"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 19 July 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૯/૦૭/૨૦૧૮ અને ગુરુવાર



બ્રાયન 
શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમ જ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર નહોતું પડતું અને કદાચ કોઈકનું ધ્યાન પડ્યું હશે તો પણ કોઈ ઊભું નહોતું રહ્યું. એ અમીર માજીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે ઊપસી આવી હતી.

એ માજી નિરાશ થઈને પોતાની કારમાં પાછાં બેસવા જતાં હતાં એ જ વખતે એક જૂની અને ખખડધજ કાર એમની કારની પાછળ આવીને ઊભી રહી ગઈ. એમાંથી સાવ લઘરવઘર લાગતો એક ગરીબ હબસી ડ્રાઈવર ઊતર્યો. પેલા પૈસાદાર માજીને બીક લાગી. કાળા માણસો ઘણી વખત આવી એકલી સ્ત્રીઓને લૂંટી લેતા હોય છે અને અમુક કિસ્સામાં મારી પણ નાખતા હોય છે એ વાતનો માજીને બરાબર ખ્યાલ હતો. એટલે એમને વધારે બીક લાગતી હતી. એ માણસ એમની પાસે આવ્યો. ભય અને ઠંડી બંનેની ભેગી અસરથી માજીના હાથપગ ધ્રૂજવા લાગ્યા. પેલો કાળો માણસ એ માજીનાં ડરને જાણી ગયો. અત્યંત નરમાશથી એ બોલ્યો, ‘મૅમ ! ગભરાશો નહીં. હું તમને મદદ કરવા માટે આવ્યો છું. તમને એકલાં અટૂલાં અહીં હાઈવે પર ઊભેલા જોયા એટલે હું સમજી ગયો હતો કે તમારી કારમાં કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. મારું નામ બ્રાયન છે. હું પૂછી શકું કે તમારી કારમાં શું તકલીફ ઊભી થઈ છે ?’

બ્રાયનના વિવેકી અવાજ અને શિષ્ટ વ્યવહારથી માજીની બીક થોડીક ઓછી થઈ. એમને એ સારો માણસ લાગ્યો. એમણે કહ્યું, ‘કંઈ વધારે પ્રોબ્લેમ નથી ભાઈ. ફક્ત ડાબી તરફનું આગળનું ટાયર બેસી ગયું છે અને હું એ વ્હીલ બદલી શકું તેમ નથી.’ બ્રાયને જોયું તો કારની ડાબી તરફનું આગળનું વ્હીલ બેસી ગયું હતું, પરંતુ એક વૃદ્ધ સ્ત્રી માટે તો એ પણ એક અઘરું કામ જ હતું. બ્રાયને એમની ડીકીમાંથી જૅક તેમજ પાના-પક્કડ કાઢ્યા. પછી માજીને કહ્યું, ‘માજી ! તમે એક કામ કરો. ગાડીમાં બેસી જાઓ. ત્યાં તમને ઠંડી ઓછી લાગશે.’ માજી ગાડીમાં બેસી ગયાં. બ્રાયને વ્હીલ બદલવાનું શરૂ કર્યું.

પેલા માજીની બીક હવે સાવ જતી રહી હતી. કોઈ અજાણ્યો માણસ પોતાને મદદ કરી રહ્યો હતો અને પોતે ગાડી બંધ કરીને બેઠાં હતાં એ એમને યોગ્ય ન લાગ્યું. એમણે બારીનો કાચ ઉતારીને બ્રાયન સાથે વાત શરૂ કરી, ‘ભાઈ ! હું તમારો આભાર કઈ રીતે માનું ? જો તમે ન ઊભા રહ્યા હોત તો આજે રાત્રે આવા નિર્જન હાઈવે પર હું શું કરત ? એકાદ કલાકમાં તો સાવ અંધારું પણ થઈ જશે.’

