"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday, 30 September 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૧/૧૦/૨૦૧૮ અને સોમવાર

આજથી "વહેતી વાર્તા - શ્વેતા" નામની એક નવલકથા મૂકીશ. જેના કુલ ૩૦ પ્રકરણ છે. દરરોજ ૧ પ્રકરણ મૂકીશ. આજે એમાંનું પહેલું પ્રકરણ મૂકું છું. વાંચ્યા પછી રીવ્યૂ ખાસ આપજો. 
હાર્ટ શેઇપનો આધુનિક પલંગ મઘમઘતા તાજા રંગીન ફૂલોથી શણગારેલો હતો. બૅડની ત્રણ બાજુની દિવાલો આકર્ષક આયનાઓથી મઢેલી હતી. મોડર્ન સાઉન્ડ સિસ્ટિમમાંથી ધીમા માદક સુરો વહેતા હતા. આછા ઝાંખા પ્રકાશમા નાની નાની મોમબત્તીની નાજુક તેજ શિખાઓ શૃગારીક સંગીતની સાથે જાણે ડોલતી હતી. ટેબલ પર ચાંદીના ગ્લાસમા બદામ પિસ્તા કેસર અને ગુલાબની પાંદડી વાળું દૂઘ દુલ્હારાજા અક્ષયની રાહ જોતું હતું. માત્ર કેશરીયા દૂધજ નહિ; સૌભાગ્યનો શણગાર સજીને લાલ પાનેતરમા બેઠેલી નવોઢા શ્વેતા, સુહાગરાતના કૌમાર્યભંગના કલ્પિત ભયના અનેરા સ્પંદનો અનુભવતી, પોતાના પતિ અક્ષયની રાહ જોતી હતી……. વિચારતી હતી.
આ બધું કેટલી ઝડપથી બની ગયું હતું!  શ્વેતાતો ઇકોનોમિક્સ સાથે M.B.A. કર્યા પછી મોટાભાઈ સાથે એમના શેઠ, શ્રી સુંદરલાલ શેઠ પાસે નોકરી મેળવવા ‘સુવર્ણા ફાઈનાન્સિયલ પ્રાઈવેટ લિમિટેડ’મા ગઈ હતી.
નરિમાન પોઈન્ટના પોસ એરિયામાં સુંદરલાલ શેઠની ઓફિસ હતી. દિલ્હી, ચેન્નાઈ અને અમ્દાવાદમાં પણ સુવર્ણા ફાઈનાન્સની શાખાઓ હતી. રોજ કરોડોની ઉથલપાથલ થતી હતી. ઓફિસ બિલ્ડીંગના બે ફ્લોર પર સહેજે દોઢસો માણસો કામ કરતા હશે. શ્વેતાને ખાત્રી હતી કે નોકરી મળી જ જશે કારણ કે શેઠજી જ્ઞાતીના જ હતા. દલાલ સ્ટ્રીટના બાદશાહ કહેવાતા હતા. શ્વેતાના પિતાના અવસાન પછી મોટાભાઈ, યોગેશભાઈ શ્રોફના  લગ્ન  એમના મિત્રની પુત્રી હેમાલી સાથે કરાવી આપ્યા હતા. પિતાના મૃત્યુ પછી મોટાભાઈ તાજા જ ગ્રેજ્યુએટ થયા હતા. કોઈ પણ અનુભવ ન્હોતો છતાંયે સારો પગાર આપીને નોકરીએ રાખ્યા હતા. ત્યારે શ્વેતા માંડ  દસ વર્ષની હશે.
શ્વેતા નાનપણથી જ તેજસ્વી છોકરી હતી. મોટાભાઈ લાડકીબેનના વખાણ કરતા થાકતા ન હતા. સગાવ્હાલા હોય કે આડોસી પાડોસી હોય, મિત્રો હોય કે સહકાર્યકર્તા હોય. મારી બેનડી કે મારી શ્વેતુની ગૌરવગાથા ગવાતી જ હોય. સુંદરલાલ શેઠ આ બધું સાભળતા. એમણે જ શ્વેતાને પ્રાઈવેટ સ્કુલમા દાખલ કરાવી હતી. અક્ષય પણ એજ સ્કુલમાં બે વર્ષ આગળ ભણતો હતો. શેઠની આ સ્કુલમા મોટી સખાવત હતી. દર વર્ષે એમને હાથે અભ્યાસ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓના ઈનામની વહેંચણી થતી. શ્વેતા દર વર્ષે ઘણાં ઈનામો મેળવતી. અક્ષયને માંડમાંડ ઉપર ચઢાવવામાં આવતો. ચાર વાર એસ.એસ.સીમાં નાપાસ થયા પછી કોઈક રીતે પાસ તો થયો પણ આગળ ભણવાનું માંડી વાળ્યું. શ્વેતા ઘણી આગળ નીકળી ગઈ.
