેષ્ટાને સૌએ કિલકારીઓ કરીને વધાવી લીધી. ધડાકા-ભડાકા સાથે લંકેશનું પૂતળું પ્રજ્વલિત થઈ ઊઠ્યું. એનાથી સર્જાયેલી અગ્નિશિખાઓ, લબકારા લેતી આભને આંબવા મથી રહી. ઘડી પછી તો રાવણનું અસ્તિત્વ આગમાં જલીને ભસ્મિભૂત થઈ ગયું. આગની જ્વાળાઓ તો એ પછીય ક્યાંય સુધી હવામાં નર્તન કરતી રહી. પાદરેથી ઘેર પાછા ફરતાં એ માર્ગમાં મનોમન બબડતો રહ્યો. ગામમાં જીવતા-જાગતા રાવણોની ક્યાં કમી છે તે આવાં પૂતળાં બાળવાની જરૂર પડે ! પણ એમનું નામ લેવાની હિમ્મત કોનામાં છે ! પાદરે એકત્ર થયેલા લોકો તો, અનિષ્ટનો નાશ કર્યાના સંતોષ સાથે પોતપોતાના ઘેર પાછા ફર્યા. અને રાબેતા મુજબ, ફાફડા-જલેબીની મોજ માણવામાં પ્રવૃત્ત થઈ ગયા.
એ ખુરશીમાં બેઠો બેઠો, રાવણદહનના તમાશા વિશે વિચારતો રહ્યો.
ત્યાં એની નાની બેબી બહારથી ભેંકડો તાણતી આવી.
‘કેમ બેટા, શું થયું ?’
‘બાજુવાળા ટીનાએ માર્યું.’ બેબીએ રડતાં રડતાં કહ્યું.
‘તે, તારેય સામે મારવું’તું ને !’
‘એ તો કેવો જબરો છે ?’ એનું રડવાનું ચાલુ જ હતું.
‘ચાલ, છાની રહી જા. હું એને વઢીશ.’ એણે બેબીને શાંત પાડતાં કહ્યું.
થોડી વારે બેબી એના રમકડાંના ખોખામાંથી એક ઢીંગલો લઈને આવી, ને એને જોર-જોરથી મારવા માંડી.
‘બોલ ટીન્યા, મારીશ હવે મને કોઈ દિ’?’ ટીન્યાને ફટકારતાં એ બોલતી રહી.

2 comments: