"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 16 July 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૭/૦૭/૨૦૧૮ અને મંગળવાર


ચમત્કારની કિંમત
ટેઝી નામની એ છોકરીની ઉંમર હતી ફકત આઠ વરસ. ન્યૂયોર્કના એક પરગણામાં એ, એનો બે વરસનો ભાઈ એન્ડ્રયુ અને એનાં માતા-પિતા એમ ચાર જણ રહેતાં હતાં. ટેઝીને એન્ડ્ર્યુ ખૂબ જ વહાલો હતો. એમાંય જ્યારથી એ બરાબર ચાલતાં શીખી ગયો હતો ત્યારથી તો જાણે ટેઝીની દુનિયા જ બદલી ગઈ હતી. નિશાળેથી આવ્યા પછી છેક સૂવાની ઘડી સુધી એન્ડ્ર્યુ સાથે એની ધિંગામસ્તી ચાલતી જ હોય. નિશાળનું લેસન પણ એની મમ્મી પચાસ વખત માથાં ફોડે ત્યારે માંડ પૂરું થઈ શકતું. આખો દિવસ ભાઈ-બહેનની કિલકારીઓથી એમનું ઘર ગુંજતું રહેતું.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવા સરસ વાતાવરણને જાણે કે ગ્રહણ લાગી ગયું હતું. એન્ડ્ર્યુ માંદો પડી ગયો હતો. મા-બાપની વાત પરથી ટેઝીને એટલું સમજાયું હતું કે એન્ડ્ર્યુના મગજમાં કંઈક ગાંઠ કે એવી કોઈ ગરબડ ઊભી થઈ હતી. પણ એનાથી વિશેષ એ કંઈ પણ જાણતી નહોતી. ઘરના બદલાયેલા વાતાવરણે ટેઝીને પણ એની ઉંમર કરતાં વધારે ગંભીર બનાવી દીધી હતી.
એક બપોરે નિશાળેથી આવ્યા બાદ ટેઝી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાંથી એની મમ્મીના રડવાનો અવાજ આવ્યો. અવાજ ન આવે તેવી રીતે ચૂપચાપ એ બારણાંની પાછળ મમ્મી શું કામ રડે છે તે જાણવા ઊભી હતી.


‘તો ? આપણે એન્ડ્ર્યુને સારો કરવા ઘર વેચી દેવું પડશે ? ખરેખર ?’ એની મમ્મી રડતાં રડતાં બોલી.
‘બીજો કોઈ છૂટકો જ નથી. અને તો પણ એને સાજો કરી શકાય એટલા પૈસા તો નથી જ ઊભા થઈ શકે તેમ.’ એના પપ્પાએ નિસાસો નાખ્યો.

‘તો હવે શું થશે ? આપણો એન્ડ્ર્યુ….’ એની મમ્મીનાં આંસુ અટકતાં જ નહોતાં. એ ત્રુટક ત્રુટક શબ્દોમાં માંડ માંડ બોલતી હતી.

‘બસ, હવે તો એને ફકત ચમત્કાર જ બચાવી શકે.’ એના પપ્પા બોલ્યા પછી માબાપ બંને આંસુ સારતાં બેસી રહ્યાં.

