ગુજરાતી માધ્યમ? અંગ્રેજી માધ્યમ?
‘મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ દિવસ વિકલ્પ જ ન હોય. બાળકને અંગ્રેજી માધ્યમને બદલે ગુજરાતીમાં જ ભણાવવું જોઈએ. અંગ્રેજી શીખવું જરૂરી છે, પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણીને શીખવું બિલકુલ જરૂરી નથી. આપણી માતૃભાષામાં જ બાળકને અભ્યાસ કરવા મળે એ એક વાતનો જ આપણે સૌ સંકલ્પ કરીએ !’ છાપાની પૂર્તિઓમાં માતૃભાષા અંગે ઘણું બધું છપાયું હતું.
સવારના પહોરમાં છાપાંઓ તથા છાપાની પૂર્તિઓને હું માણી રહ્યો હતો. માતૃભાષા વંદના અને એ અંગે ચાલી રહેલી વિવિધ યાત્રાઓની વિશેષ નોંધો પર નજર ફરી રહી હતી. મારા હાથમાં ચાનો કપ હતો. 2010ની જાન્યુઆરીની સવારની ગુલાબી ઠંડક વાતાવરણમાં પ્રસરેલી હતી. એ વખતે હું કડક ચા પીતાં પીતાં છાપાં વાંચવાનો અદ્દભુત લહાવો લઈ રહ્યો હતો, પરંતુ બાળકને ક્યા માધ્યમમાં ભણાવવું જોઈએ એ અંગે ઉપર લખેલાં વાક્યો વાંચતાં જ મારા મનમાંથી એક ખટકો ઊઠ્યો. મારી નજર વારંવાર એનાં એ જ વાક્યો પર જતી હતી. ગુજરાતના વિચારકો, ચિંતકો વગેરેના જુસ્સાપૂર્વક વ્યક્ત થયેલાં મંતવ્યો હતાં કે અંગ્રેજી માધ્યમમાં ગુજરાતના બાળકને ભણાવવું એ નર્યું ગાંડપણ છે. બાળકનો વિકાસ તો જ શક્ય બને જો એ માતૃભાષામાં ભણ્યું હોય ! રશિયા, જાપાન, ફ્રાંસ વગેરે દેશોનાં બાળકો માતૃભાષામાં જ ભણે છે ને ! વગેરે વગેરે…. એ બધાની સાથે તાર્કિક રીતે હું સંમત થતો હતો, પરંતુ ખબર નહીં કેમ મારા મનમાં અજંપાભર્યો એક ખટકો ઊઠી રહ્યો હતો. એ ખટકાની પીડા મને 32 વરસ પાછળ ઘસડી ગઈ. જુલાઈ 1978માં હું પહોંચી ગયો.
10 જુલાઈ, 1978ના રોજ હું વડોદરા મેડિકલ કૉલેજમાં ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં જોડાયો હતો. પ્રથમ દિવસે જ કૉલેજમાં દાખલ થતાવેંત નોટિસ બૉર્ડ જોવાનો પ્રયાસ કર્યો. બધું જ અંગ્રેજીમાં લખેલું હોવાથી ધીમેધીમે ઉકેલવાની મહેનત કરી જોઈ. વીસેક મિનિટ એ મહેનત કરી જોઈ, પરંતુ વધારે ગતાગમ ન પડતાં જ એ પડતી મૂકી. મારે કયા લેક્ચરહૉલમાં જવાનું હતું અને મારો કલાસ ક્યાં હતો એ પણ મને નહોતી ખબર. અમારી કૉલેજ 15 જૂનથી શરૂ થઈ ગઈ હતી. ઍડમિશનની પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે 12મા ધોરણ હાયરસેકન્ડરી પછી ઍડમિશન લેનારા અમે પચાસેક વિદ્યાર્થી લગભગ પચીસ દિવસ જેટલા મોડા હતા. એક તો હું આટલો બધો મોડો હતો અને એમાંય પૂરું અંગ્રેજી આવડે નહીં. કોઈને પૂછવાની હિંમત ન ચાલે. પાંચમા ધોરણથી અંગ્રેજી તો ભણવામાં આવતું જ. અમારી શાળાનું ભણવાનું સ્ટાન્ડર્ડ પણ ખૂબ સારું હતું. છતાં ગામડાગામમાં રહ્યા અને ઊછર્યાં એ કારણ હોય કે બોલવા-સાંભળવાનો મહાવરો ન હોય એના કારણે હોય, જે હોય તે, પરંતુ અંગ્રેજી સાંભળવાની-વાતથી મૂંઝારો થવા લાગ્યો. સાંજ પડ્યે ગામડામાં અંગ્રેજીના બે-ચાર શબ્દો પણ ન સાંભળવા મળતા હોય, જ્યારે અહીંયા તો જ્યાં જુઓ ત્યાં ધાણીફૂટ અંગ્રેજી બોલાતું સંભળાતું ! મારા માટે તો સમજવાનાં પણ ફાંફાં હોય ત્યાં બોલવાની તો વાત જ ક્યાંથી આવે ?
