શ્રદ્ધા
એક માણસની પાછળ વાઘ પડ્યો હતો. જંગલનાં ઝાડી-ઝાંખરાં વચ્ચેથી એ જીવ બચાવવા હતું તેટલું જોર કરીને ભાગી રહ્યો હતો. વાઘ પણ ઘણા દિવસનો ભૂખ્યો હશે. એ પણ પેલાની પાછળ બરાબરનો પડેલો. હાથમાં આવેલો શિકાર આજે છટકી જાય તે એને પણ પોસાય તેમ નહોતું. દોડતાં દોડતાં પેલો માણસ એક ખીણની ધાર પર આવી પહોંચ્યો. અટકી ગયો. નીચે હજારો ફૂટે ઊંડી ખીણ હતી. જો પડી જવાય તો હાડકાંનો એક ટૂકડો પણ હાથ ન લાગે. પાછળ ભૂખ્યોડાંસ વાઘ હતો. આગળ ને પાછળ બંને જગ્યાએ જાણે કે મોત નિશ્ચિત જ હતું. અચાનક જ એની નજર ખીણની દીવાલમાંથી આડા ઊગી નીકળેલા એક નાનકડા ઝાડ પર ગઈ. એ ઝાડનું થડ જાડું નહોતું પણ અત્યારે કૂદકો મારીને થોડેક નીચે ઊગેલા એ ઝાડને પકડી લેવામાં જ એને સાર લાગ્યો, કારણ કે વાઘ હવે બિલકુલ પાસે આવી ગયો હતો. એણે કૂદકો મારીને એ ઝાડને પકડી લીધું. બસ એ જ ક્ષણે વાઘ ખીણની કિનારી સુધી આવી પહોંચ્યો. પોતાના શિકારને આમ પંજામાંથી છટકી જતો જોઈને એણે ખૂબ જ ત્રાડો પાડી. પછી ત્યાં જ આમતેમ આંટા મારવા માંડ્યો.
ઝાડ પર લટકી ગયેલા એ માણસને બચી ગયાનો આનંદ તો થયો પણ એ આનંદ બે ક્ષણથી વધારે ન ચાલ્યો, કારણ કે એણે જે નાનું ઝાડ પકડી લીધું હતું તેનાં મૂળમાંથી માટી ખરવાની શરૂ થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે એ નાનકડી ડાળખી જેવડું ઝાડ આ માણસનું વજન ઝીલવા માટે અસમર્થ હતું. કદાચ થોડીક ક્ષણો પછી એ પણ ઊખડી જાય તો ? અને આ તો-નો ખ્યાલ આવતાં જ એ માણસનું ધ્યાન ફરી એક વખત ખીણ તરફ ગયું. હજારો ફૂટની ઊંડાઈ જોતાં જ ભયથી એનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. કદાચ આસપાસ કોઈ હોય તો એને બચાવી લે એ આશાએ એણે અવાજ બેસી જાય ત્યાં સુધી મદદ માટે બૂમો પાડી. પણ જંગલ તો સાવ નિર્જન હતું. વાઘની ત્રાડો સિવાય કોઈ જવાબ ન મળ્યો ત્યારે એ માણસ સાવ નિરાશ થઈ ગયો. હવે એને ભગવાન સાંભર્યા ! સંકટ સમયનો એ જ તો છેલ્લો દરવાજો હોય છે ને ?
એ માણસે આકાશ સામે જોયું. પછી બૂમ પાડી, ‘હે ભગવાન ! હું આજ સુધી એવું સાંભળતો આવ્યો છું કે તું દરેક વ્યક્તિની સાથે હંમેશાં હાજર હોય જ છે. જો એ વાત ખરેખર સત્ય હોય અને તારું ખરેખર અસ્તિત્વ હોય જ તો તું મને આજે મદદ કર. મને તું આજે બચાવી લે, ભગવાન ! પ્લીઝ ! એના બદલામાં તું કહીશ એ બધું જ કરી છૂટવા માટે હું તૈયાર છું. ભગવાન ! તું ખરેખર બધાની જોડે હોય જ છે ને ?’ એ જ વખતે એક મોટી ગડગડાટી થઈ અને આકાશમાંથી અવાજ આવ્યો, ‘હા ! હું હંમેશાં દરેકની સાથે જ હોઉં છું. અને મારે શરણે આવનારને, મને સમર્પિત થનારને હું હંમેશાં બચાવી લઉં છું. તને પણ હું બચાવીશ. પણ તું ખરેખર હું કહું તેમ કરીશ ખરો ?’
‘હા, પ્રભુ ! તું જે કહીશ તે કરીશ એની ખાતરી આપું છું. પણ મને બચાવી લે મારા નાથ !’
‘પણ એ માટે તારામાં અપાર હિંમત જોઈશે અને મારા પરની ખૂબ જ શ્રદ્ધા જોઈશે. મારી મદદ કરવાની રીત સાવ અનેરી હોય છે. બોલ, તું મારા પર સો ટકા ભરોસો રાખીને હું કહું તેમ સાચ્ચે જ કરી શકીશ ?’ આકાશમાંથી સવાલ થયો.
‘હા, ભગવાન ! તું જો મને બચાવી જ લેવાનો હો તો તું કહે તે કરવા તૈયાર છું. મને હવે તારામાં અપાર ભરોસો છે. અને આજે આ નિર્જન જંગલમાં મારો સાદ સાંભળીને તું જ તો દોડી આવ્યો છે. અને હું તારા પર શ્રદ્ધા નહીં રાખું ? તું કહીશ તે હું કરીશ, પણ જલદી અહીંથી છોડાવ. જો, હવે તો આ ડાળખી પણ વજન નથી ખમી શકતી.’
‘તો પછી ડાળખી છોડી દે !’ ભગવાને આદેશ કર્યો.
પેલો માણસ છક્કડ ખાઈ ગયો. નીચે નજર કરતાં જ પાછી એ જ ભયાનક ખીણ દેખાઈ. ઉપર જોયું તો વાઘ હજુ જીભ લપકાવતો ખીણની ધાર પર ઊભો હતો. ડાળખી પણ હવે ધીરે ધીરે ખીણની દીવાલમાંથી ઊખડતી જતી હતી. એણે ઊંચે આકાશ તરફ નિરાશાભરી એક નજર નાખી. પછી જોરથી બૂમ પાડી, ‘અરે કોઈ મારો અવાજ સાંભળે છે ? અરે કોઈક તો મને બચાવો !!’
ભગવાન પરની સાચી શ્રદ્ધા અને હિંમત આપણને કોઈ પણ ખીણમાં પડવા છતાંય બચાવી લેવા સમર્થ છે જ ! જરૂર છે ફક્ત એના પરની સંપૂર્ણ શ્રદ્ધાની. અને આપણા હૃદયમાં જો એવી અનન્ય શ્રદ્ધા પ્રકટી ઊઠે તો ખરા સમયે બીજા કોઈને વ્યર્થ બૂમો પાડવાનો વખત આવે ખરો ? જો ભગવાન આપણને મદદ કરવાનું વચન આપતો જ હોય તો આપણે પણ એના પર શંકા રાખ્યા વિના જ ઝંપલાવવું જોઈએ. અને ત્યાર પછી પાક્કી ખાતરી હોવી જોઈએ કે એ આપણને બચાવી જ લેવાનો !
- અંતરનો ઉજાસ (ડો. આઈ. કે. વીજળીવાળા)
No comments:
Post a Comment