થોડાંક વર્ષો પહેલાં અમારી બાજુના ગામનાં બે ખેતરમાંથી અજીબોગરીબ ચોરી થયેલી. વાઢેલા ઘઉં ખળામાં હતા. રાત્રે કોઈ આવ્યું, ઘઉંના નાળવા (પૂળા) થ્રેસરમાં નાખીને ઘઉં ખળામાં જ રહેવા દઈને માત્ર દૂર (પરાળ/ ઘઉંના છોડમાંથી ઘઉં લઈ લીધા પછી વધેલા ઘાસનું ભૂસું) જ લઈ ગયા!
બાજુના ખળામાંથી પણ આ જ રીતે દૂર લઈ ગયા અને ઘઉંના કોથળા ભરીને ખળામાં છોડી દીધા! હા, ખળામાં ચિઠ્ઠી મૂકતા ગયેલા. એ ચિઠ્ઠીના ચોક્કસ શબ્દો યાદ નથી પરંતુ ભાવ કંઈક આવો હતો, 'અમે બે ત્રણ દિવસથી ઘઉંનું દૂર ખરીદવા ફરીએ છીએ. કોઈ વેચવા તૈયાર નથી. અમારા ખેતરોમાં પણ ઘઉં છે, પણ પાકવાની હજી વાર છે. ઘરે ભેંસોને ખાવા દૂર જ નથી. હવે તો ભેંસો માટી ચાટે છે. ભેંસોનું આ દુખ જોવાયું નહીં એટલે તમને કહ્યા વગર તમારા ખળામાંથી એક ટ્રેકટર દૂર લઈ જઈએ છીએ. અમારા ઘઉં પાકશે એટલે પાછું આપી જઈશું!
સૌની નવાઈ વચ્ચે એ લોકો બે ટ્રેકટર દૂર લઈને ધોળે દિવસે ગામમાં આવ્યા. કારણ કે કોનું કોનું દૂર લઈ ગયેલા એ તો ખબર નહોતી.!
જે બે ખેડૂતોનું દૂર ચોરાયેલું એમણે પણ કોઈ ફરિયાદ નહોતી કરી. કારણ કે ચિઠ્ઠીમાં વાંચ્યુ હતુ કે , 'હવે ભેંસો માટી ચાટે છે એ જોયુ જતું નથી'
બે ટ્રેકટર ભરીને દૂર લઈને પરત આપવા આવેલા પેલા ભાઈઓએ પછી તો ગામમાં મહેમાનગતી પણ માણી. !
No comments:
Post a Comment