"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 11 July 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૨/૦૭/૨૦૧૮ અને ગુરુવાર

કાનનો દાતા
પ્રસૂતિગૃહની નર્સે આવીને જેક ફૅમિલીને એમનું બાળક સોંપ્યું. સાત પાઉન્ડ વજનનો ગુલાબી ગાલવાળો મસ્ત છોકરો શાંતીથી ટગરટગર જોતો હતો. એનું ગોળમટોળ મોઢું જોઇને કોઈને પણ વહાલ આવી જાય. પરંતુ એની સામે જોતાં જ જેક દંપતી પર જાણે વીજળી પડી ! એ બાળકને બહારના કાન હતા જ નહીં. કાનની જગ્યાએ ફક્ત કાણાં જ હતા. ઉદાસ દિલે બંને પોતાના દીકરાને લઈને ઘરે આવ્યાં. થોડા દિવસ બંને જણાં રડ્યાં પણ ખરાં. પછી જેવી ભગવાનની મરજી કહી મનને મનાવ્યું.
બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો. શરૂઆતનું બાળપણ નિર્વિઘ્ને પસાર થઈ ગયું. પણ ખરી કસોટી તો એને નિશાળે મૂક્યો ત્યારથી શરૂ થઈ. બાળક બરાબર સાંભળતો હતો છતાં એના દેખાવ ને લીધે બધાં છોકરાઓ એને બૂચિયો કહીને ચીડવતાં. શારીરિક ખોડખાંપણ માટે બાળકો પ્રત્યે બીજાં બાળકો જેટલો ક્રુર વ્યવહાર બીજા કોઈનો નથી હોતો. પોતાના દીકરાને દરરોજ નિશાળેથી રડીને આવતો જોઈને જેક અને એની પત્નીને ખૂબ દુઃખ થઈ આવતું. એમણે ઘણા ડૉક્ટર્સને બતાવ્યું. પણ બધેથી નિરાશા જ સાંપડી, કારણ કે આ પ્રકારની કાનની સર્જરી ત્યારે શક્ય જ નહોતી.

ધીમે ધીમે બાળક લઘુતાગ્રંથીનો શિકાર બનતો ગયો. ક્લાસ માં બધું જ આવડે તો પણ ઊભો ન થાય કોઈ સ્પર્ધામાં પણ ભાગ ન લે, કંઈ બોલે નહીં. ટૂંકમાં પોતાના મા-બાપ સિવાય અન્ય દરેક વ્યક્તિથી જાણે એ દૂર જ રહેવા માગતો હતો. વરસો વીતતાં ગયાં. બાળક હવે યુવાન થઈ ગયો. 

