"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 19 July 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૦/૦૭/૨૦૧૮ અને શુક્રવાર


ઝિંગ અને છોડનું બીજ

ઘણાં બધાં વરસો પહેલાંની આ વાત છે. પૂર્વ એશિયાના કોઈક દેશમાં એક સમ્રાટ રાજ્ય કરતો હતો. જ્યારે એ ઘરડો થવા આવ્યો ત્યારે એને થયું કે હવે નવો રાજા પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એની ઈચ્છા હતી કે એવો રાજા પસંદ કરવો કે જે સામ્રાજ્યને તો બરાબર સાચવી જ શકે, સાથોસાથ લોકોનું પણ બરાબર ધ્યાન રાખે. એને પોતાના રાજકુમારો કે સગાંવહાલાંમાં કોઈમાં એવાં લક્ષણો ન દેખાયાં, એટલે એણે રાજ્યના બધા જ નવયુવાનોને એક ખાસ દિવસે સભામાં ઉપસ્થિત રહેવા માટે ઢંઢેરો પીટાવ્યો.
એ દિવસ આવી પહોંચ્યો. રાજમહેલના મેદાનમાં આખા રાજ્યના યુવાનોની ખાસ્સી ભીડ એકઠી થઈ હતી. રાજાના ખુદના રાજકુમારો પણ નિરાશ વદને હાજર હતા. સમય થયો એટલે રાજા આવ્યો. ભીડને સંબોધીને એણે કહ્યું, ‘હવે તમારામાંથી જ એક નવો રાજા પસંદ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ એ માટે તમારે સૌએ એક નાનકડી પરીક્ષા પસાર કરવાની છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિને એક બીજ આપવામાં આવશે. એ બીજને તમારે સૌએ ઘરે જઈને કૂંડામાં વાવી દેવાનું છે અને એમાંથી જે છોડ ઊગે તેની આવતા એક વરસ સુધી કાળજી લેવાની છે. એક વરસ પછી આજના જ દિવસે પોતપોતાના છોડનાં કૂંડાં સાથે અહીં હાજર થવાનું છે. છોડની તમે કરેલી દેખભાળ તેમ જ એની તમે લીધેલી કાળજી પરથી હું એ નક્કી કરીશ કે તમારામાંથી કોણ રાજ્યની બરાબર કાળજી રાખી શકશે અને એ બાબતમાં જે વ્યક્તિ મને સૌથી વધારે યોગ્ય લાગશે એ જ તમારો નવો રાજા બનશે !’
એ પછી બધા યુવાનોને એક એક બીજ આપવામાં આવ્યું. એ દિવસે ઝિંગ નામનો એક યુવાન પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચેલો. બધાની જોડાજોડ એને પણ એક બીજ આપવામાં આવ્યું. ઝિંગે ઘરે જઈને પોતાની માને બધી વાત કરી. એની માતાએ એક કૂંડામાં એને માટી ભરી આપી. મા-દીકરાએ એ કૂંડામાં પેલું બીજ વાવી દીધું. એ પછી બંને જણ કૂંડાની બરાબર કાળજી લેવા માંડ્યાં. નિયમિતપણે પાણી પીવડાવી એ લોકો બીજમાંથી કોંટો ફૂટવાની રાહ જોવા માંડ્યા. એક અઠવાડિયું, બે અઠવાડિયાં એમ કરતા કરતા પાંચેક અઠવાડિયાં પસાર થઈ ગયાં. આજુબાજુના અને એ જ ગામના બીજા યુવાનો પોતપોતાના કૂંડામાં ઊછરી રહેલા છોડ અંગે વાતો કરવા માંડ્યા. ઝિંગ વારંવાર પોતાનું કૂંડું જોઈ લેતો, પરંતુ એમાં કંઈ પણ ઊગેલું નહીં જોતાં નિરાશ થઈ જતો. છતાં ધીરજપૂર્વક એ પાણી પીવડાવ્યા કરતો.
એમ ને એમ થોડા મહિના પસાર થઈ ગયા. હવે તો કોનો છોડ કેટલા ફૂટનો થયો, ફલાણા ગામના યુવાનના કૂંડામાં તો બે ફૂટનો છોડ થઈ ગયો. ફલાણાના છોડનાં પાંદડાં ખૂબ જ ઘાટાં લીલાં રંગનાં થયાં છે વગેરે વગેરે વાતો ગામમાં થયા કરતી, પરંતુ ઝિંગના કૂંડામાં વાવેલું બીજ છોડ બનવાનું તો બાજુમાં રહ્યું, એક નાનકડો કોંટો પણ નહોતું કાઢતું ! તો પણ ઝિંગ પૂરતી લગનથી એના કૂંડામાં પાણી સિંચ્યા કરતો.
વરસ પૂરું થયું. રાજાના મહેલમાં બધાને પોતપોતાના છોડ સાથે હાજર થવાનું ફરમાન બહાર પડી ગયું. રાજ્યનો દરેક યુવાન કાળજીપૂર્વક પોતાનાં કૂંડા અને છોડ સાથે મહેલના મેદાનમાં પહોંચી ગયો. પોતાનું ખાલી કૂંડું લઈને જવાની ઝિંગની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ એની માતાએ પરાણે એને ધકેલ્યો. એણે કહ્યું કે, ‘બેટા ! છોડ ન ઊગ્યો તો કાંઈ નહીં, તેં કાળજીપૂર્વક એને વાવ્યો તો છે ને ? આખું વરસ એને ધીરજપૂર્વક પાણી તો પીવડાવ્યું જ છે ને ? તો એ ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયત્ન માટે પણ જવું જ જોઈએ.’ માતાના આગ્રહને વશ થઈને ઝિંગ રાજમહેલના મેદાનમાં પહોંચ્યો. ત્યાંનું દશ્ય જોઈને એ દંગ રહી ગયો. બાકીના બધા યુવાનોના છોડવાઓને કારણે એ મેદાનમાં જાણે નાનકડું જંગલ ઊભું થઈ ગયું હોય તેવું લાગતું હતું. એ જોઈને ઝિંગને મનોમન બીક લાગી, કારણ કે આખા જ મેદાનમાં એનું એકનું કૂંડું જ સાવ ખાલી હતું. ધીમા પગલે એ પાછો હટવા માંડ્યો. મેદાનના છેડે પહોંચીને ત્યાંથી ગુપચુપ ઘરે ભાગી જવાનો એનો વિચાર હતો, પરંતુ એ મેદાનને છેવાડે પહોંચ્યો એ વખતે જ રાજા ત્યાં આવી પહોંચ્યો. એના કારણે ઝિંગ ભાગી ન શક્યો. એને ત્યાં જ અટકી જવું પડ્યું. ધડકતા હૃદયે એ સૌથી છેલ્લે છુપાઈને ઊભો રહી ગયો.
રાજાએ ધ્યાનથી દરેકના છોડને જોવાનું શરૂ કર્યું. રાજા છેલ્લે પહોંચ્યો. ઝિંગની ઈચ્છા નહોતી કે પોતાનું ખાલી કૂંડું રાજાની નજરે પડે. એણે પોતાનું કૂંડું સંતાડવાની કોશિશ કરી, પરંતુ રાજાનું ધ્યાન એના પર પડી ગયું. એણે ઝિંગનું કૂંડું ખાલી જોઈ એણે બરાબર પાણી પીવડાવ્યું હતું કે નહીં એવું પૂછ્યું. ઝિંગે બીતાં બીતાં હા પાડી. રાજાએ પાછા ફરતા સૈનિકોને આદેશ આપ્યો કે ઝિંગને આગળ મંચ પર લાવવામાં આવે. ઝિંગના મોતિયા મરી ગયા. છોડ ઉગાડવાની નિષ્ફળતાની હવે સજા મળશે એવો એને ધ્રાસ્કો પડ્યો, પરંતુ આ તો રાજાનું ફરમાન હતું એટલે પાલન કર્યા વિના પણ છૂટકો નહોતો. ચૂપચાપ, નીચી મૂંડીએ ઝિંગ બધાની આગળ મંચ પર પહોંચ્યો. રાજાએ એનું નામ પૂછ્યું. ઝિંગે પોતાનું નામ બતાવ્યું. એનું ખાલી કૂંડું જોઈને બધા હસતા હતા. રાજાએ બધાને શાંત રહેવા ઈશારો કર્યો. બધા શાંત થયા. એ જ વખતે છડીદારે છડી પોકારી, ‘બધા હોશિયાર ! તમારા નવા રાજા ઝિંગનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ !’
બધાને આંચકો લાગ્યો, અરે ! ખુદ ઝિંગને પણ અત્યંત નવાઈ લાગી. સભામાં ચણભણ થવા લાગી કે, ‘એનું કૂંડું તો સાવ ખાલી છે !’, ‘મારો છોડ તો સાડાચાર ફૂટનો છે, સૌથી ઊંચો !’, ‘મારો છોડ ચાર ફૂટનો છે, પરંતુ એનાં પાંદડાં તો જુઓ, એટલો ઘાટો લીલો રંગ છે કોઈના પાંદડાનો ?’ વગેરે, વગેરે 