‘માજી ! મુશ્કેલીમાં ફસાયેલાને મદદ કરવાની આપણી ફરજ છે અને હું ફક્ત એટલું જ કરી રહ્યો છું જે મારે આ સમયે કરવું જોઈએ. તમે કઈ તરફ જઈ રહ્યાં છો ?’ વ્હીલ બદલતા બ્રાયને કહ્યું.

‘હું સેંટ લૂઈ જઈ રહી છું. ત્યાં જ રહું છું.’ માજીએ જવાબ આપ્યો. પછી પૂછ્યું : ‘ભાઈ બ્રાયન ! તમે કામ શું કરો છો ?’

કારના વ્હીલનો છેલ્લો બોલ્ટ ફીટ કરીને બ્રાયન ઊભો થયો. એની આંખમાં આંસુ આવી ગયાં. ડીકીમાં પંક્ચર થયેલું વ્હીલ અને જેક વગેરે મૂકતા એ બોલ્યો, ‘સાવ બેકાર છું ! છેલ્લા બે મહિનાથી મારી પાસે કોઈ કામ નથી.’ એટલું કહી એ પોતાની કાર તરફ જવા રવાના થયો.

અચાનક જ પેલા માજી પોતાની કારમાંથી ઊતરીને એની પાસે આવ્યાં પર્સમાંથી થોડાક ડૉલર્સ કાઢી એને આપવા લાગ્યા, પરંતુ બ્રાયને એ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. પોતાની ગાડીનો દરવાજો ખોલતા એણે એટલું કહ્યું કે કોઈ પણ દુ:ખી વ્યક્તિ દેખાય તો માજીએ એને મદદ કરવી. હા ! એ વખતે બ્રાયનને એ યાદ કરી લે તો પણ વાંધો નહીં ! એ પોતાની ગાડીમાં બેસી ગયો. માજીએ પોતાની ગાડી તરફ જતાં પૂછ્યું, ‘ભાઈ બ્રાયન ! આગળ નજીકમાં કોઈ રેસ્ટોરંટ હશે ખરું ? તમે અહીંના લાગો છો એટલે પૂછું છું.’

‘હા માજી ! અહીંથી થોડાક કિલોમીટર્સ આગળ જશો એટલે એક નાનકડું ટાઉન આવશે. ત્યાં હાઈવે પર એક રેસ્ટોરંટ છે. હું પણ એ જ ટાઉનમાં રહું છું. ચાલો, આવજો !’ બ્રાયને વિદાય લેતા કહ્યું. એનો અદ્દભુત વ્યવહાર જોઈને માજી આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર એમ જ પોતાની કારમાં બેઠાં રહ્યાં. પછી ધીમે ધીમે એમણે પણ પ્રયાણ કર્યું.

થોડાક કિલોમીટર્સ દૂર ગયા પછી રોડસાઈડમાં જ એક રેસ્ટોરંટ એમણે જોયું. એમણે ગાડી પાર્ક કરી અને અંદર ગયા. રેસ્ટોરંટ સાવ નાનકડું જ હતું અને એટલું બધું સારું પણ નહોતું. પરંતુ થોડીક પેટપૂજા માટે ચાલશે એવું વિચારી એમણે પોતાની જગ્યા લીધી. આમેય આટલી મોડી સાંજે અને એ ઉંમરે સારા રેસ્ટોરંટની શોધમાં ભટકવાનું એમને યોગ્ય ન લાગ્યું.