કૉલેજમાં આવ્યા પછી પોતાના કાનનો અભાવ એને એક કલંકની માફક પીડવા લાગ્યો. એક વખત રડતાં રડતાં એ બોલી પણ ગયો કે ‘પપ્પા-મમ્મી ! કાન વિના હું કેવો કદરૂપો લાગું છું, નહીં ? આવી જિંદગી કરતાં તો…..’ એ આગળ ન બોલ્યો પણ એને શું કહેવું હતું તે બિલકુલ સ્પષ્ટ જ હતું.
પોતાના દીકરાને આ રીતે હિજરાતો જોઈ જેકે ફરી એક વખત પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાતોનો સંપર્ક શરૂ કર્યો. આટલાં વર્ષોમાં પ્લાસ્ટિક સર્જરીના ક્ષેત્રે પણ ખૂબજ પ્રગતિ થઈ ચૂકી હતી. એક પ્લાષ્ટિક સર્જને કહ્યું કે છોકરાના કાન જરૂરથી સરસ બનાવી શકાય પણ એ માટે એને કોઈ એ બહારના કાનનું દાન આપવું પડે. જેક દંપતી જો આવો દાતા શોધી કાઢે તો સર્જરીની મદદથી પેલા યુવાનના કાન સરખા કરી શકાય. આ વાત થી જેક અને એની પત્ની ખૂબ આનંદિત થઈ ઊઠ્યાં. એમણે છાપામાં જાહેરખબર દ્વારા અને બીજી રીતે કાનના દાતાની શોધ આદરી. બે વરસ વીતી ગયાં છતાં કાનનો દાતા મળ્યો નહીં. શરૂઆતમાં થયેલો આનંદ હવે નિરાશાનું સ્વરૂપ ધારણ કરતો જતો હતો. છતાં બંને જણાએ કાનનું દાન કરે તેવા દાતાની શોધ ચાલુજ રાખી.
એક દિવસ રાત્રિના ખાણાના સમયે જેકે પોતાના દીકરાને કહ્યું કે , ‘બેટા ! એક ખૂબ જ આનંદના સમાચાર આપવાના છે. તારા માટે કાનનો દાતા મળી ગયો છે અને કાલે સવારે તારું ઑપરેશન છે.’ આ સમાચારથી પેલો યુવક આનંદથી ઝૂમી ઉઠ્યો.
બીજા દિવસે એ યુવકનું ઑપરેશન થઈ ગયું. આઠ દિવસ પછી પાટૉ ખોલાયો ત્યારે યુવકનાં રંગરૂપ તદ્દન ફરી ગયાં હતાં. એ પછીના દિવસોમાં તો એની જિંદગી જ જાણે કે બદલી ગઈ. કૉલેજના અંતિમ વર્ષની પરીક્ષામાં એ પ્રથમ આવ્યો એના મનની લઘુતાગ્રંથી સંપૂર્ણપણે જતી રહી. એક દિવસ એણે એના પિતાને વાત કરી કે જેણે કાન દાનમાં આપ્યા એ દાતા ને પોતે મળવા માગે છે. જેકે કહ્યું ‘બેટા ! એ દાતાની વિનંતી છે કે એક નિશ્ચિત સમયે જ તને જાણ કરશે. ત્યાં સુધી તને એને મળવાની મંજુરી નહીં મળે!’
યુવકને નવાઈ લાગી એણે લાખ વિનંતી કરી પણ એનાં માતા-પિતા ટસના મસ ન થયાં. એ દાતાને મળવાનો સમય થશે ત્યારે જ એને મળી શકાશે એવું તેને ભારપૂર્વક જણાવવામાં આવ્યું. વરસો વીતતાં ગયાં. વચ્ચે વચ્ચે એ યુવક વાત કરતો, તો પણ જેક અને એની પત્ની એની એ જ વાત કહી એને ટાળી દેતાં. છોકરો ભણીને બહારગામ કામ અર્થે રહેવા પણ જતો રહ્યો એક દિવસ એની માતાની માંદગીના સમાચાર મળતાં એ પાછો ઘરે આવ્યો. એ રાતે બધાંએ ખૂબ જ વાતો કરી. પછી સૂતાં.
વહેલી સવારે જેકે એના દીકરાને ઉઠાડ્યો. પછી કહ્યું ‘બેટા ! આજે તારે તારા કાનના દાતાને મળવાનો સમય આવી પહોંચ્યો છે. ચાલ મારી જોડે. આજે એણે હા પાડી છે.’ આટલી વહેલી સવારે પોતાનો તારણહાર પોતાને મળશે એ પેલા યુવક માટે એક વિચિત્ર વાત હતી. નવાઈ પામતો એ પોતાના પિતા સાથે એમના રૂમમાં ગયો. જોયું તો એની માતા મૃત્યુ પામી હતી. ડૉક્ટર એના નિર્જીવ શરીરમાં છેલ્લા એકાદ ધબકારાનો અંશ શોધવા મથતા હતા. જેકે વાંકા વળીને એની પત્નીના વાળ ખસેડ્યા. એની પત્નીના બહારના કાન જ નહોતા. એની જગ્યાએ ફક્ત કાણાં જ હતાં ! પેલો છોકરો ઢગલો થઈ ગયો. એને હવે સમજાયું કે મમ્મી હંમેશા એના કાન ઢંકાઈ જાય એવી રીતે વાળ શું કામ રાખતી હતી. એ ફક્ત એટલું જ બોલી શક્યો, ‘પપ્પા ! કાન ન હોવા છતાં પણ મમ્મી હંમેશા આટલી બધી સુંદર કેમ લાગતી હતી ? હેં ?’
સાચો પ્રેમ કોઈ પણ ઉપકાર જતાવ્યા સિવાય, સામા પાત્રને ખબર પણ ન પડે તેમ મદદરૂપ થઈ શકે છે. સર્વસ્વ આપી દેવા છતાં એ વધારે ઉચ્ચ અને અમીરતાથી ભર્યો ભર્યો બની રહે છે.
- ડો. આઈ. કે. વીજળીવાળા

No comments:

Post a Comment