હવે શું કરવું એ વિચારમાં હું નોટિસ બૉર્ડની બાજુમાં જ ઊભો હતો ત્યાં જ મારી નજર અમદાવાદ ખાતે ઈન્ટરવ્યૂ વખતે મારી બાજુમાં બેઠો હતો એવા એક વિદ્યાર્થી પર પડી. એને જોઈને મારા જીવમાં જીવ આવ્યો. એની નજીક જઈને મેં પૂછ્યું કે કયા લેકચરહૉલમાં બેસવાનું હતું ? એને પણ નહોતી ખબર ! પરંતુ એ વડોદરાની અંગ્રેજી મીડિયમની શાળાનો વિદ્યાર્થી હતો. એણે ફટાફટ ત્યાંથી પસાર થતા બે-ચાર જણને અંગ્રેજીમાં પૂછી લીધું. પછી મને જોડે આવવાનો ઈશારો કર્યો. અમે લોકો ફર્સ્ટ એમ.બી.બી.એસ.ના લેકચરહૉલમાં પહોંચ્યા. 150 વિદ્યાર્થીઓના અમારા એ વિશાળ વર્ગમાં હું પાંચમી લાઈનમાં જગ્યા જોઈને બેસી ગયો. બધા વિદ્યાર્થીઓ અંદરોઅંદર અંગ્રેજીમાં વાતો કરતા હતા. ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા, પરંતુ હું ડાફોળિયા મારતો એમ જ બેઠો હતો.
પહેલું લેકચર શરૂ થયું. ગુપ્તાસાહેબ નામના એક જાજરમાન પ્રોફેસર ઍનેટોમી (શરીરરચનાશાસ્ત્ર) ભણાવવા આવ્યા હતા. ઊંચા, ગોરા અને પહાડી અવાજવાળા એ વયોવૃદ્ધ પ્રોફેસરે આપેલ લેક્ચરમાંથી મને કોઈક કોઈક અંગ્રેજી શબ્દો સમજાયા. બાકી ન તો એમના ભાષણ અંગે કંઈ સમજણ પડી કે ન તો એ દિવસના વિષય અંગે ! જેમતેમ કરીને એ 50 મિનિટ મેં કંઈક સમજી શકાય તો સમજવાની માથાકૂટમાં વિતાવ્યા. આજુબાજુ બેઠેલ અંગ્રેજી મીડિયમના સહાધ્યાયીઓ ફટાફટ ભાષણ લખી રહ્યાં હતાં. મારો જીવ ચચરતો હતો. સૌરાષ્ટ્રના અભણ આદમીને કોઈએ ઈંગ્લૅન્ડના અંતરિયાળ પ્રદેશમાં ઉતારી દીધો હોય અને એને જેવું લાગે એવું કાંઈક મારા મનને લાગી રહ્યું હતું. બીજું લેક્ચર ફિઝિયોલૉજી (શરીર કાર્યશાસ્ત્ર)નું હતું. સમય થતાં ડૉ. મિસિસ ચાંદવાણી નામના પ્રોફેસર આવી પહોંચ્યાં. ઊંચાં, પાતળાં, એકવડિયો બાંધો, મૃદુભાષી અને અતિ નમ્ર એવા એ મૅડમે લેક્ચર શરૂ કર્યું. મૅડમનો અવાજ મૃદુ અને ધીમો હતો, પરંતુ એમની બોલવાની ઝડપ મને અધધધ લાગતી હતી. બંદૂકની ગોળીની માફક બહાર પડતા એ અંગ્રેજી શબ્દોને સમજવાનું મારું તો ગજું જ નહોતું. હું નીચું જોઈને બેસી રહ્યો, જેથી એમના લેક્ચરના શબ્દોને મારા માથા પરથી જવામાં સરળતા રહે ! મારી આજુબાજુના વિદ્યાર્થીઓ લેક્ચરને ઝડપભેર લખી રહ્યાં હતાં. હું સાવ બેઠો છું એવું ન લાગે એટલા માટે મારી નોટમાં લીટા કરતો રહ્યો. એ પચાસ મિનિટ મેં માંડમાંડ પૂરી કરી.