કોલેજના ઈકોનોમી ફોરમની ડિબેટીંગ કોમ્પીટીશનમા શેઠ પણ એક જજ હતા. એમના હાથેજ શ્વેતાને પહેલું ઈનામ અપાયું હતું.
ભાભીના હાથના દહીંના શુકન લઈનેજ ભાઈ સાથે નોકરી માટે શેઠને મળવા ગઈ હતી.  યોગેશભાઈને  નોકરી મળવાની ખાત્રી હતી. શ્વેતાને ભરપુર આત્મવિશ્વાસ હતો. નોકરી તો મળશેજ પણ પગાર શું માંગવો તેની દ્વિધા સતાવતી હતી.  આખી રાત જાગીને તૈયાર કરેલો પોર્ટફોલિયો શેઠ સાહેબને આપ્યો. શેઠ સાહેબે જોયા વગરજ ટેબલ પર મુકી દીધો. હાઈબેક ચેર પર માથું અઢેલી, આંખો બંધ કરી બેસી રહ્યા. પૂરી સાત આઠ મિનીટ પછી આંખ ઉઘાડી. શેઠજીએ હળવેથી કહ્યું; 
, ” દિકરી શ્વેતા! મારે તને મારી કંપનીની એમ્પ્લોઈ જ નહિ પણ પાર્ટનર અને મારા ઘરની ગૃહલક્ષમી બનાવવી છે. જો તમને મંજુર હોયતો દસ દિવસ પછી સરસ મુહુર્ત છે. લગ્ન ગોઠવી દઈએ. અક્ષય મારો એકનો એક દિકરો છે. બધી વ્યવસ્થા હું કરી દઈશ  તમે જરાયે મુંઝાશો નહિ.  મને રાત્રે ફોન કરજો. હું અને સુવર્ણા તમારા ફોનની રાહ જોઈશું.”
સાંજે ભાઈ ભાભીએ બંધ બારણે ઘણી વાતો કરી. ભાભી કહેતા હતા “ધીમે ધીમે બધું થાળે પડી જશે. લગ્ન પછી ધીમેધીમે સૌ સારાવાના થઈ રહેશે . બહેના રાજ કરશે રાજ!”  મોટાભાઈ કંઇક ખંચકાતા હતા.  “આ તો દીવો લઈને કુવામાં ઉતરવા જેવું છે મારું મન નથી માનતું.”
“પણ તમારી નોકરીનું શું?  શેઠના આપણા પર કેટલા ઉપકાર છે!  અક્ષય , કરોડપતિ બાપનો એકનો એક દીકરો છે.  કેટલાએ ધનિકો અને રાજકારણીઓ આ સંબધને માટે શેઠના પગથીયા ઘસે છે. શ્વેતાએ ગયા જન્મમાં કેટલાયે પૂણ્ય કર્યા હશે ત્યારે એને આ તક મળે છે.”  શ્વેતાએ ભાભીને કહેતા સાંભળ્યા હતા.
મોટાભઈએ શ્વેતાને કહ્યું  ” બેન! અક્ષય ખાસ ભણેલો નથી. માંડ માંડ S.S.C. થયેલો છે. બાપ કમાઈ પર તાગડધિન્ના કરનારા અમીર સંતાનોમા ન કલ્પેલા દુર્ગુણો ભરેલા હોય છે. છેલ્લા થોડા વર્ષોમાં તું એને મળી પણ નથી. અરે તેં એને જોયો પણ નથી. મારું મન નથી માનતું. ચિંતા થાય છે. કેમ મેળ બેસશે?”
“મને આપણી શ્વેતાની શક્તિ અને સંસ્કાર પર પૂરો ભરોસો છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એવી કાબેલ છે. શેઠકાકાના આપણા પર કેટલા ઉપકાર છે. નગુણા થઈએ તો કદાચ તમારી નોકરી પણ ગુમાવવાનો વારો આવે. અને આપણા આઠ વર્ષના સૌરભનું ભવિષ્ય શું?”   ભાભીએ વાસ્તવિકતાનો નિર્દેશ કર્યો.
