"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 20 February 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૦/૦૨/૨૦૧૮ અને મંગળવાર


શિક્ષા
મારું બાળપણ અનેક હાડમારીઓથી ભરેલું રહ્યું છે. કાળ, કરમ તેમ જ કઠણાઈઓએ મારી કસોટીઓ લેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પરંતુ જેમ રણમાં ક્યારેક શીળી છાંયડી મળી આવે કે મીઠાં પાણીનો વીરડો જડી આવે અને જેવી શીતળતા થાય એવી શીતળતા આપતું મારા માટે પણ એક સ્થળ હતું. એ હતું : ગુરુકુળ હાઈસ્કૂલ, સોનગઢ ! મારી શાળા મારી વહાલી નિશાળ.
આ નિશાળમાં મેં પાંચથી બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. એના કરતા એમ કહું કે આ નિશાળે મને ઘડ્યો હતો. મારામાં આત્મવિશ્વાસ પૂરવાનું કામ ગુરુકુળ હાઈસ્કૂલે કર્યું હતું. નિશાળમાં પ્રથમ નંબરે આવવા માટે અમીર ઘરમાં પેદા થવાની જરૂર હોતી નથી પરંતુ ફક્ત કાબેલિયત સાબિત કરવાની જરૂર હોય છે તેમ જ ક્યાં જન્મયા છો એ મહત્વનું નથી પણ શું કરી શકો છો એ મહત્વનું છે એની પ્રતીતિ મને આ શાળાએ કરાવી હતી.
એ વખતના એ ઋષિસમાન ગુરુજનો, એ ભવ્ય બિલ્ડિંગ, અદ્‍ભુત વાતાવરણ, શાંત જગ્યા, ચારે તરફ ફેલાયેલ વિશાળ મેદાન, ઘડિયાળના કાંટે ચાલતું શિક્ષણકાર્ય અને અજોડ શિસ્ત ! આજે પણ આ બધું મારા મનમાં જેમનું તેમ જ જડાયેલું છે. અમારા સમયના શિક્ષકોમાં સૌથી મહાન શિક્ષક અને મુઠ્ઠી ઊંચેરા માનવી આચાર્ય સ્વ. શ્રી ભોથાભાઈ ગુરુજીના વિચારોની અસર આજે પણ, મારા સમગ્ર જીવનમાં હું અનુભવી શકું છું. બસ, આ બધાની યાદ મારા મનમાં આજે પણ એવા સ્પંદનો પેદા કરી દે છે છે કે હું ફરી એકવાર એ જ વાતવરણનો વિદ્યાર્થી બની જવા તરસી ઊઠું છું.
આ વાત ૧૯૭૫ના વરસની છે. એ વખતે હું નવમા ધોરણમાં ભણતો હતો.
એ દિવસે રવિવાર હતો. શનિવાર સાંજ તેમ જ રવિવાર સવાર મેં રખડવામાં ગાળી હતી. લેસન બધું બાકી હતું. હવે સાંજના થોડાક કલાકોમાં જ બધું લેસન પૂરું કરવાનું હતું. હું લેસન કરવા બેઠો. હિન્દી સિવાયના બાકીના વિષયોનું લેસન લગભગ પાંચ વાગ્યા સુધીમાં પૂરું થઈ ગયું. ફક્ત હિન્દીનું લેસન કરવાનું બાકી હતું. બરાબર એ જ વખતે મારો મિત્ર આવ્યો.
‘વીજળીવાળા ! ચાલ ક્રિકેટ રમવા આવવું છે ?’ એણે મારી સામે લાલચની લોલીપોપ ફેંકી.
‘ના યાર ! હિન્દીનું લેસન કરવાનું બાકી છે.’ મેં એને અડધી ઈચ્છા સાથે ના પાડી.
‘તમારું હિન્દી તો ગઢવી ગુરુજી લે છે ને ?’ મારા મિત્રે પૂછ્યું.
‘હા.’
‘અરે યાર ! ગઢવી ગુરુજી તો ભાગ્યે જ લેસન ચેક કરે છે. તું ખાલી ખોટી ચિંતા કરે છે. મૂક પડતું ! ચાલ રમીએ ! ચાલ, બંધ કર નોટબૂક. સાચું કહું છું જલસા પડી જાશે !’ મારો મિત્ર મારા મોં પર છવાઈ ગયેલી ક્રિકેટ રમવાની ઈચ્છાને બરાબર વાંચી ગયો હતો.
