"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 1 April 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૦૨/૦૪/૨૦૧૯ અને મંગળવાર

બટ્રેન્ડ રસેલ
બટ્રેન્ડ રસેલે એક સુંદર કથા લખી છે: કથાનું નામ અને વિગત નીચે પ્રમાણે છે.

'નાઈટ મેયર ઓફ એ થિયોલોજિઅન'-'એક ધર્મગુરુનું દુ:ખ સ્વપ્ન'

રસેલ એ કોઈ વાર્તાકાર નથી. છતાં ખૂબ મોટી વાર્તા એમણે લખી છે. બાકી તો એ એક વિચારક છે. ઓશોએ વિશ્વભરની આવી અનેક કથા પોતાના પ્રવચનોમાં વણી લીધી છે. 

સાવ સામાન્ય માણસ પણ સમજી શકે અને એનું હૃદય ઝંકૃત થાય એવી ધર્મના જગતમાં 'આ માણસે' ભરચક કોશિશ કરી છે.

રસેલની એ રસપ્રદ કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે : એક ધર્મગુરુ રાત્રે શાંતિથી સૂઈ ગયા. ઊંઘમાં એમણે એક સ્વપ્ન જોયું કે પોતાનું અવસાન થયું છે. મૃત્યુનું સ્વપ્ન જોતાં જ એ અતિશય પ્રસન્ન થયા. કેમકે જીવનમાં ક્યારેય એમણે કોઈ પાપ કરેલું નહીં. ન તો એ જૂઠું બોલ્યા કે ન કોઈ બેઈમાનીનું કામ કરેલું. ક્યારેય કોઈનું દિલ દુભવ્યું હોય એવું પણ એમને યાદ ન હતું. આથી એ ખુબ ખુશ હતાં કેમકે મૃત્યુ પછી નર્ક જવાની તો એમના મનમાં કોઈ દહેશત જ નહતી.

દિવસ રાત એમણે હરિભજન કરેલું. આથી નક્કી જ હતું કે સ્વર્ગ એમને મળવાનું છે. સાથે સાથે નામ સ્મરણ પણ સતત ચાલ્યા જ કરતું. એટલે મનમાં એક ઊંડી અને અતૂટ આશા હતી કે સ્વર્ગના દ્વાર પર સ્વયં પરમાત્મા એમના સ્વાગત માટે ઊભા હશે.

જેવા એ સ્વર્ગના દ્વાર પર પહોંચ્યા તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. દરવાજો એટલો મોટો હતો કે ક્યાંય એનો ઓર છોર દેખાતો ન હતો. ખૂબ જોર લગાવીને એમણે દરવાજો ઠોક્યો પણ એ પછી એમને પોતાને જ ખ્યાલ આવ્યો કે મારા આ નાનકડા હાથની ચોટથી તો આ દરવાજો કંપતો પણ નથી તો અંદર સુધી અવાજ ક્યાંથી પહોંચે? થોડીવાર મન એમનું ઉદાસ થઈ ગયું. આસ્થા પર ક્ષણભર માટે પાણી ફરી ગયું કેમકે એમને તો આશા હતી કે દરવાજા પર બેંડવાજા સાથે એમનું સ્વાગત કરીને અંદર લઈ જવામાં આવશે. પણ અહીં તો કોઈ જ ન હતું.

ક્ષણ ક્ષણ એમના માટે વર્ષો જેવી વીતવા લાગી. ખૂબ ધમપછાડા કર્યા. દરવાજા પર હાથ પછાડી પછાડીને લોહીના ટશિયા ફૂટી ગયા. ચીસો ય પાડી, છાતી પીટીને છેવટે રડી પડયા. ત્યારે એ વિરાટ દરવાજાની એક બારી ખૂલી. બારીમાંથી એક ચહેરો બહાર આવ્યો. હજાર આંખો હતી એની અને એ એક એક આંખ સ્વયં સૂર્ય જેવી હતી.