રાજા સમજી ગયો. એણે બધાને શાંત રહેવાનો ઈશારો કરી કહ્યું : ‘આજથી બરાબર એક વરસ પહેલાં મેં તમને બધાને એક એક બીજ આપ્યું હતું. તમે સૌ એને વાવી, બરાબર કાળજી લઈ એક વરસ પછી આવજો એવું પણ કહ્યું હતું, પરંતુ રાજ્ય તરફથી આપવામાં આવેલાં એ બધાં જ બીજ શેકેલાં હતાં. શેકેલ બીજ ભલા કઈ રીતે ઊગી શકે ? તમારા બધાનાં કૂંડામાં તો મોટા ચાર ચાર ફૂટના છોડ બની ગયા છે ! ઝિંગ એક જ એવો પ્રામાણિક યુવાન છે જેણે ખાલી કૂંડું અહીં સુધી લાવવાની હિંમત દેખાડી છે. બાકીના તમે સૌએ રાજ્યના આપેલા બીજમાંથી થોડા દિવસમાં છોડ ન ઊગ્યો એટલે એવું જ બીજ ઘરમાંથી લઈને વાવી દીધું છે. ઝિંગ એક જ એવો યુવાન છે જે રાજ્યનું બીજ જેવું હતું એવું જ સાચવીને લાવ્યો છે. એની આ પ્રામાણિકતા અને હિંમત આપણા રાજ્યને ઘણી સમૃદ્ધિ અપાવશે. માટે તમે સૌ હવે ચૂપ થઈ જાઓ અને નમન કરો તમારા નવા સમ્રાટને !’

હાજર રહેલા દરેકને એમ કર્યા વગર હવે છૂટકો પણ નહોતો જ ! બધા એનું અભિવાદન કરતા નમીને ઊભા રહ્યા.
- ડો. આઈ. કે. વીજળીવાળા

No comments:

Post a Comment