‘ખરેખર ગઢવી ગુરુજી લેસન નથી તપાસતા ? પણ… મારો તો અનુભવ છે કે એ હંમેશા ચેક કરે જ છે. તું એવું કેમ કહે છે ?’ મેં મારી અવઢવ રજૂ કરી. જોકે મારું મન તો કહેતું જ હતું કે ગઢવી ગુરુજી એટલા નિયમિત શિક્ષક હતા કે એવું બને જ નહીં કે એ લેસન આપ્યા પછી ન તપાસે. મને પોતાનેય યાદ નહોતું કે એમણે ક્યારેય લેસન ન તપાસ્યું હોય. તો પણ હું મારા દોસ્તની વાતથી લલચાવા તો માંડ્યો જ હતો.
‘અરે હા ! પરમ દિવસે શુક્રવારે અમારા ક્લાસમાં જ એમણે લેસન નહોતું તપાસ્યું, બોલ ! એયને આખો પિરિયડ વાર્તા કહી હતી. અમને બધાને મજા પડી ગઈ હતી. એટલે જ કહું છું કે તું ખોટો બીવે છે. છતાં એવું હોય તો રાતે લેસન કરી નાખજે. પણ અત્યારે તો એક મેચ રમી જ લઈએ ! ચાલ હવે !’ એ મારો પીછો છોડવા રાજી નહોતો, પરંતુ હું ધીમે ધીમે રમવા જવા માટે રાજી થવા માંડ્યો હતો. મને ખબર હતી કે એ ગપ્પા મારે છે, તો પણ હું હવે પીગળી રહ્યો હતો. જોકે મારું મન તો મને રમવા જવાને સતત ના જ પાડતું હતું. એ કારણથી જ હું એને ના પાડી રહ્યો હતો. થોડો વખત આવી રકઝકમાં જ પસાર થયો.
પરંતુ કહે છે ને કે ધાર્યું તો ધણીનું જ થાય ! બરાબર એ જ મુજબ હું જે વાતથી બીતો હતો એ બનીને જ રહી ! રમવાની લાલચનું જોર મને લેસન પડતું મૂકાવીને ગ્રાઉન્ડમાં લઈ જ ગયું. થોડી જ વારમાં બધું ભૂલીને હું બેટ અને દડામાં ખોવાઈ ગયો. એ રાતે પણ હિન્દીનું લેસન બાકી છે એવું યાદ ન આવ્યું. એવું જ સવારે પણ બન્યું. સવારે મને એકાદ કલાકનો સમય મળેલો, પરંતુ એ વખતેય યાદ ન આવ્યું. છેક નિશાળે જતી વેળાએ દફતર (સ્કૂલબેગ) ભરતો હતો ત્યારે હિન્દીની ચોપડી અને નોટ ગોઠવતી વખતે મને યાદ આવ્યું કે લેસન તો બાકી જ રહી ગયું હતું ! હવે ? ધ્રાસ્કો તો જોરદાર પડ્યો પણ ત્યારે તો ખૂબ મોડું થઈ ગયું હતું. હવે કાંઈ થઈ શકે તેમ નહોતું. નિશાળે એમ જ ગયા સિવાય છૂટકો જ નહોતો.
ગઢવી ગુરુજીનો પિરિયડ (તાસ) બે વાગ્યે પડતી મોટી રિસેસ પછી હતો. રિસેસમાં આગલા દિવસે મને લલચાવનાર પેલો મિત્ર મળી ગયો. મેં એની પાસે મારી ચિંતા ફરી વ્યકત કરી. મારા મિત્રે મને ફરી એક વાર હિંમત આપી. છતાં મારી ચિંતા ઓછી નહોતી થતી.
મોટી રિસેસ પૂરી થઈ. ગઢવી ગુરુજીનો તાસ શરૂ થયો. ગઢવી ગુરુજી ખુબ હસમુખા શિક્ષક હતા. આવતાવેંત એમણે પૂછ્યું કે, ‘બાળકો ! શનિ-રવિની રજામાં બધાએ મજા કરી?’
અમે બધાએ હા પાડી, ‘હા… આ… આ… !’
‘બહુ સરસ ! ચાલો ! તમે બધા ખુશ રહો એ તો મને ગમે ! આમેય રજાઓ તો આપણને અઠવાડિયાના કામમાંથી હળવા કરવા માટે જ હોય છે. એમાં તો મજા કરવી જ જોઈએ.’ ગઢવી ગુરુજી કહ્યું. પછી પૂછ્યું, ‘તો બાળકો ! મજાની જોડાજોડા તમારું લેસનનું કામ પણ કર્યું જ હશે, ખરુંને?’
