"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 21 March 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૨૨/૦૩/૨૦૧૯ અને શુક્રવાર

એક પતિ-પત્નીની વાત છે. પતિ રોજ રાતે થાકી હારીને ઘરે આવે. ઘરમાં આવે ત્યારે એકદમ ફ્રેશ થઈ જાય. પત્નીને હગ કરીને મળે. બાળકોને વહાલ કરે. 

પત્નીને બહારથી ખબર પડી કે પતિને ઓફિસમાં હમણાં ટેન્શન ચાલે છે. બોસ રોજ તાડૂકે છે. ક્લીગ્સ રમત રમ્યા કરે છે.
  
એક દિવસ પત્નીએ કહ્યું કે, તું ઓકે છે ને? પતિએ કહ્યું, હા, બિલકુલ ઓકે છું. પત્નીએ કહ્યું, તને ઓફિસમાં પ્રેશર ચાલે છે. પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું, હા થોડુંક ચાલે છે. ચાલે, એ તો પાર્ટ ઓફ જોબ છે. તો પણ તું ઘરમાં આટલો રિલેક્સ કેમ રહી શકે છે? પતિએ કહ્યું, ઓફિસમાં જે પ્રેશર,ખટપટ, કાવાદાવા અને તનાવ ચાલે છે એ પાર્ટ ઓફ જોબ છે અને અહીં ઘરમાં જે છે ને એ પાર્ટ ઓફ લાઇફ છે!

ઘરની ડોરબેલ વગાડું છું ને એ સાથે હું ઓફિસનો દરવાજો ધડામ દઈને બંધ કરી દઉં છું અને તું ઘરનો દરવાજો ઉઘાડે એમાં પ્રવેશી જાઉં છું. આ ઘર અને તારો પ્રેમ તો મને બીજા દિવસે ટટ્ટાર ચાલવાની હિંમત આપે છે. એને હું શા માટે નબળું પડવા દઉં?

દરેક વ્યક્તિ બે જિંદગી જીવતી હોય છે. એક અંદરની અને બીજી બહારની. બંને મહત્ત્વની જિંદગી છે,પણ જો બેલેન્સ જાળવતા ન આવડે તો બંને અસ્તવ્યસ્ત અને ધ્વસ્ત થઈ જાય છે. 

બ્રેકઅપ કે ડિવોર્સનું કારણ માત્ર પ્રેમનો અભાવ નથી હોતો, મોટાભાગે તો સમજદારીનો અભાવ હોય છે! ક્યારે કોને કેટલો સમય આપવો એની સમજ ન પડે તો સમય ખરાબ થઈ જાય છે. સમય ઓછો હોય તો ચાલે, પણ એ સમય સ્વચ્છ, સ્વસ્થ અને સંવેદનાથી છલોછલ હોવો જોઈએ...

No comments:

Post a Comment