"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday, 19 October 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૦/૧૦/૨૦૧૮ અને શનિવાર

Image result for ironing man
આજે સાંજે હું શાંતિથી TV જોતો હતો. ત્યાં અમારા ઈસ્ત્રીવાળા ભાઈ આવ્યા. દરેક વખતની જેમ ગણી ને કપડાં લીધા અને ગણી ને કપડાં આપ્યા. તેની નોટમાં લખી દીધું.

મે તેની સામે જોઇ ને કીધું ભાઈ મહિનો પૂરો થઈ ગયો. હિસાબ નથી લેવાનો? ભાઈ એ પેન કાઢી ટોટલ મારી બોલ્યા. સાહેબ, પાંચસો પચાસ રૂપિયા થયા છે. મેં પાકીટમાંથી રૂપિયા પાંચશો પચાશ કાઢીને આપ્યા.

ભાઈ બોલ્યા, સાહેબ નોટ પહેલા વાંચી લો. મેં કીધું, ભાઈ મેં કદી તારો હિસાબ જોયો નથી અને જોવાનો નથી. આપ કેટલા વર્ષો થી અહીં આવો છો? ભાઈ બોલ્યા પંદર વર્ષ તો ખરા.

તો પણ સાહેબ...આપ બુક જોઈ લો. પાંચસો પચાસ રૂપિયા કાપતા પણ તમારા રૂપિયા ચારસો પચાસ જમા બોલે છે. મેં તેની નોટ હાથમાં લીધી. એણે રૂપિયા 1000 જમા લીધા હતા.
મેં કીધું, ભાઈ મેં તો તમને કોઈ 1000 રૂપિયા નથી આપ્યા.

ભાઈ  બોલ્યા, સાહેબ હું કપડાંને જયારે ઇસ્ત્રી કરું છું. ત્યારે ખીસ્સા અચૂક ચેક કરું છું. તમારા પેન્ટના ખીસ્સામાંથી હજાર રૂપિયાની નોટ નીકળી હતી. આમ તો હું બીજા દિવસે તમને આપી દેવાનો હતો. પણ એ જ દિવસે આકસ્મિક ખર્ચ અને ઇલેક્ટ્રિક બિલ સાથે આવતા મારું મન લાલચુ બની ગયું સાહેબ,  મેં તમને કહેવાનું માંડી વાળ્યું હતું.

થોડા દિવસથી આ હજાર રૂપિયા નોટ મને સુવા દેતી નથી. રોજ વિચાર આવે, મેં કંઈક ખોટુ કર્યું છે. સવારે અગરબત્તી કરી ભગવાનને પગે લાગુ તો હજાર રૂપિયા દેખાય. સાહેબ, ખબર નહીં પણ હું મારી જાતને કોઈ મોટો ગુનેગાર સમજવા લાગ્યો. આજ સવારે ગુરુવાણી સાંભળતો હતો.

"મન લોભી...મન લાલચુ...મન ચંચળ ચિતચોર...મનનું કહ્યું ના કર્યે મન છે .. હરાયું ઢોર..." અને આજે સવારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે આ હજાર રૂપિયાની નોટ જેની છે તેને પાછી આપી દેવી. આ માનસિક તણાવ હવે લાંબો નહીં ખેંચાય.

સાહેબ, રોજ બે-ત્રણ કલાક વધારે કામ કરી લઈશ તો હજાર રૂપિયા તો રમતા ઉતારી લઈશ. પણ રોજ અગરબત્તી કરતી વખતે ભગવાન સામે નીચે માથે ઉભા રહેવું નથી ગમતું.

સાહેબ, માફ કરજો...આપને મોડુ જણાવ્યુ, તકલીફમાં હોવાથી. બાકીના રૂપિયા આવતા મહિને વાળી દઈશ.

મારી પાસે બોલવા કોઈ શબ્દ બચ્યા ન હતા. ઈમાનદારી, દેશ પ્રેમ, સતસંગ, વફાદારી, પ્રાર્થના, કર્મોની વાતો કરતા ધતીંગ, અને ઢોંગી માણસો, બાવા સાધુ સંતો, આ ભાઈ પાસે વામણા સાબિત થયા.

મોકો મળે ને લૂંટી લેવાની ભાવનાવાળાઓના ટોળા વચ્ચે આ "મુઠ્ઠી ઉંચેરો માનવ" જોઈ. મારા આંખમા પાણી આવી ગયા. સાથે ગર્વ થયો કે, મારા દેશમાં હજુ આવી ઈમાનદાર વ્યક્તિઓ પડી હશે. 

બેસ ભાઈ...આજે ચા, નાસ્તા વગર ના જવાય. મેં કીધું ભાઈ, તમે અગરબત્તી કરતા જે અનુભવ કરતા હતા તેને શું  કહેવાય?

તે ભાઇ બોલ્યા - પ્રભુનો સાક્ષાત્કાર...

મેં કીધું, નહીં ભાઈ, એ પ્રભુનો સાક્ષાત્કાર નહીં આત્માનો સાક્ષાત્કાર કહેવાય. જેને આત્માનો સાક્ષાત્કાર થાય છે. તે જ પ્રભુના સાક્ષાત્કારને લાયક બને છે. જે આત્માનો આવાજ સાંભળે છે. તે જ પરમાત્માનો અવાજ સાંભળી શકે છે.

આ રૂપિયામાં, ના તો તમે રૂપિયા વાળા બની જાત કે ના તો હું ગરીબ બની જાત. આ રૂપિયા 1000 તમે ભૂલી જાવ કે મારા ખીસ્સામાંથી નીકળ્યા હતા.

મેં તેની નોટમાં લિટી મારી. રૂપિયા 550 તેના હાથ મા મુક્યા. લે ભાઈ...

ખોવાયેલ વ્યક્તિ કે ખોવાએલ વસ્તુ મળે તો તેની કિંમત આંકવી નહીં તે અમૂલ્ય હોય છે. તેને રૂપિયા પાછા દેવા ઘણી કોશિશ કરી પણ મેં કહ્યું ભાઈ તમારી અગરબત્તીની તાકાત સામે આ રૂપિયાની કોઈ કિંમત નથી. તેને જતા જતા મેં ખભે હાથ મૂકી કીધું. ભાઇ ખુશનસીબ વો નહીં, જિનકા નસીબ અચ્છા હૈ, બલ્કી ખુશનસીબ વૉ હે જો અપને નસીબ સે ખુશ હૈ.

એ મુઠ્ઠી ઉચેરા માનવને જતા જોઈ, મેં મારી પત્નીને કીધું કે લોકોના પેટ ભરાઈ ગયેલ હોય છે તો પણ ગરીબની થાળીમાંથી ઝૂંટવી લેતા શરમાતા નથી. ત્યારે આ સાયકલ ઉપર ફરતા એક સામાન્ય માણસની ઈમાનદારીને સલામ કરવાની ઈચ્છા થાય.

No comments:

Post a Comment