"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday 15 July 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૬/૦૭/૨૦૧૮ અને સોમવાર


ગરીબ છોકરી અને શિયાળાની રાત 
પરદેશની વાત છે. શિયાળાની રાત હતી. એ વરસની સૌથી વધારે ઠંડી કદાચ એ દિવસે પડી હતી. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો હતો. એ વખતે દસેક વરસની એક ખૂબ જ અમીર ઘરની દીકરી પોતાના રૂમમાં રેશમી રજાઈ અને સારામાં સારા ઊનના બનેલા ધાબળામાં વીંટળાઈને સૂવાની તૈયારી કરી રહી હતી. એની માતા એને થોડી વાર પહેલાં જ સુવડાવી, રૂમહીટર શરૂ કરીને ગઈ હતી. નાની દીકરી સૂતાં પહેલાં બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.
એ જ વખતે એના રૂમની રસ્તા તરફની બારી પવનના સુસવાટાથી ખૂલી ગઈ. કદાચ એની માતાએ એ બરાબર બંધ નહીં કરી હોય. બારી ખૂલતાં જ એ હૂંફાળા રૂમમાં ઠંડો પવન ફેલાઈ ગયો. પોતાની માને બોલાવીને હેરાન કરવા કરતાં પોતે જ બારી બંધ કરી દે તો વધારે સારું એમ વિચારીને એ છોકરી બારી બંધ કરવા ઊઠી. જ્યાં એ બારી બંધ કરવા જાય છે ત્યાં જ એના કાને કોઈના રડવાનો અવાજ પડ્યો. થોડીક બીક સાથે એણે બહાર જોયું તો બહાર સ્ટ્રીટલાઈટના થાંભલા નીચે એના જેવડી જ એક છોકરી છાપાં વીંટાળીને ટૂંટિયું વાળીને બેઠી હતી. એની પાસે ઓઢવા માટે બે-ચાર છાપાં સિવાય બીજું કંઈ જ નહોતું. ટાઢથી ત્રાસીને એ છોકરી વારેવારે જોરથી ડૂસકું ભરી લેતી હતી.