મોટાભાઈ તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો.  ઘરમાં સૌનો પ્રેમ હશે તો ભણતર આડું નહિ આવે. ભાભીએ તે રાત્રે હકારનો, ફોન પર ગ્રીન સિગ્નલ આપી દીધો.
બધું સ્વપ્નવત્ બની ગયું. આજે ;  શ્રોફમાંથી શ્વેતા શેઠ બનેલી,  સ્ત્રી જીવનની અણમોલ ઘડીની રાહ જોતી, શરમાતી મુંઝાતી અક્ષયની પ્રતીક્ષા કરતી બેઠી હતી.
બે કલાક વીતી ગયા. આખરે દોઢ વાગ્યે અક્ષય લથડતા પગે દારુની બોટલ  સાથે રૂમમાં દાખલ થયો. એક પણ શબ્દ બોલ્યા વગર ખૂણા પરના સોફાપર બેઠો. વિચિત્ર દુર્ગંધ વાળી સિગારેટ સળગાવી. અક્ષયના મોંમાથી  દારુની વાસ અને સિગરેટના ધુમ્રવલયોથી ઘડી પહેલાનો મઘમઘતો રૂમ ગંદકી ભર્યો થઈ ગયો. શું આ શ્વેતાની ભાવિ જિંદગીનો અણસાર હતો?
“શ્વેતા! આ બધા ફિલ્મી ડ્રામાની  હવે કાંઈ જરૂર નથી.   ઘૂંઘટ ખોલ,  કાન અને દિમાગ ખુલ્લા રાખ. હું જે કહું તે ધ્યાનથી સાંભળ. તું તો મારાથીયે ખુબ ભણેલી છેને! સાનમા સમજી જજે. હું મારું તન, મન અને અંગત ધન, કેથીને આપી ચુક્યો છું. મારો કેથી પ્રત્યેનો પ્રેમ અમર છે. મમ્મીએ સમાજને માટે અને પપ્પાએ કદાચ લગ્ન પછી હું કેથીને છોડી દઈશ એ આશાએ તારી સાથે લગ્ન કરાવ્યા છે.  જો વારસા હકમાંથી કાઢી મૂકવાની ધમકી ન આપી હોત તો હું તને પરણતે જ નહિ.
તારે માટે અક્ષય મરી ચૂક્યો છે એમ માનીને જ તારે આ શેઠ ખાનદાનમા જીવવાનું છે. અત્યારથી જ માની લે કે તું વિધવા છે…. લે, હું તને સરળતા કરી આપું.”
અક્ષય ઉભો થયો. ઘૂંઘટ ઉઘાડી નિર્દયતાથી સેંથામાનું સૌભાગ્ય સિંદૂર અને કપાળ પરનો કુમ્કુમ ચાંદલો ભૂંસી નાંખ્યો.
શ્વેતાને તમ્મર આવતા હતા. ચારે બાજુના આયનામાં તેનાજ અનેક પ્રતિબિંબો ડાકલાં વગાડતા ભૂતાવળ સમા ભાસતા હતા. પોતાનાજ પ્રતિબિંબો અમાનવીય નગ્ન નૃત્ય કરતા ગાઈ રહ્યા હતા. ‘શ્વેતા તું વિધવા છે…શ્વેતા તું વિધવા છે..’  તદ્દન આછા પ્રકાશમા તેનું લાલ પાનેતર વૈધવ્યનો કાળો સાડલો ભાસતો હતો.
” સાંભળી લે. આ તો માત્ર શરૂઆતજ છે. હજુ મારે એક નાટક કરવાનું બાકી છે. કાલની ફ્લાઈટમા આપણે એક વીક માટે હનીમૂન માણવા સ્વીટ્ઝર્ડલેન્ડ જવાનું છે. મોં હસતું રાખી, તારા ભાઈની નોકરીની સલામતી માટે હું કહું તેમ કરતી રહેજે.”
શ્વેતાને ખબર ન હતી કે સવારે શું થવાનુ છે. એને સાંભળેલું સૂત્ર યાદ આવ્યું…
” ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે “
 શ્વેતાની અનિશ્ચિત  જિંદગીનો પ્રારંભ થયો...

No comments:

Post a Comment