આ વખતે કોઈ કાંઈ ન બોલ્યું. આખો ક્લાસ ચૂપ થઈ ગયો. મને ફાળ પડી. મને થયું કે કેમ કોઈ ન બોલ્યું ? પૂરા ક્લાસમાંથી કોઈ કરતાં કોઈ લેસન ન કરે એવું તો કાંઈ બને ? પરંતુ ખરેખર એવું જ બન્યું હતું.
‘અરે !’ ગઢવી ગુરુજી બોલ્યા, ‘આ તો નવાઈ કહેવાઈ ! મજા કરવામાં બધાએ હા પાડી, પણ લેસન કરવાનું પૂછ્યું તો કેમ કોઈ ન બોલ્યું ?’
અમે બધા ચૂપ જ રહ્યા. ગઢવી ગુરુજી વિચારમાં પડી ગયા. થોડી વાર એ એમ જ ઊભા રહ્યા. પછી કાંઈક વિચાર્યું અને છેલ્લી બેંચ સુધી ગયા. ત્યાં પહોંચીને છેલ્લી બેંચ પર બેઠેલા વિદ્યાર્થીઓ પાસેથી લેસન માગ્યું. એ બેંચ પર બેઠેલા ત્રણેમાંથી એકેય જણે લેસન નહોતું કર્યું. ગઢવી ગુરુજીને થોડોક ગુસ્સો આવી ગયો હોય એવું લાગ્યું. એમણે એ ત્રણેય વિદ્યાર્થીને બેસવાની પાટલી પર ઊભા થઈ જવા કહ્યું. બીજી બેંચ પર એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. એ ત્રણ વિદ્યાર્થી પણ પાટલી પર ઊભા રહી ગયા.
‘હમ… મ… મ… ! લાગે છે કે આજે મારે બધાનું લેસન ચેક કરવું પડશે. જેણે લેસન નહીં કર્યું હોય એણે બેંચ પર ઊભા થવાનું અને હથેળીમાં ડસ્ટર ખાવાની તૈયારી રાખાવાની. તમે રમો, મજા કરો, અરે ! ખૂબ મોજમસ્તી કરો, એ તમારો અધિકાર છે. પરંતુ સાથોસાથ એ વાત ક્યારેય ન ભૂલો કે તમે ભણો છો. તમારી જવાબદારીને જ ભૂલી જાઓ એવી બેદરકારી જરાય ચલાવી ન લેવાય. તમારામાંના મોટાભાગના છોકરાઓ સામાન્ય કુટુંબમાંથી આવે છે. એમનાં માબાપ સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં તકલીફો વેઠીને પણ એમને ભણાવી રહ્યા છે. માબાપની મહેનત ને તમે આમ વેડફો એ મને જરાય ગમતું નથી. તમારું બાળપણ જરૂર માણો, પરંતુ ઘર પ્રત્યે પણ તમારી કાંઈક ફરજ બને છે એ વાત તમારે ક્યારેય ન ભૂલવી જોઈએ.’
એ પછી તો ક્રમ એમ જ આગળ ચાલ્યો. જે વિદ્યાર્થીની પાસે ગુરુજી પહોંચે અને લેસનની નોટ માંગે એ પહેલા એ પોતાની મેળે જ બેંચ પર ઊભો થઈ જાય ! હવે મને ખાતરી થઈ ગઈ હતી કે આખા ક્લાસમાંથી લગભગ કોઈએ લેસન નહોતું જ કર્યું. ધીમે ધીમે કરતા સૌથી આગળની હરોળ સુધી ગુરુજી આવી ગયા. મારા સમગ્ર અભ્યાસકાળ દરમિયાન હું હંમેશા સૌથી પહેલી પાટલી પર જ બેસતો. એ દિવસે પણ હું પ્રથમ પાટલી પર જ બેઠેલો. ગુરુજીએ લેસન તપાસવાનું છેલ્લી બેંચથી શરૂ કરેલું એટલે અમારી બેંચ સુધી એ છેલ્લે જ પહોંચે તેમ હતું.