ગમે તે હોય, પરંતુ પેલી ચમત્કારવાળી વાત ટેઝીના મગજમાં બરાબર ફિટ બેસી ગઈ. એણે થોડીક વાર સુધી શું કરવું એનો વિચાર કર્યો પછી પોતાની નાની બચતનો ગલ્લો (પિગીબૅંક) બહાર કાઢ્યો. એમાં એકઠા કરેલ પૈસા એણે પોતાની પથારી પર ઠાલવીને ગણ્યા. બરાબર એક ડૉલર અને તેર સેંટ થયા. (આશરે અડતાળીસ રૂપિયા). બરાબર ગણીને કાળજીપૂર્વક આ રકમ એણે એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી. પછી એક હાથમાં કોથળી પકડી હળવેથી એ પાછળના બારણેથી નીકળી ગઈ.
ટેઝીના ઘરથી થોડેક દૂર એક મેડિકલ સ્ટોર હતો. એ ત્યાં પહોંચીને કાઉન્ટર પાસે ઊભી રહી. કાઉન્ટર પર હાજર ફાર્માસિસ્ટ એક અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં મશગૂલ હતો એટલે એણે ટેઝીના આવવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આમેય ટેઝીનું માથું માંડ કાઉન્ટર સુધી પહોંચતું હતું. ખાસ્સી વાર થવા છતાં દુકાનદારનું ધ્યાન ન ગયું. એટલે ટેઝીએ પોતાના હાથમાં રહેલી સિક્કાઓની કોથળીને કાઉન્ટરના કાચ પર થપથપાવી તથા એક વિચિત્ર અવાજવાળી ઉધરસ પણ ખાધી ! એની આવી હરકત દુકાનદારનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી. થોડીક ચીડ સાથે એણે કહ્યું : ‘અલી છોકરી, શું જોઈએ છે તારે ? શું કામ આવો ખખડાટ કરી રહી છો ? મારો ભાઈ ઘણા વખતે શિકાગોથી આવ્યો છે, એની સાથે મને બે ઘડી નિરાંતે વાત તો કરવા દે !’


‘હું પણ મારા ભાઈની વાત કરવા માગું છું. એ બે વરસનો છે અને ખૂબ જ માંદો છે. મારા પપ્પા કહે છે કે હવે તો એને ચમત્કાર જ બચાવી શકે તેમ છે. એટલે હું ચમત્કાર ખરીદવા આવી છું.’

‘ફરી વખત બોલ તો બેટા, શું કહ્યું તેં ?’ દુકાનદાર પર ટેઝીની વાતની કંઈક અસર થઈ હોય તેવું લાગ્યું.
‘મારા નાના ભાઈનું નામ એન્ડ્ર્યુ છે. એને મગજમાં કંઈક બીમારી થઈ છે. અમે એને સારો કરવા માટે ઘર પણ વેચી દેવાના છીએ. તેમ છતાં મારા પપ્પા કહે છે કે પૈસા ઘટશે અને એને ફકત ચમત્કાર જ બચાવી શકે તેમ છે. જુઓ, મારી પાસે મારી બચતના પૈસા છે, એમાંથી જો આવી શકે તો તમે મને ચમત્કાર વેચાતો આપો ને ! મને મારો ભાઈ એન્ડ્ર્યુ ખૂબ વહાલો છે. જો ચમત્કાર નહીં મળે તો….’ નાનકડી ટેઝીની આંખો ભરાઈ આવી. એના ગળે ડૂમો બાઝી ગયો. એનાથી થોડી વાર આગળ કંઈ પણ બોલી શકાયું નહીં.

દુકાનદાર ટેઝીની વાતથી વ્યથિત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ટેઝી તરફ ઝૂકીને બને એટલી નરમાશથી એણે કહ્યું : ‘મને માફ કરજે બેટા ! પરંતુ આ દુકાનમાં અમે ચમત્કાર નથી રાખતા કે નથી વેચતા. સૉરી બેટા !’

‘જુઓ અંકલ ! મારી પાસે આ કોથળીમાં જે પૈસા છે તે ઓછા લાગતા હોય તો કહી દેજો. હું ઘરેથી મારી મમ્મી પાસેથી વધારે પૈસા લેતી આવીશ. ફક્ત મને એટલું તો કહો કે ચમત્કારની કિંમત કેટલી થાય ?’

અત્યાર સુધી ચૂપચાપ આ બધી વાત સાંભળી રહેલ દુકાનદારના ભાઈએ ટેઝીની નજીક આવી તેના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘દીકરી, ચમત્કારો તો ઘણા પ્રકારના મળે છે. મને ફકત એટલું કહે કે તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે ?’

