ખાલી ખુરશી
એક ખુબજ બીમાર અને ઘરડા માણસની દીકરીએ ચર્ચના પાદરીને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા. જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના પિતાને બાઈબલનું થોડુક પઠન સાંભળવા મળે એવી તેની ઈચ્છા હતી.
પાદરી આવ્યા ત્યારે એ બહેન ક્યાંક બહાર આવી હતી. પાદરી અંદરના રૂમમાં એ બીમાર માણસ પાસે પહોચ્યા. ખોળામાં બે ઓશિકા રાખીને એના પર માથું ઢાળીને એ માણસ બેઠો હતો. એનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો. શ્વાસની બીમારીને કારણે લાંબા થઈને સુવું એના માટે શક્ય જ નહિ હોય એવું લાગતું હતું. એના ખાટલાની બાજુમાં એક ખાલી ખુરશી પડી હતી. કદાચ એ માણસની દીકરીએ પોતાના આવવાની એને જાણ કરી દીધી હશે એવું ધારીને પાદરી બોલ્યા,’શું મારી જ રાહ જોતા હતા ?’
‘નહિ તો ! તમે કોણ છે ? પાદરી છો ?’ એ માણસે હાંફતા હાંફતા કહ્યું.
‘હા !’ પોતાની ઓળખાણ આપતા પાદરીએ જવાબ આપ્યું. પછી બાજુની ખાલી ખુરશી તરફ આંગળી ચીંધતા એ બોલ્યા,’આ તો ખાલી ખુરશી અહી મુકેલી જોય એટલે મને એમ કે મારા આવવાની તમને જાણ થઈ ગઈ હશે !’
‘કઈ ખુરશી ? આ ? અરે આ ખુરશી તો…!’ એ માણસ બોલતા બોલતા અટકી ગયો. થોડી વાર સુધી પાદરી સામે જોયા પછી એણે કહ્યું, ફાધર ! તમે મારા રૂમનો દરવાજો બંધ કરી દેશો ખરા ? માફ કરજો, પણ હું અહીંથી ઉભો જ નથી થઈ શકતો. એટલે તમને આ કામ સોપું છુ.’
ફાધરને નવાઈ લાગી. રૂમનું બારણું બંધ કરીને એ પેલી ખુરશીમાં બેસવા ગયા. પેલા માણસે તરત જ એમને બેસવાની ના પાડી દીધી અને પોતાની બાજુમાં ખાટલા પર બેસાડ્યા. પછી ધીમેથી બોલ્યા, ફાધર ! મારે તમને એક વાત કહેવી છે. આજ સુધી મેં કોઈને એની જાણ કરી નથી. મૂળ હકીકત એ છે કે ચારેક વરસ પહેલા મને દમની આ બીમારી લાગુ પડી. એ વખતે ખાટલાવશ થઈ જવાને કારણે હું ખુબજ હતાશ થઈ ગયો હતો. ખાટલા પરથી ઉઠીને બે ડગલા ચાલી પણ ન શકાઈ એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ હતી. રાતદિવસ મને મરવાના જ વિચારો આવતા હતા. એ સમયે મને મારા એક મિત્રએ કહ્યું હતું કે ભગવાન સાથે વાતો કરવાથી હતાશા જતી રહેશે !’
‘ભગવાન સાથે ?’ પાદરીથી વચ્ચે આ પુછાય ગયું.
‘હા, ભગવાન સાથે ! મારા મિત્રે કહેલું કે આપણી સાથે એક ખાલી ખુરશી રાખવાની અને પછી ભગવાન ત્યાં બેઠા છે એમ ધારીને એની સાથે વાત કરવાની ! મારી દીકરી મને ગાંડો માની ન બેસે એટલે એ ઘરમાં ન હોય ત્યારે કલાકો સુધી હું એ ખુરશી સાથે કલાકો વાતો કરતો રહું છુ. અને ફાધર ! તમે કદાચ નહિ માનો.’ એકાદ ક્ષણ અટકી એ માણસે ખાલી ખુરશી સામે જોયું. તેની આંખ ભરાય આવી. થોડીવાર એમ જ ચુપ રહ્યા પછી એણે કહ્યું, ‘ તમે કદાચ નહિ માનો ફાધર, પણ છેલ્લા કેટલાક દિવસથી હું ખાલી ખુરશી સાથે વાત નથી કરતો.’
‘તો ?’ પાદરીએ પૂછ્યું.
‘ભગવાન સાથે વાત કરું છુ’ ગળગળા અવાજે એ બોલ્યો, ‘ખુદ ભગવાન ત્યાં આવીને બેસે છે, મારી વાતો સંભાળે છે અને મારી સાથે વાતો પણ કરે છે. આ તો તમે આવ્યા છો એટલે એ બોલતા નથી, ચૂપચાપ બેઠા છે !’
પાદરીએ ખુરશી સામે જોયું. એમને તો ત્યાં ખાલી ખુરશી સિવાય બીજું કાઈ દેખાયું નહિ, પરંતુ પેલા માણસની અદભૂત શ્રધ્ધા એમને હચમચાવી ગઈ. ભગવાનની આટલા નજીક પહોચી ગયેલા માણસને પોતે હવે શું વધારે ધાર્મિક જ્ઞાન આપી શકશે ? એવો વિચાર પણ એમને આવી ગયો. છતા પોતાની ફરજના ભાગરૂપે બાઈબલમાંથી પઠન કરી એ પાછા ફર્યા.
બે દિવસ પછી સાંજની પ્રાર્થના વખતે પાદરી પર પેલા માણસની દીકરીનો ફોન આવ્યો. એણે સમાચાર આપ્યા કે એના પિતા એ સાંજે મૃત્યુ પામ્યા હતા.
‘ભગવાનની ઈચ્છા !’ પાદરી બોલ્યા, ‘હું આશા રાખું છુ કે એ શાંતિનુ મૃત્યુ હશે.’
‘હા ફાધર ! મારા પિતાજીએ આજે બપોરે બે વાગ્યે મને બોલાવીને ખુબ વ્હાલથી વાતો કરી. મારી ક્ષમા માંગી. પછી ચારેક વાગે હું બાજુના સ્ટોરમાં થોડી વસ્તુ ખરીદવા ગઈ હતી. પાછી આવી ત્યારે એ મૃત્યુ પામ્યા હતા, પરંતુ ફાધર, મેં એક ખુબજ વિચિત્ર વસ્તુ જોઈ ! એ બહેને નવાઈના ભાવ સાથે કહ્યું.
‘શું ?’ ફાધરે પૂછ્યું.
‘આટલા વરસથી ખાટલા પરથી નીચે ડગલું ન મૂકી શકતા મારા પિતાજી, ગુજરી ગયા ત્યારે નીચે જમીન પર બેઠા હતા અને એમનું માથું એમના ખાટલાની બાજુમાં પડેલી ખાલી ખુરશી પર હતું !’
પાદરી અવાચક બની ગયા. એમની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ફોન મૂકી એ એટલું જ બોલી શક્યા, ‘હું ઇચ્છું છુ બહેન ! કે મારું મોત પણ આવું જ થાય !’
- ડો. આઈ.કે.વીજળીવાળા
No comments:
Post a Comment