‘હેલ્લો મૅમ ! ગુડ ઈવનિંગ ! હું તમારી શું સેવા કરી શકું ? શું લેવાનું પસંદ કરશો ?’ એક પ્રેમાળ અવાજે એમને વિચારોમાંથી બહાર લાવી દીધા. માજીએ જોયું તો એક વેઈટ્રેસ એમનો ઑર્ડર લેવા માટે ઊભી હતી. એ થાકેલી લાગતી હતી, પરંતુ પ્રેમાળ હાસ્ય સાથે પૂછી રહી હતી. માજીના ભીના વાળ લૂછવા માટે એણે નેપ્કીન આપ્યો. પાણી મૂક્યું. માજી જોઈ રહ્યાં. એ વેઈટ્રેસને પૂરા મહિના જતા હતા. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં પણ એ કામ કરી રહી હતી. એ પણ આવા ફાલતું રેસ્ટોરંટનું થકવી નાખતું કામ એને કરવું પડતું. માજીને થયું કે એ સ્ત્રીની આર્થિક હાલત કેટલી ખરાબ હશે કે આવા છેલ્લા દિવસોમાં પણ એ આવું દોડાદોડી અને શ્રમવાળું કામ તે કરી રહી હતી. આ બધું વિચારતા એમણે પોતાનો ઑર્ડર નોંધાવ્યો. થોડી વારમાં એમણે મંગાવેલ વાનગી પેલી વેઈટ્રેસ મૂકી ગઈ.

જમવાનું પતાવીને માજીએ બિલ મગાવ્યું. બિલ ફક્ત થોડા ડૉલર્સ જ થયું હતું છતાં માજીએ 100 ડૉલરની નોટ મૂકી. વેઈટ્રેસ છુટ્ટા પૈસા લેવા ગઈ. એટલી વારમાં જ હળવેથી એ માજી ત્યાંથી રવાના થઈ ગયાં. વેઈટ્રેસ છુટ્ટા લઈને પાછી આવી ત્યારે માજી ત્યાં નહોતાં. પ્લૅટ પાસે બીજી એક 100 ડૉલરની નોટ પડી હતી. બાજુમાં પડેલા પેપર નેપ્કીન પર લખેલું હતું કે, ‘ડિયર ! આ બધા જ પૈસા તારી ટીપના છે. તારે મને કંઈ જ પાછું આપવાનું રહેતું નથી. હું પણ થોડાક કલાકો પહેલા મુશ્કેલીમાં હતી ત્યારે કોઈકે મને નિ:સ્વાર્થ મદદ કરી હતી. એ વ્યક્તિના કહેવા મુજબ હું તને મદદ કરી રહી છું. આપણે બધાએ બીજાને મદદરૂપ થવાની આ ભાવનાને અને નિ:સ્વાર્થ પ્રેમની આ સરવાણીને જીવંત અને વહેતી રાખવી જોઈએ !’ વેઈટ્રેસની આંખમાં આંસુ આવી ગયાં. પંદર દિવસ પછી જ એની ડિલિવરી થવાની હતી. આવનાર બાળક માટે જરૂરી ચીજવસ્તુઓ, કપડાં વગેરે લેવા માટે જાણે ભગવાને જ મદદ મોકલી હોય એવું એને લાગ્યું.
સાંજનું થકવી નાખતું કામ પતાવી, બધા ટેબલ સાફ કરી ઘરે જતી વખતે એ વેઈટ્રેસને સતત એ જ વિચાર આવતો હતો કે પેલા માજીને કઈ રીતે અંદાજ આવી ગયો હશે કે પોતે ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં છે ? આમ તો એને આખી ઘટના એક ચમત્કાર જેવી જ લાગતી હતી. ઘરે પહોંચી આ બધા વિચારોમાં જ એણે પથારીમાં લંબાવ્યું. પોતાના પતિના મોં પર પણ અત્યંત ચિંતાઓ લીંપાયેલ જોઈને એણે એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ‘બધું જ ઠીક થઈ જશે. તું જરાય ચિંતા કરતો નહીં. ભગવાને આપણાં માટે પૈસાની વ્યવસ્થા કરી દીધી છે, બ્રાયન !’
બ્રાયન આશ્ચર્ય અને રાહતભરી નજરે પોતાની પત્ની સામે જોઈ રહ્યો.
- ડો. આઈ. કે. વીજળીવાળા

1 comment:

  1. ખરેખર ખુબ જ પ્રેરણાદાયક લેખ છે .. અભિનંદન .

    ReplyDelete