ગુરુજીએ મારી બાજુની બેંચવાળા બધાને ઊભા કર્યા. હવે ફક્ત અમારી બેંચ જ બાકી રહી હતી. ગઢવી ગુરુજી મારી પાટલી તરફ વળ્યા એ પહેલા આખા ક્લાસ તરફ જોઈને બોલ્યા, ‘તમને બધાને શરમ આવવી જોઈએ. લગભગ આખા ક્લાસે લેસન નથી કર્યું ! મને લાગે છે કે આજે હાથમાં ડસ્ટર મારવા કરતાં પણ વધારે કડક શિક્ષા કરવી પડશે. આજે તમને બધાને એવો સબક શીખવડવો પડશે કે કોઈ દિવસ ન ભૂલો. એવું લાગે છે કે તમારે બધા લાટસાહેબોને જલસા કરવા છે ! માબાપ બિચારાં છો તૂટી જતાં ! તમને લોકોને તો કાંઈ પડી જ નથી. હું વિચારું છું કે તમને એવી કાંઈક શિક્ષા કરું કે તમે સૌ મને અને મારી કરેલી શિક્ષાને જિંદગીભર યાદ રાખ ! આમેય તમે બધા એ લાગના પણ છો !’
બોલતી વખતે એમનો ચહેરો ગુસ્સાથી તપીને લાલ થઈ ગયો હતો, અવાજમાં રોષ હતો અને એમના હાથ થોડા કાંપતા હતા. અમારા બધાના ચહેરા લેવાઈ ગયા હતા. મનમાં ફફડાટ થઈ રહ્યો હતો. મારી બેંચ પર બેઠેલ ત્રણ જણ સિવાય બાકીનો એકેએક વિદ્યાર્થી બેંચ પર ઊભો હતો ! દરેકને થતું હતું કે આજે આવી બન્યું !
એ પછી અમારા માટે કસોટીની ઘડી આવી પહોંચી. ગઢવી ગુરુજી અમારી બેંચ સામે આવીને ઊભા રહ્યા. હું એમનો પ્રિય વિદ્યાર્થી હતો એવું મને ઘણી વખત લાગ્યું છે. મારી સામે આવતાં જ એમનો ગુસ્સો ઘટી ગયો હોય એવું લાગ્યું. એ મારી સામે જોઈને થોડુંક હસ્યા. બીતાં બીતાં હું પણ હસ્યો. એમણે લેસનવાળી મારી નોટબૂક માંગવા હાથ લાંબો કર્યો. મારા સમગ્ર અંગમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. એવી બીકથી નહીં કે ગઢવી ગુરુજી ખતરનાક શિક્ષા કરશે પરંતુ એટલા માટે કે આવો પ્રસંગ મારી જિંદગીમાં પહેલવહેલો બન્યો હતો. એવી પરિસ્થિતિનો અગાઉ ક્યારેય સામનો કર્યો ન હોવાથી મને ખૂબ ગભરાટ થઈ રહ્યો હતો.
અત્યંત ગભરાતાં અને થૂંકના ઘૂંટડા ગળતા હું બોલ્યો : ‘ગુરુજી ! માફ કરજો ! મેં પણ લેસન નથી કર્યું ! હું કાલે આખો દિવસ ક્રિકેટ રમ્યો છું. એટલે લેસન નથી થઈ શક્યું !’
આટલું તો હું માંડ માંડ બોલી શક્યો. મારા હાથપગ ધ્રૂજતા હતા. મારા સમગ્ર વિદ્યાર્થી જીવનમાં એ પહેલો પ્રસંગ હતો કે મેં લેસન ન કર્યું હોય. એ દિવસે મને સાચેસાચ ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થતું હતું.
મારો જવાબ સાંભળીને ગુરુજી થોડીવાર માટે સ્થિર થઈ ગયા. બે ઘડી મારી સામે જ જોઈ રહ્યા. જાણે એમના માન્યામાં જ ન આવતું હોય અથવા તો એમણે કાંઈક ભળતું જ સાંભળી લીધું હોય એમ એ બોલ્યા, ‘તેં લેસન નથી કર્યું ? તેં ?’ એમના પૂછવા પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે એમને ભયંકર આઘાત લાગ્યો છે.
‘હા ગુરુજી ! મેં પણ લેસન નથી કર્યું !’ હું નીચી મૂંડીએ બોલ્યો.
‘તું તો એકદમ નિયમિત વિદ્યાર્થી છો. તેં પણ લેસન નથી કર્યું ?’ હજુ પણ માન્યામાં ન આવતું હોય એમ ગુરુજીએ ફરીથી પૂછ્યું.