એ પછી બપોરે હું જમવા ગયો. મારા મનમાં ઊંડેઊંડે ઉદાસી અને લઘુતાગ્રંથિ બંનેએ સ્થાન ગ્રહણ કરી લીધું હતું. જીવ બળતો હતો. હૉસ્ટેલમાં તેમ જ કૉલેજ બધે જ બધાને અંગ્રેજી આવડતું હતું. એક હું જ એવો હતો જેને અંગ્રેજીમાં કંઈ ગતાગમ નહોતી પડતી. એ દિવસે મને જમવાનું પણ ન ભાવ્યું. જેમતેમ જમીને બપોરે હું કૉલેજ પર પાછો આવ્યો. બપોર પછીના સમયમાં ઍનોટોમીમાં ડિસેક્શન કરવાનું હતું. ડિસેક્શન એટલે માનવ-મડદાંને ચીરીને એની અંદરની રચના જોવી-જાણવી અને એના વિશે જ્ઞાન મેળવવું. એ દિવસે અમારે પગના સ્નાયુઓ અંગે શીખવાનું હતું. ડેમોન્સ્ટ્રેટરે એ દિવસનાં ડિસેક્શન અંગે બધું સમજાવ્યું. હું કાંઈ કરતાં કાંઈ જ ન સમજ્યો. ‘મસલ’ એટલે સ્નાયુ થાય એ મારા માટે પણ નવું હતું. બારમા ધોરણ સુધી અમે અંગ્રેજી ભણ્યા જ હતા, પરંતુ અભ્યાસક્રમમાં આવતા પાઠ, એના સવાલજવાબ તેમ જ વ્યાકરણથી વધીને આગળ કંઈ જ કરવાનું નહોતું. બોલવા-સાંભળવાની ટેવ તો જરા પણ નહીં, એટલે ઝડપથી ઉચ્ચારાતા શબ્દો તેમ જ ઝડપથી બોલાતાં અંગ્રેજી વાક્યો મને જરાકેય સમજાતાં નહીં. અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પૂછીપૂછીને થોડુંક ડિસેક્શન કર્યું. સાંજે પાંચ વાગે કૉલેજ પૂરી થઈ.
એમ જ થોડા દિવસો પસાર થયા. એ પછી મને હૉસ્ટેલમાં ઍડમિશન મળી ગયું ત્યાં સુધી હું મારા મિત્રના ઘરે રહેતો હતો. થોડા દિવસ કંઈ પણ આવડ્યા વિનાના પસાર થયા પછી મેં નક્કી કર્યું કે આવું તો સાવ ન જ ચાલે. આપણને અંગ્રેજી શું કામ ન આવડે ? આપણે ખૂબ જ મહેનત કરવી ! આપણે પણ ખૂબ જ લખવું-વાંચવું. મનમાં આવું જોશ અને જનૂન ભરીને મેં ગ્રે-ઍનેટોમી નામની ટેક્સ્ટબુક ખોલી. પ્રથમ પાનું ખોલીને જોતાં જ હું ઠરી ગયો. એમ કહું તો સાવ હતાશ થઈ ગયો. એના ઝીણા પ્રિન્ટ્સ તેમ જ તોડી નાખે એવું અઘરું અંગ્રેજી જોઈને હું ડઘાઈ જ ગયો હતો. આવું બધું મારે ભણવાનું હતું ? જો આમાંથી એક પણ સ્પેલિંગ જ ન આવડે તો એ વાંચી તો કઈ રીતે શકાય ? તો પછી શું કરવું ? મારા મનમાં એક વિચાર આવ્યો કે જો સ્પેલિંગ્સ પાકા કરી નાખવામાં આવે તો વાંચવાનું સરળ બની જાય, એટલે સ્પેલિંગ પાકા કરવા ! 200 પાનાંની નોટ લઈને ‘Muscle : મસલ એટલે સ્નાયુ’ અને ‘Flex : ફલેક્સ એટલે વાળવું’ એમ એકએક સ્પેલિંગ દસદસ વખત લખીને ગોખવાનું શરૂ કર્યું, પરંતુ આ તો ડોલેડોલે દરિયો ભરવાની વાત હતી ! એ ક્યારે અને કઈ રીતે ભરી શકાય ? ત્રણથી ચાર નોટ ભરાઈ પછી હિંમત ભાંગી ગઈ. લધુતાગ્રંથિની જોડાજોડ થોડીક હતાશાએ પણ મગજના એક ખૂણામાં ઘર કરી લીધું હતું. છતાં જેમ બધાને આવડી જતું હોય છે એમ મને પણ મેડિકલશાસ્ત્ર ધીમેધીમે આવડી જશે એમ હું મનને મનાવતો રહેતો અને એ દોહ્યલા દિવસો જેમતેમ પસાર કરતો.