અત્યંત લાગણીથી એ માણસે પૂછ્યું એટલે ટેઝીની આંખો ફરીથી ભરાઈ આવી. થોડી વાર રહીને એ બોલી, ‘એ તો મને ખબર નથી અંકલ ! પણ એને કોઈક ઑપરેશનની પણ જરૂર છે. એના મગજમાં કંઈક તકલીફ થઈ છે. પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. બસ, મને એનાથી વધારે કંઈ પણ ખબર નથી. પરંતુ મારા પપ્પા કહેતા હતા કે એને ફકત ચમત્કાર જ બચાવી શકશે. એટલે મારી પિગીબૅંકમાં મેં જે પૈસા ભેગા કર્યા હતા, એમાંથી હું ચમત્કાર ખરીદવા આવી છું !’

પેલા અજાણ્યા માણસે બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી એણે ટેઝીને કહ્યું : ‘હમ્….મ્…મ્… ! તો એમ વાત છે ? અચ્છા દીકરી, તું અત્યારે કેટલા પૈસા લાવી છો ?’

‘એક ડૉલર અને તેર સેંટ’ ટેઝીએ જવાબ આપ્યો.
‘એક ડૉલર અને તેર સેંટ ?! શું વાત છે !’ પેલા માણસે જાણે કે એ ખુશીથી ઊછળી પડ્યો હોય તેમ કહ્યું. ‘અરે બેટા ! આ તો એકદમ બરાબર રકમ છે. નાના ભાઈઓ માટેના ચમત્કારની કિંમત એક ડૉલર અને તેર સેંટ જ થાય છે. કેવો યોગાનુયોગ ! હું એ પૈસા તારી પાસેથી લઈને તને એ ચમત્કાર જરૂર આપી શકીશ. પણ એ પહેલાં ચાલ, તું મને તારાં મમ્મી-પપ્પા પાસે લઈ જા !’

પેલા માણસે ટેઝીનો હાથ પકડ્યો. ટેઝી એને પોતાના ઘરે લઈ ગઈ. એ માણસે ટેઝીનાં મા-બાપ સાથે બધી વાતો કરી. બીજા જ અઠવાડિયે એક પણ પૈસાના ખર્ચ વિના એન્ડ્ર્યુનું ઓપરેશન શિકાગોની ખ્યાતનામ હોસ્પિટલમાં થઈ ગયું. એ માટે ટેઝીનાં મમ્મી-પપ્પાને ઘર પણ વેચવું ન પડ્યું. ચમત્કાર વેચનાર એ માણસ હતો ડૉકટર કાલર્ટન આર્મસ્ટ્રોંગ – જાણીતો ન્યુરોસર્જન. ટેઝીની વાતે એને એવી તો અસર કરી હતી કે ખરેખર એણે એક ડૉલર અને તેર સેંટમાં ચમત્કાર કરી દીધો !
બીજા અઠવાડિયે એન્ડ્ર્યુ ઘરે આવી ગયો. સાવ સાજોસારો. એ દિવસે રાતના ભોજન વેળા બધાં બેઠા હતાં ત્યારે પોતાના હાથે જ ચમચી વડે સૂપ પીતાં એન્ડ્ર્યુને જોઈને એની મમ્મીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. એ એટલું જ બોલી શકી, ‘ખરેખર, એન્ડ્ર્યુને ચમત્કારે જ બચાવ્યો છે. નહીંતર ખબર નહીં, એની કેટલી કિંમત ચૂકવવી પડત ?’

‘એક ડૉલર અને તેર સેંટ !’ બાજુમાં બેઠેલી ટેઝી બોલી ઊઠી, ‘નાના ભાઈ માટેના ચમત્કારની કિંમત થાય એક ડૉલર અને તેર સેંટ ! તમને એની ક્યાંથી ખબર હોય ?!’
‘અને પોતાના નાના ભાઈને બચાવવા માટેનો બહેનનો પ્રેમ અને અવિચળ શ્રદ્ધા પણ જોઈએ ને !’ ટેઝીના માથે હાથ ફેરવીને એના પપ્પા બોલ્યા. આવી વાતોના અર્થથી અજાણ ટેઝી અને એન્ડ્ર્યુ પહેલાંની માફક જ એકબીજાં સામે જોઈને ખડખડાટ હસતાં હતાં.
- ડો. આઈ.કે.વીજળીવાળા

No comments:

Post a Comment