પોતાની રૂમમાં હીટર ચાલુ હોવા છતાં જો આટલું બધું ઓઢવું પડતું હોય તો પેલી ગરીબ છોકરી પાસે તો કંઈ જ નહોતું. એ ધનવાન છોકરીનું હૈયું ભરાઈ આવ્યું. એને પેલી ગરીબ છોકરીની ખૂબ દયા આવી. બે-ચાર ક્ષણ વિચારીને એણે પેલી ગરીબ છોકરીને બૂમ પાડી. એને આગળના બારણે આવવાનું કહીને એણે બારી બંધ કરી.
ઘરમાં બધાં સૂઈ ગયાં હતાં એટલે એણે જ ઘરના સ્ટોરરૂમમાંથી એક જૂની રજાઈ અને ઓશીકું કાઢ્યાં. કોઈને ખલેલ ન પહોંચે તેવી રીતે હળવે હળવે બંને વસ્તુઓ લઈ એ આગળના દરવાજે પહોંચી. ધીમેથી બારણું ખોલ્યું. પેલી ગરીબ છોકરી એ રાતની ભયંકર ઠંડીમાં ઠૂંઠવાતી ઊભી હતી. એના હાથપગ સાવ થીજી ગયા હશે એ એના દેખાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. પૈસાદાર છોકરીના હાથમાં જૂની રજાઈ અને ઓશીકું લેતી વખતે એની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી પણ એના હોઠ પર આભારનું સ્મિત હતું. ત્યાર પછી બંને છોકરીઓ શાંતિથી સૂઈ ગઈ, એક ઘરમાં અને બીજી શેરીમાં થાંભલા નીચે. બંનેના મોઢા પર આનંદની આભા પથરાયેલી હતી.
બીજે દિવસે ઊઠતાવેંત અમીર છોકરીએ પોતાની માતાને બધી વાત કરી. માએ રાજી થઈને પોતાની દીકરીના કૃત્યને બિરદાવતાં એને વહાલથી ગળે વળગાડી દીધી. એ સવારે દસેક વાગ્યાની આસપાસ અમીર છોકરીના ઘરનું બારણું ખખડ્યું. સંજોગવશાત એ વખતે પેલી અમીર છોકરી જ ડ્રૉઈંગરૂમમાં હતી એટલે એણે જ દરવાજો ખોલ્યો. જોયું તો કાલ રાતવાળી પેલી ગરીબ છોકરી હાથમાં વ્યવસ્થિત રીતે સંકેલેલી રજાઈ અને ઓશીકું લઈને ઊભી હતી. અમીર છોકરીને જ સામે જોઈ એ ગરીબ દીકરી બોલી : ‘બહેન, તારો ખૂબ જ આભાર.’ મારાં મા-બાપ મરી ગયાં છે. મારા જેવી અનાથ છોકરી તને બીજું શું કહી શકે ? જો તેં મને ગઈ કાલે આ રજાઈ ન આપી હોત તો કદાચ કાલે રાત્રે હું ઠંડીથી મરી જાત. આ રજાઈ અને ઓશીકું મારે રાખી લેવું એવું કંઈ તે નહોતું કહ્યું એટલે હું એ પાછાં આપવાં આવી છું. કદાચ એ બંને વસ્તુ તમારે જોઈતી પણ હોય !’ એટલું કહી એણે રજાઈ-ઓશીકું આપવા હાથ લંબાવ્યો.
અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહેલી અમીર છોકરીએ હાથ લાંબો કર્યો. ગરીબ છોકરીના હાથમાંથી એ બંને વસ્તુ લેતાં એ બોલી, ‘એકદમ સાચી વાત છે, અમારે આ બંને વસ્તુઓની ખરેખર જરૂર છે !’ પેલી ગરીબ છોકરીનું મોં પડી ગયું. એને આવી અપેક્ષા કે ગણતરી નહોતી. એને તો એમ જ હતું કે બંગલામાં રહેતા ધનિકોને વળી એક ભિખારી છોકરીએ વાપરેલ રજાઈ-ઓશીકાનું શું મહત્વ હોય ? એવી વસ્તુઓ એ લોકો પાછી ન જ લે ! પણ અહીંયાં તો ઊંઘું જ બન્યું ! એ અમીર છોકરીએ તો ભિખારીની વાપરેલ વસ્તુઓ પણ પાછી લઈ લીધી ! એનો અર્થ એ જ કે એ રાતથી ફરી વખત કાતિલ ઠંડીનો સામનો કરવાનો ! તો શું ભગવાને ફક્ત એક રાત પૂરતી જ રાહત મોકલી હતી ? આવું બધું વિચારતી ઉદાસ મને ને ઊતરેલા ચહેરે એ પાછી ફરી. હળવે પગલે દરવાજા તરફ ચાલતી વખતે પોતાના ભમરાળા ભાગ્યનો અને મરેલાં માબાપનો વિચાર આવતાં એના ગાલ પર આંસુના રેલા ઊતરવા શરૂ થઈ ગયા.
હજુ તો મુખ્ય દરવાજાથી એ ગરીબ છોકરી થોડાં ડગલાં જ દૂર હશે ત્યાં જ એના ખભા પર કોઈના હાથનો સ્પર્શ થયો. આંસુભરી આંખે એણે પાછા ફરીને જોયું તો પેલી અમીર છોકરી હાથમાં રેશમ અને ઊનની બનેલી નવીનક્કોર રજાઈ, એવું જ નવું ઓશીકું અને પાથરવા માટેનું કપડું હાથમાં લઈને ઊભી હતી. એની આંખમાં પણ ઝળઝળિયાં હતાં. એ બધી વસ્તુઓ ગરીબ છોકરીના હાથમાં મૂકતાં એ એટલું જ બોલી કે, ‘મારી માએ કહ્યું છે કે બધું નવું હશે તો આખો શિયાળો ચાલશે !’ એનાથી વધારે એ પણ કંઈ બોલી ન શકી. થોડી વાર બંને છોકરીઓ એકબીજા સામે જોઈને રડતી ઊભી રહી. પછી આંખથી જ અમીર છોકરીનો આભાર માની એ ગરીબ છોકરી દરવાજા તરફ આગળ વધી. જો કે એ વખતે પણ એની આંખમાં આંસુ તો હતાં જ, પરંતુ આ વખતે એ આંસુ ખુશીનાં હતાં એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
- ડો. આઈ. કે. વીજળીવાળા

No comments:

Post a Comment