કૉલેજના દિવસોમાં ભણવા સાથે આનંદ-ઉત્સવના દિવસો પણ આવતા હોય છે. ઍન્યુઅલ ડે, યુનિવર્સિટી વીક કે મેડિકલ વીકમાં ભલભલી સ્પર્ધાઓ તેમ જ રમતો થતી. જસ્ટ-અ-મિનિટ વગેરે રમતો અંગ્રેજીમાં રમાતી. અન્ય પ્રવૃત્તિઓ પણ અંગ્રેજીના પાયા પર આધારિત રહેતી. એ વખતે અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લેતા. અમે ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ ફક્ત શ્રોતા બની રહેતા. કોઈ ગુજરાતી આઈટમ હોય તો હજુ કોઈક ભાગ લેતું. બાકી તો શ્રોતા બનીને માણવાનું જ રહેતું.
એમ દિવસો પસાર થતા ગયા. અતિ પરિશ્રમ અને રાત-દિવસની મહેનત પછી ભણવામાં થોડોથોડો ટપ્પો પડવા માંડ્યો. પંદર મહિના પૂરા થયા. પ્રથમ એમ.બી.બી.એસ.ની પ્રિલિમિનરી પરીક્ષા આવી ગઈ. અમારા વખતે ત્રણેય એમ.બી.બી.એસ. દોઢ-દોઢ વરસનાં હતાં. પ્રથમ વરસની પ્રિલિમિનરી પરીક્ષામાં આખા જ વરસનો અભ્યાસક્રમ પૂછાય. બારમા ધોરણનું કૅમેસ્ટ્રી ગુજરાતીમાં ભણેલો એટલે એ જ વિષય અંગ્રેજીમાં ભણતાં ખૂબ જ અઘરું લાગતું હતું. બાયોકૅમિસ્ટ્રી નામનો વિષય મને કોઈ વાતે આવડે જ નહીં. નત્રલ પદાર્થ કે કાર્બોદિત પદાર્થનું મનમાં અંગ્રેજી કરવું, બધાં અંગ્રેજી વાક્યોને ગુજરાતીમાં ફેરવીને એનો અર્થ સમજવો અને એ પછી બધાં વાક્યોને બરાબર ગોઠવીને શું કહેવા માગે છે એ સમજવાની પ્રક્રિયામાં ખરેખર સમજવાનું શું છે એ રહી જ જતું ! આટલી અડચણો છતાં મેં તનતોડ મહેનત કરીને તૈયારી કરી હતી. હું રાત્રે ત્રણ વાગ્યા સુધી વાંચતો અને સવારે સાડાસાત વાગે ઊઠી જતો. જિંદગીમાં જાણે ભણવા સિવાય બીજું એકેય કામ જ નહોતું રહ્યું એવું મને લાગતું હતું. કૉલેજ જતાં પહેલાં અને ત્યાંથી આવ્યા પછી અભ્યાસ સિવાય મેં બીજું કશું કર્યું જ નહોતું. અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી એમ મને પણ બસ, પ્રિલિમિનરી પરીક્ષા જ દેખાતી. છેલ્લે એ દિવસ આવી પહોંચ્યો. અમારી પ્રિલિમ આવી પહોંચી.
ખૂબ મહેનત અને રાત-દિવસ જોયા વિના કરેલ પરિશ્રમ પછી આપેલ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ આવ્યું. ફિઝિયોલૉજીના વિષયમાં હું સાત માર્ક માટે નાપાસ થયો હતો. મને ભયંકર ધક્કો લાગ્યો. સરદાર પટેલ હૉલ (હૉસ્ટેલ)ના બાથરૂમમાં જઈને હું ધરાઈને રડ્યો હતો. એ સાંજે મને થયું કે મેડિકલના ભણતર માટે હું લાયક જ નથી. અંગ્રેજી માધ્યમાં ન ભણેલા હોય એમને અને એમાંય ગામડામાંથી આવતા હોય એવા વિદ્યાર્થીઓએ આ બ્રાંચમાં આવવું જ ન જોઈએ. હવે મારે શું કરવું એ અંગે પણ મને જાતજાતના વિચારો આવવા લાગ્યા. મને થયું કે મારે ભણવાનું છોડી દેવું જોઈએ. ગામડે જતો રહું એવું થઈ આવ્યું, પણ જો હું આમ ભાગીને જતો રહું તો મારા પરની આશાના તાંતણે લટકી રહેલાં મારાં ગરીબ મા-બાપ તો ભાંગી જ પડે ને ?