ગભરાઈને ધર્મગુરુ નીચે ઢળી પડયા અને ચીસો પાડવા લાગ્યા કે હે પરમેશ્વર! હે પરવરદિગાર, હું તમારા પ્રકાશને સહી શકતો નથી. થોડા આપ પાછળ હટી જાવ... તો સામેથી જવાબ આવ્યો કે ક્ષમા કરો, આપની ભૂલ થાય છે. હું તો અહીંનો પહેરેગીર છું. હું કોઈ પરમાત્મા નથી. એમના તો હજુ મને પણ દર્શન નથી થયા. હું તો અહીંનો માત્ર દરવાન છું. એમના સુધી પહોંચવાની તો હજુ મારી કોઈ હેસિયત પણ નથી.'

ધર્મગુરુને તો પસીનો છૂટવા લાગ્યો. લમણા પર હાથ દઈને એ તો નીચે જ બેસી ગયા. મનોમન એમને થયું કે મેં પૃથ્વી પર કેટકેટલા એમના મંદિર બંધાવ્યા. કેટલીબધી એમની કથા કરી. ચોમેર એમના નામની ધજા ફરકાવી અને તોય છેલ્લે મારી આ દશા?!'

હિંમત એકઠી કરીને એમણે પહેરેગીરને કહ્યું કે તો પણ આપ પરમેશ્વર સુધી એટલો સંદેશો પહોંચાડો કે હું પૃથ્વી પરથી આવું છું. ફલાણા-ફલાણા ધર્મને ચુસ્ત રીતે માનનારો અને ફલાણા ધર્મનો સૌથી મોટો ધર્મગુરુ છું. લાખો લોકો મારી પૂજા કરે છે. અને લાખો લોકો મારા ચરણમાં આળોટીને ધન્યતાનો અનુભવ કરે છે. એમને કહેજો કે હું આવી ગયો છું અને મારું 'આ' નામ છે!

દ્વારપાળે કહ્યું કે માફ કરજો. આપના નામનો તો આ રીતે ખ્યાલ આપવો મુશ્કેલ બની જશે. આપના સંપ્રદાયનો પણ સંદર્ભ આપવો શક્ય નથી. માત્ર આપ એટલું જ કહો કે આ વિરાટ બ્રહ્માડમાંથી આપ કઈ પૃથ્વી પરથી આવ્યા છો?

ધર્મગુરુ છંછેડાઈ ગયા... 'કઈ પૃથ્વી પરથી? આ તો તમે કેવી વાત કરો છો? પૃથ્વી તો બસ એક જ છે. અમારી પૃથ્વી!'

દ્વારપાળે કહ્યું 'આપનું અજ્ઞાન અપાર છે. અનંત પૃથ્વીઓ છે આ વિરાટ વિશ્વમાં. પ્લીઝ! લાંબી વાતો છોડી તમારી પૃથ્વીનો ઈન્ડેક્સ નંબર બોલો. તમારી પૃથ્વીનો અનુક્રમાંક શો છે?'

ધર્મગુરુ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કોઈ શાસ્ત્રમાં પૃથ્વીનો ઈન્ડેક્સ નંબર તો આપેલો નથી. ધર્મગુરુને હતપ્રભ થયેલા જોઈને દ્વારપાળને દયા આવી. આથી એમણે કહ્યું - 'કંઈ નહીં, પૃથ્વીનો અનુક્રમાંક યાદ ન હોય તો બસ એટલું જ બોલો કે તમે કયા સૌર પરિવારમાંથી આવ્યા છો, બસ તમારા સૂર્યનું નામ આપી દો. અથવા તો એનો ઈન્ડેક્સ નંબર બોલો. કેમકે આવી કોઈ સ્પષ્ટ કડી વગર માત્ર નામ પરથી શોધખોળ કરવી તો મુશ્કેલ બને.'

ધર્મગુરુ તો ગભરાઈ ગયા. હવે કરવું શું?! એમને તો આશા જ હતી કે પરમાત્માને મારા વિશે બધો ખ્યાલ હશે. આટઆટલા મારા અનુયાયી છે. વિશ્વભરમાં સતત મારું નામ ગુંજતું રહે છે.

