"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 21 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૧/૦૩/૨૦૧૮ અને બુધવાર

કૂતરાં – મનસુખ સલ્લા
પત્રકારત્વમાં મનીષને આવો થાક ક્યારેય લાગ્યો નહોતો. ધરતીકંપનું પ્રલયકારી રૂપ જોઈને તેનું મગજ બહેરું બની ગયું હતું. થાકીને તે એક ઘર પાસે ઊભો રહી ગયો. ઘર વળી શાનું ? તૂટી પડેલા કાટમાળ વચ્ચે વાદળી રંગના પ્લાસ્ટિકની આડશ કરી હતી. નીચે એક ડોશીમા બેઠાં હતાં. વગર માગ્યે જ ડોશીમાએ ઊભાં થઈને પાણીનો લોટો ભરીને આપ્યો. એકીશ્વાસે મનીષે લોટો ખાલી કર્યો. પાણી પીને તે બેસી રહ્યો. કોઈ પ્રશ્ન સૂઝતો ન હતો. ત્યાં ડોશીમાએ પૂછ્યું : ‘હેં દીકરા, તું અમદાવાદથી આવ્યો ?’
‘હા માજી, પરંતુ અમદાવાદ અને કચ્છ વચ્ચે બહુ ફરક છે.’
‘મેં સાંભળ્યું છે કે તમારા અમદાવાદમાં સરકાર કૂતરાં લાવી હતી ?’
‘હા માજી. એ તાલીમવાળાં કૂતરાં હતાં. દટાયેલો માણસ દેખાતો ન હોય તો એ કૂતરાં એને શોધી કાઢે.’
‘હશે દીકરા. પણ તમારી સરકાર આંયાં કૂતરાં નો લાવે ?’
‘લાવી શકે, પરંતુ અહીં ક્યાં માણસો દટાયેલાં છે ?’
‘માણસો તો નથી દટાયાં, પણ તંબૂ દટાઈ ગ્યા સે.’
‘તંબૂ દટાઈ ગયા છે ? ક્યાં ?’
‘અમને બધાયને કીધું’તું કે બધાયને તંબૂ આપશે. હજી સુધી એકેય તંબૂ અમારા ગામને મળ્યો નથી. તંબૂ તો ઝાઝા બધા આવ્યા’તા. તો વચમાં ક્યાંક દટાઈ ગ્યા હશે ને ? કૂતરાં આવે તો ગોતી કાઢે.’
મનીષની આંખ ફાટી રહી. ‘કૂતરાં…..!’ તે વાક્ય પૂરું ન કરી શક્યો.

1 comment: