"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 17 December 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૧૮/૧૨/૨૦૧૯ અને બુધવાર


પોતીકું 

“હેં દાદા...! તમને કોઈ કનુદાદાને બદલે ‘બોખલાંદાદા’ કહીને બોલાવે તો..? તમને ગમે ?”
રમુજી લાગતો સવાલ અંદરથી ચીસ નીકળતી વેદનાથી પૂછાયો હતો. પાંચમાં ધોરણમાં ભણતાં ધવલે ઘણાં દિવસોની મનોવ્યથા પછી આવો સવાલ તેનાં દાદાને એકાંતમાં પૂછ્યો...

કાનુદાદા એ હિંચકો બંધ રાખીને પૌત્ર ધવલની વાતને સમજવા પ્રયાસ કર્યો. દાદાએ જોયું તો... ધવલની આંખોના ખૂણામાં થોડાં દિવસોથી દર્દ ભાડે રહેવાં આવી ગયું હતું. 

ધવલના પોચા ગાલ પર હાથ ફેરવીને દાદા બોલ્યા: “ના, મને તો ન ગમે..! સહેજ પણ ન ગમે. પણ હા કોઈ મજાકમાં મને કહે તો ગમે હો..!” 

“પ...અ...ણ..  દાદા આપણને ખબર કેમ પડે કે કોઈ આપણી મજાક કરે છે ??” ધવલની આંખમાં સળવળ થતું દર્દ પગવાળીને બેસતું નહોતું.. એટલે ધવલે દાદાને ફરી ઇંગોરિયો સવાલ પૂછ્યો.

દાદાના સફેદ થયેલાં વાળ માત્ર તડકામાં રહેવાથી નહોતા થયા. સઘળી જિંદગાનીમાં વેદના-સંવેદનાના કેટલાય ઘૂંટડા પીધા હતાં. આજે એ જ અનુભવને કામે લગાડવાનું હતું. એટલે દાદાએ ખૂબ ધીરજથી ધવલના માથે હાથ પસવાર્યો.. પછી પૂછ્યું: “બોલો બેટા, કોણ તમને ખીજવે છે ? તમારાં આ બોખલાંદાદા પાસે તમામ સમસ્યાઓના ઉકેલ છે..!” દાદાનો સ્પર્શ..ધવલ માટે જાણે કુમળી લાગણીઓ માટે પરિપક્વતાની કવચ મળ્યું...

“દાદા... અમારા એક સાહેબ છે... ‘ઈ અમને બહુ સારું ભણાવે છે... અમને બધાને ગમે પણ છે... પણ... તે મને મજાકમાં મને કાળુ... કાળુ... કહે છે...?!?! દાદા, સાહેબ મને કાળુ કહે તેનો મને વાંધો નથી.. નિશાળ છૂટ્યા પછી બધાં મિત્રો કાળુ.. કાળુ... કહીને ખીજવે છે...!”

ધવલની વાત સાંભળીને દાદાને આ સવાલ કોઈ અદ્રશ્ય બળ ભીસતું હોય તેમ લાગ્યું. છેવટે દાદાની આંખો પણ ભીની થઇ. દાદા એટલું જ બોલ્યા: “બસ આટલી જ વાત... મુંજાતો નહી દીકરા.. આ બોખલાંદાદા તારી સાથે છે, તેની પાસે તમામ સમસ્યાનો ઉકેલ છે..”

બીજા દિવસે ધવલના દાદા પાંચ-સાત મિનિટ સ્ટાફ રૂમમાં રોકાયા.. વિનંતીભર્યા સ્વરે વ્હાલપની વાતો ગુરુજનોને સુણાવી.. 

એ દિવસે પ્રાર્થનાસભામાં એક શિક્ષક ઉભા થયા.. દરેક બાળકો સામે નજર મેળવીને બોલ્યા: “મારા વ્હાલાં બાળકો...! અમે જયારે ભણતાં હતાં ત્યારે એક વાત શીખવવામાં આવી હતી. દરેક બાળકોને તેનું એક નામ હોય છે. એ નામ પોતીકું હોય છે, એને પ્રિય હોય છે. બાળકોની ખામીઓ શોધીને બનાવેલું નામ તેને ગમતું નથી. ખરેખર ! આપણે બાળકોને તેનાં નામથી બોલાવવા જોઈએ. પરંતુ.. થોડાં દિવસથી હું આ વાત ભૂલી ગયેલો. મારાથી એક ભૂલ થઇ છે. એ વાત ધવલના દાદાએ મને યાદ કરાવી. ધવલ બેટા ! અહી આવ.. ધવલને હું ‘કાળું’ કહીને બોલાવતો, જે મારી ભૂલ છે. હવે આપણે બધાં ધવલને ધવલ કહીને જ બોલાવીશું. હું પણ અને તમે બધાં પણ...”

દરેક બાળકોએ સરની વાત પહેલાં હકારમાં માથું ધૂણાવીને અને પછી તાળીઓથી શણગારી.

ધવલને બોખલા દાદા યાદ આવ્યાં... એમના શબ્દો યાદ આવ્યાં...

વિદ્યાદેવી સમક્ષ પ્રસરતી ધૂમ્રસેરમાં આજે એ સાહેબનો એ પસ્તાવો સુગંધ બનીને પ્રસરી રહ્યો હતો..! 
                                                                                                                                             - નરેન્દ્ર જોષી

No comments:

Post a Comment