હું નેચર લવર તો હતી જ, એમાં પણ ફૂલ તો મને ખુબ જ ગમતાં. રસ્તામાં ફૂલ વેચનાર પાસે ફૂલો જોઈ હું મનમાં ને મનમાં બહુ જ ખુશ થતી. પણ એ ઉંમરમાં એક એવી માનસિકતા હતી કે ફૂલો તો કંઈ જાતે થોડી ખરીદાય? એ તો કોઈ પ્રેમ થી લાવી ભેટ આપે તેમાં જ આનંદ મળે. એક દિવસ મેં મારા મનમાં રહેલું એ અરમાન, કે મને રોમેન્ટિક રીતે એ ફૂલો આપે, જઈને એમને કહી જ દીધું.
“તમે તો મને ક્યારેય અચાનક જ ફૂલો લાવી આપીને સરપ્રાઈઝ જ નથી આપતા. કયારેક તો રોમેન્ટિક રીતે સરસ મજા ના ફૂલો થી સરપ્રાઈઝ આપો!” એમણે કોઈ રિએક્શન જ ન આપ્યું. થોડા દિવસો વીતી ગયા અને એક દિવસ અચાનક જ એ ઓફિસ થી ઘરે આવ્યા, મેં ઘરનો દરવાજો ખોલ્યો એટલે એમણે મારી સામે જોયા વગર જ હાથ માં રહેલું માત્ર એક ગુલાબ મને આપ્યું. ન કોઈ રોમેન્ટિક શબ્દો, ન ચેહરા પર કોઈ હાવ ભાવ!
ક્લાસ રુમ ના બ્લેક બોર્ડ જેવા બ્લેંક ચહેરે એમણે એ એક માત્ર ગુલાબનું ફૂલ મને આપ્યું. છતાંય હું ખુશ ખુશ થઈ ગઈ અને બોલી ઉઠી “થેંક્યુ સો મચ” . પણ એમણે ફરીથી એક વખત, હા ફરીથી એક વખત એજ બ્લેક બોર્ડ જેવા બ્લેંક ચહેરે મારી સામે જોયા વગર જ કહ્યું “ત્રણ રૂપિયા નું એક ગુલાબ હતુ!” બે મિનિટ તો હું એવી ડઘાઈ ગઈ , જાણે કાપો તો લોહી ના નીકળે. ત્યાં તો ફરી મારી સામે જોઈ ને કહે “આ રોમાન્સ વોમાન્સ બધું ફિલ્મી દુનિયામાં હોય, હકીકતમાં નહિ.” આજે એ વાતને વર્ષો વિતી ગયા. હવે હું એ માનસિકતામાંથી બહાર આવી ગઇ કે ફૂલો તો કોઈ પ્રેમ થી ભેટ આપે. હવે હું મારી જાતે જ ફૂલો ખરીદી મારી જાતને જ ગીફ્ટ આપી દઉ છું. અને જાતે જ એટલી જ ખુશ પણ થઈ લઉં છું જાણે કે કોઇ એ ફૂલોથી સરપ્રાઈઝ આપી હોય.
– ચૌલા
No comments:
Post a Comment