‘યુવાનીનાં દિવસોમાં હું એકવખત ટેકરીઓની પેલે પાર રહેતા એક મહાત્માને મળવા માટે ગયો હતો. અમે બંને સદગુણો વિશે વાતો કરી રહ્યાં હતાં. ત્યાં જ એ વખતે એક લૂંટારો ત્યાં આવી પહોંચ્યો. એ ખૂબ થાકેલો લાગતો હતો. તેણે પેલા સંતને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યો કે, `હે સંત, મને આશ્વાસનની જરૂર છે. હું મારા જ પાપનાં બોજથી કચડાઇ રહ્યો છું.’
સંતે કહ્યું, ‘અરે ભાઇ, પાપનાં બોજથી તો હું પણ કચડાઇ રહ્યો છું.’
પેલા લૂંટારાએ કહ્યું, ‘પણ હું ચોર છું, લૂંટારો છું.’
સંતે કહ્યું, ‘ હું પણ ચોર અને લૂંટારો છું.’
પેલા લૂંટારાએ કહ્યું, ‘ને હું ખૂની છું. અનેક લોકોનું રૂદન મારા કાનમાં સંભળાઇ રહ્યું છે.’
સંતે ફરી કહ્યું, ‘હું પણ ખૂની છું. મારા કાનમાં પણ અનેક મનુષ્યોનાં રક્ત રૂદન કરી રહ્યાં છે.’
લૂંટારાએ કહ્યું, ‘મેં અસંખ્ય ગુનાઓ કર્યા છે.’
સંતે તેને પ્રેમપુર્વક કહ્યું, ‘મેં પણ અગણ્ય ગુનાઓ કર્યા છે.’
આ સાંભળીને તે લૂંટારો ઊભો થઇ ગયો. સંત સામે અનિમેષ નયને જોતો રહ્યો. હવે તેનાં નેત્રોમાં એક આભા હતી. તે ત્યાંથી રવાના થયો ત્યારે તે ખુબ જ આનંદિત હતો અને હવે તે છલાંગો મારતો જઇ રહ્યો હતો.
આ બધુ જોઇને મેં સંતને કહ્યું, ‘ તમે જે ગુનાઓ કર્યા જ ન હતાં તેનું તમે તમારી પોતાની ઉપર જ શાં માટે દોષારોપણ કર્યું?’
સંતે કહ્યું, ‘ તારી વાત સાચી છે. હવે તેને મારા પ્રત્યે આસ્થા રહી નહીં હોય. પણ તે મારી પાસે આશ્વાસન લેવા આવ્યો હતો અને તેણે ઘણાં આશ્વાસનો સાથે અહીંથી વિદાય લીધી છે.’
તે વખતે દૂરથી પેલાં લૂંટારાનું ગાન સંભળાઇ રહ્યું હતું. તેનાં ગીતનાં પડઘાથી પર્વતની ખીણ આનંદમયી લાગી રહી હતી.
- ખલિલ જિબ્રાન
No comments:
Post a Comment