લોકો મારા ચરણસ્પર્શ માટે લાઈનમાં ઉભા રહીને તડપે છે. એટલે મારા મંદિરને કે મારી ધર્મ સંસ્થાને સ્વર્ગની યાદીમાં અંડરલાઈન કરીને કોઈ અગ્રતા આપવામાં આવી હશે પણ આવું તો અહીં કશું જ નથી. જે સૂર્યમંડળમાંથી હું આવું છું એનો પણ આ લોકો ઈન્ડેક્સ નંબર માગે છે. અને હું એને નંબર આપું તો પણ અનંત અનંત લોકોની યાદીમાંથી મારું નામ શોધતા વર્ષો લાગી જશે આવું આ પહેરેગીર કહે છે તો હવે કરવું શું?!

ગભરામણમાં અને ગભરામણમાં જ એમની ઊંઘ ઉડી ગઈ અને જોયું તો પોતાના ધર્મ સામ્રાજ્ય વચ્ચે બનાવેલા પોતાના જ મહાલયમાં ભીની ભીની પથારીમાં તરફડતા પોતે પડયા છે!! પણ એક વાતની એમને રાહત થઈ કે પોતે જોયેલું આ તો એક દુસ્વપ્ન હતું!!

ઓશો આ કથાના સંદર્ભમાં કહે છે : માણસ પોતાની નાસમજીના કારણે જ આ વિરાટ અસ્તિત્વમાં પોતાને કેન્દ્ર માનીને જીવે છે. બાકી એ કંઈ પણ કરે, આખી પૃથ્વી પર પોતાના નામની ધજા ફરકાવીને જીવે તો પણ આ અનંત અસ્તિત્વમાં એની કોઈ વિસાત નથી કેમકે વૈજ્ઞાનિકોએ એમના ટાંચા સાધનો દ્વારા જે ભાળ મેળવી છે તે પ્રમાણે બ્રહ્માંડમાં કુલ ત્રણ અબજ સૂર્ય છે.

આ તમામ સૂર્યની પોતાની સૂર્યમાળા છે. આમાંથી કેટલાક સૂર્ય તો એવા છે જેના કિરણો પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે પહેલાથી પ્રતિ સેકંડે એક લાખ છ્યાસી હજાર માઈલની ગતિથી સફર કરે છે અને પૃથ્વીનો અંત આવશે ત્યાર પછી જ અહીથી પસાર થશે અને ત્યારે એને ખ્યાલ પણ નહીં હોય કે પૃથ્વી નામની કોઈ ચીજ અહીં એમના માર્ગ વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી!

રોજ સવારે આપણે જે સૂર્યના દર્શન કરીએ છીએ તે પૃથ્વી કરતાં આઠ હજાર ગણો મોટો છે અને આપણો આ સૂર્ય તો સાવ સામાન્ય છે. એનાથી મોટા મહાસૂર્યનો પણ બ્રહ્માંડમાં પાર નથી. રાત્રે આકાશમાં જે ગણ્યા ગણાય નહીં એટલા ચમકતા તારા દેખાય છે તે બધા જ સૂર્ય છે. એ અસંખ્ય સૂર્યની આસપાસ આપણા જેવી અનેક પૃથ્વી પણ હશે જ. કેમકે આખા બ્રહ્માંડમાં આ એક જ પૃથ્વી હોય એવું માની લેવું તે નાસમજી છે, તો પછી પોતાના નાનકડા અહંકારનો ઢોલ પીટીને જીવવાનો અર્થ શો?!

ઓશો કહે છે આ અસ્તિત્વથી અલગ પડીને પોતાના અહંકારની ઘોષણા કરવી એ કરતાં એમાં નિશેષ રીતે ભળી જઈને બ્રહ્મમય બની જવું એમાં જ બુદ્ધિમત્તા અને એમાં જ પોતાની સમજદારીનો પરિચય છે.
ક્રાન્તિ બીજ
ઝરનોમેં મધુર સંગીત ના સુનાઈ દેતા,
અગર રાહોમેં ઉનકે પથ્થર ના હોતા!
                           *અસ્તુ...*

No comments:

Post a Comment