આજે દિલ ખોલીને કહું તો હું ખરા અર્થમાં સાવ જ હતાશ થઈ ગયો હતો. એ વખતે અમારા ગામના અને એન્જિનિયરિંગમાં ભણતા આનંદભાઈ અંધારિયા નામના અમારા એક સિનિયરે મને ખૂબ જ હિંમત આપી હતી. બધાની ખૂબ જ સમજાવટ પછી હું ફરીથી વાંચવા માટે તૈયાર થયો. અંગ્રેજી મીડિયમમાંથી આવેલા વિદ્યાર્થીઓ ખૂબ મૂડમાં અને આનંદથી તૈયારી કરી રહ્યા હતા. હું તૈયારી તો કરી રહ્યો હતો, પરંતુ અત્યંત હતાશાની લાગણીઓથી કચડાઈને ! એ વખતે મને થતું કે શું મેડિકલની ચોપડીઓ પણ ગુજરાતીમાં ન લખી શકાય ? અથવા તો 11-12 ધોરણમાં વિજ્ઞાનના વિષયમાં દરેક શબ્દનું અતિશુદ્ધ ગુજરાતી કરવાને બદલે ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી શબ્દો ન રાખી શકાય ? સ્કંધમેખલા એટલે શોલ્ડર ગર્ડલ એવું મેડિકલમાં માંડમાંડ સમજાય એના કરતાં પ્રથમથી ગુજરાતીમાં જ બંને શબ્દો જોડે ન રાખી શકાય ? જો એવું બની શકે તો મારા જેવા કેટલા બધા વિદ્યાર્થીઓને માતૃભાષામાં ભણ્યા હોવાની આવી આકરી સજામાંથી તો પસાર ન થવું પડે !
અંતે ફર્સ્ટ એમ.બી.બી.એસ.ની પરીક્ષા પસાર થઈ ગઈ. અથાગ મહેનત અને ઈશ્વરકૃપાથી હું પાસ થઈ ગયો, પરંતુ અંગ્રેજી ન આવડવાનો ઘા મનમાં ખૂબ જ ઊંડે એક ન મટી શકે એવા નિશાન સાથે કાયમ માટે રહી ગયો. એ પીડા અને એનાથી ઊભી થયેલી લઘુતાગ્રંથિને જતાં ઘણો વખત થયો. એ વરસ પછીનાં દરેક વરસો ધીમેધીમે મારી નજર સામેથી પસાર થતાં ગયાં. એ પછી તો ધીમેધીમે અંગ્રેજી સમજતાં આવડ્યું. મેડિકલ પણ આવડ્યું, પરંતુ પેપર લખવાથી માંડીને કેસ પ્રેઝન્ટેશનમાં બોલવા સુધી અંગ્રેજી નડતું તો રહ્યું જ ! (કે ગુજરાતી નડતું રહ્યું ?)
‘અરે ! તમે શું વિચારમાં પડી ગયા ? તમારી ચા ઠંડી થઈ જશે ! થઈ જશે શું, જુઓ, ઠરીને ઠીકરા જેવી થઈ જ ગઈ છે !’ મારી મિત્ર કૃતિકાએ કહ્યું.
‘હેં ! શું ? અરે ! હા, સાચી વાત છે !’ વિચારોમાંથી બહાર આવતા હું બોલ્યો. કપમાં ગરમ ચા રેડી, ઘૂંટડો ભરતાં મેં છાપામાં ફરીથી નજર નાખી : ‘બાળકને માતૃભાષામાં જ ભણાવવું જોઈએ !’ એ વાક્યો પર મારી નજર અટકી ગઈ હતી. લખનાર વરિષ્ઠ વિચારકો સાથે હું તાર્કિક રીતે સંમત જ હતો, છતાં ખબર નહીં કેમ પણ પેલો ખટકો હજી જતો નહોતો. છતાં, છાપું વાળીને મૂકતાં હું એટલું જ સ્વગત બોલ્યો, ‘બરાબર છે ! તમારી ચળવળ બરાબર છે. સાવ સાચું છે, ભાઈ ! સાવ જ સાચું !’
- ડો. આઈ. કે. વીજળીવાળા
No comments:
Post a Comment