હવે મારામાં બોલવાની કે એમની સામે આંખ મિલાવાની પણ તાકાત નહોતી. મેં ફક્ત નજર નીચી રાખીને માથું હલાવીને ના પાડી.
‘મારી સામે જો !’ ગુરુજી બોલ્યા.
મેં અત્યંત શરમ સાથે એમની સામે જોયું.
થોડી વાર સુધી ગઢવી ગુરુજી જેમ એક લાચાર બાપ પોતાના આડી લાઈને ચડી ગયેલા દીકરા સામે નિઃસહાય થઈને જુએ એમ મારી સામે તાકી રહ્યા. પછી બોલ્યા, ‘તેં લેસન નથી કર્યું એ હું માની જ નથી શકતો. તારા જેવો વિદ્યાર્થી લેસન ન કરે એ તો નવાઈ કહેવાય !’
એ પછી મારી સામે કેટલીક ક્ષણો એમ જ જોતા રહ્યા. એમના ચહેરા પરથી એ કાંઈક ઊંડા વિચારમાં પડી ગયા હોય એવું લાગ્યું. મને થયું કે કદાચ અમને બધાને કઈ શિક્ષા કરવી એ વિચારતા હશે. પરંતુ થોડીવાર એ એમ જ વિચારતા રહ્યા. એ પછી અચાનક જ મને શિક્ષા રૂપે ઊભાં થવાનું કહેવાને બદલે એમણે આખા ક્લાસ તરફ ફરીને કહ્યું, ‘બેસી જાઓ બધા ! તમારા બધાની શિક્ષા કેન્સલ. વીજળીવાળાએ જો લેસન ન કર્યું હોય તો પછી તમને સૌને સજા કરવાનો કોઈ અર્થ જ નથી !’
આખો ક્લાસ નવાઈ પામતો બેસી ગયો. દરેક વિદ્યાર્થીના મોં પર આશ્ચર્ય હતું.
ગઢવી ગુરુજી મારી સામે જોઈને બોલ્યા, ‘દીકરા ! તારા જેવો વિદ્યાર્થી લેસન ન કરે તો પછી મારે આ બધાને તો કાંઈ કહેવાનું રહેતું જ નથી ! અત્યારે હવે મને ગુસ્સો નથી આવતો, બસ ! એ વાતથી દુઃખ થાય છે કે તારા જેવા વિદ્યાર્થીએ પણ લેસન નથી કર્યું !’
એ જ વખતે પિરિયડ પૂરો થવાનો બેલ વાગ્યો. એના પછીનો પિરિયડ ફ્રી હતો. આમ તો એ પિરિયડ અગાઉથી નક્કી થયા મુજબ ગઢવી ગુરુજી જ લેવાના હતા. પરંતુ જે કાંઈ બન્યું એનાથી વ્યથિત થઈને એ આગળ કાંઈ પણ બોલ્યા વિના ક્લાસ છોડીને જતા રહ્યા.
ગુરુજીના ગયા પછી અમારો આખો ક્લાસ ગેલમાં આવી ગયો. બધા ખુશ થઈને મારી પીઠ થાબડતા હતા કે, ‘દોસ્ત ! આજે તેં લેસન નહીં કરીને અમને સૌને શિક્ષામાંથી બચાવી લીધાં !’
પણ જે કાંઈ ઘટના ઘટી એનાથી હું પોતે ખૂબ દુઃખી થઈ ગયો હતો. ગઢવી ગુરુજી જેવા પ્રેમાળ શિક્ષકના વિશ્વાસને તોડ્યાનું દુઃખ મારા મનમાં ચક્રવાતની જેમ ઘૂમરાતું હતું. છાતીમાં ભાર જેવું લાગતું હતું. બાકી બધા આટલા ખુશ હતા એવાં વખતે મારે મારા દુઃખને કઈ રીતે વ્યક્ત કરવું એય મને નહોતું સમજાતું. આખો ક્લાસ એમ માનતો હતો કે આપણે બચી ગયા અને ગુરુજીએ શિક્ષા નથી કરી, પણ હું એકલો જ જાણતો હતો કે ગુરુજીએ મને કેવડી મોટી શિક્ષા કરી હતી તે ! ‘તારા જેવો વિદ્યાર્થી લેસન ન કરે તો પછી મારે આ બધાને તો કાંઈ કહેવાનું રહેતું જ નથી’ એ શબ્દો શારડીની માફક વારંવાર મારા હૃદયની આરપાર નીકળી જતા હતા. કોઈને ખબર જ નહોતી પડી કે બહારથી એવો ને એવો દેખાતો હું ગુરુજીને લાગેલ આઘાતના વિચારથી જ મનોમન કેવો વીંધાઈ રહ્યો હતો. મારી દશા તો ચારણીથી પણ બદતર થઈ ગઈ હતી.
પાંચ વાગ્યે નિશાળનો સમય પૂરો થયા પછી ઘરે પહોંચ્યા પછી પણ ગઢવી ગુરુજીના શબ્દો તથા એમના ચહેરા પરના ભાવ હું ક્ષણ માટેય ભૂલી નહોતો શકતો. એકાદ વાર તો મને થયું કે આના કરતા તો ગુરુજીએ શારીરિક શિક્ષા કરી હોત તો સારું થાત. જો હાથમાં ડસ્ટર વાગું હોત તો દસ જ મિનિટમાં ભુલાઈ જાત, બીજા દિવસે યાદ પણ ન આવત. પરંતુ આ તો હૃદયમાં કોઈક એવી જગ્યાએ ગુરુજીના શબ્દો વાગી ગયા હતા કે જેની પીડા લગરીકેય ઓછી નહોતી થતી. હું રાત્રે જમીને ફાનસના અજવાળે મારું લેસન કરવા બેસી ગયો. પછીના દિવસે જે ભણવાનું હતું એ પણ વાંચી ગયો. કાંઈ બાકી નથી રહી જતું એ પણ જોઈ લીધું. એ પછી સૂવા પડ્યો ત્યારેય આદરણીય શ્રી ગઢવી ગુરુજીના શબ્દો મારા મનમાં પડઘાતા હતા કે, ‘આજના દિવસે તમને એવી શિક્ષા કરીશ કે તમે સૌ મને અને મારી કરેલી શિક્ષાને જિંદગીભર યાદ રાખશો !’
મને એવું લાગતું હતું કે બીજા કોઈને તો ખબર નહીં, પણ એમણે મને તો કાંઈક એવી જ શિક્ષા કરી હતી. છટપટતા અને પડખાં ફરતાં એ રાતે મને ખૂબ મોડી ઊંઘ આવેલી. એટલું યાદ છે કે જ્યાં સુધી જાગ્યો હતો ત્યાં સુધી ગઢવી ગુરુજીનો ચહેરો જ મારી આંખ સામે તરવરતો હતો.
એ ઉંમરે આટલું બધું મનોમંથન ભાગ્યે જ કોઈ દિવસ કરવું પડ્યું હશે કે કર્યું હશે. વારંવાર મારું મન એ દિવસે બનેલી ઘટનાની આસપાસ ઘૂમરાતું હતું. ઊંઘ આવી ત્યાં સુધી હું અને મારું મન હવે પછી ક્યારેય આવું નહીં જ બને એવો નિશ્ચય કરતા રહ્યા. એમ કરવું જ પડે તેમ હતું, કારણ કે અમારા ક્લાસને જે સજામાંથી મુક્તિ મળી ગઈ હતી, એ એક સામટી મને કરવામાં આવી હતી, અને એની પીડાથી હું તૂટીને ચૂર ચૂર થઈ ગયો હતો. મનોમન કહેતો હતો કે ઈશ્વર આવી સજા ભવિષ્યમાં કોઈને ન કરે !
*
(એ પછી મેં લેસન ન કર્યું હોય એવું ક્યારેય નહોતું બન્યું. હું હંમેશાં તૈયાર જ હોઉં. આગળના ઘણાબધા પાઠના સવાલજવાબ પણ તૈયાર હોય, વાંચી પણ લીધું હોય અને કોઈ પણ ગુરુજી પૂછે તો એમની નોટબૂક અપ ટુ-ડેટ જ હોય ! એ દિવસે ગઢવી ગુરુજીએ મને બરાબર શીખવાડ્યું કે કાંઈ પણ શિક્ષા ન કરીને પણ કેટલી મોટી શિક્ષા કરી શકાય ! મહાન ગુરુજનો જ આપના જીવનની કેડીને યોગ્ય રીતે કંડારી આપતા હશે ને ? એટલે જ કહ્યું હશેને કે : ગુરુર્બ્રહ્મા…
                                                                                                                      - ડો. આઈ.કે.વીજળીવાળા

No comments:

Post a Comment