"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 7 August 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૭/૦૮/૨૦૧૮ અને મંગળવાર

સોનેરી સોનાલી 
રવિપ્રસાદ કરગર્યા, પણ સોનાલી જેનું નામ. ચહેરા પર હઠ ને ગુસ્સો. એણે પહેલાં ધીરેથી ને પછી જોરથી એની ડાબા હાથની ત્રીજી આંગળી ખેંચવા માંડી. રવિપ્રસાદના મોમાંથી સીસકારા, આંખમાં પાણી. પણ સોનાલી.. જાણે પથ્થર ઉપર પાણી. જો કે અમુક પથ્થર એવાય હોય છે કે જેમાં ફૂલ ખીલતા હોય છે. આ એવો જ એક પાણીદાર પથ્થર હતો. પરંતુ. હવે તો હદ થઇ ગઈ. બળપૂર્વક આંગળીને ઝાટકો મારી સોનાલીએ એને વાળવાનું શરૂ કર્યું ને હવે પછી શું થવાનું છે એ વાતની રવિપ્રસાદને ગંધ આવી જતા જ એ.. પરંતુ એની આજીજી, ધમકી, આંસુ.. બધું વ્યર્થ.
સોનાલીએ પોતાનું ધાર્યું જ કર્યું. એની પકડ ને એનો નિશ્ચય ખૂબ મજબૂત. એણે નક્કી જ કર્યું હતું કે આજે તો ગમે તે થાય પણ..! ક્રૂર બની તેણે એની એ આખી આંગળી લગભગ સાવ બેવડી વાળી દીધી ને ઘર રવિપ્રસાદની ચીસાચીસથી ગાજી ઊઠ્યું. એણે હાથ છોડાવી એ જ હાથે સોનાલીને એક તમાચો લગાવી દીધો. “ઓ નિર્દય, જરાક તો દયા કર મારા પર. ક્યારની મંડી પડી છે તેમાં? મારી નાખવો છે મને? તો લે આ ગળું દબાવી દે. કોઈના બાપનું માનવું નથી ને?” એ રોઈ પડ્યા; નાનાં બાળકની જેમ.
હમણાં આ રોજનું હતું, પણ આજની ચીસ તો કંઇક વધુ પડતી મોટી હતી, જે આ પહેલાં ક્યારેય.. “નક્કી કંઇક અજુગતું..!” બુમરાણ સાંભળી પડોશીઓ દોડી આવ્યા. ગુસપુસ ચાલી. “આપણે વચ્ચે માથુ મારવું ન જોઈએ. ફોડી લેશે બેય અંદરોઅંદર. આ એમનો અંગત મામલો છે. અરે અંગત શેનો? આ સોનાલી થોડી કાંઈ એની સગી..! રવિપ્રસાદ ભેજાંગેપ, પણ એટલે એને આમ એકલા થોડા મૂકાય? જો કે આમ તો ઘેર એકલા રહેતા રવિપ્રસાદને ત્યાં સોનાલીનેય એકલી થોડી..? અરે એ તો વાઘ જેવી છે. પેલાને ફાડી ખાશે. જુલમ કહેવાય જુલમ. આંગળી આપી એટલે પોંચો પકડી લેવાનો એ ક્યાંનો ન્યાય? એમાંય છેલ્લા ત્રણ દિવસથી તો આ રાડારાડે હદ વટાવી દીધી છે, માટે ચાલો.”
પડોશીઓએ અંદર આવીને જોયું તો.. રવિપ્રસાદ સોનાલીના ખોળામાં માથું મૂકી રડી રહ્યા હતા. સોનાલીનો હાથ એના મસ્તક પર ફરી રહ્યો હતો. હવે તે પેલી આંગળી સાથે ગેલ કરતી હતી ને રવિપ્રસાદના ચહેરા પર હાસ્ય..
ડો. ગૌરાંગે નવાઈભેર કહ્યું, “અદભૂત..આ તો ચમત્કાર જ થયો કહેવાય. આટલી ઝડપથી આમ બની જ કેવી રીતે બની શકે! ખૂબ જ સરસ પ્રોગ્રેસ છે. વેલડન મિ.રવિપ્રસાદ. અભિનંદન.”
“ડોકટર, અભિનંદન મને નહી, આ સોનાલીને આપો. એણે જબરી ધમાલ મચાવી ને આ કમાલ કરી. મારો દયામણો ચહેરો જોઈને કે મારી કાકલૂદી સાંભળી એણે પોચટ થઇ મારી ખોટી દયા ખાધી હોત આ શક્ય ન બનત.” રવિપ્રસાદ સોનાલીના ગાલે હળવી ટપલી મારતા ગૌરવભેર બોલી ઊઠ્યા. હવે પોતે એ ત્રીજી આંગળી પોતાની મેળે હલાવી, વાળી રહ્યા હતા. ને એ જોઈ ફીઝીયોથેરાપીસ્ટ ડો. ગૌરાંગે પ્રસન્નતા વ્યક્ત કરી ને સોનાલીને અભિનંદન આપ્યા. સોનાલી હર્ષભેર રવિપ્રસાદને વળગી પડી.
હા… ઉપરની ઘટના બની એ પહેલાંની એક વાત. સોનાલી પરણીને સાસરે આવી પછી એણે થોડા જ સમયમાં ઘરમાં જ નહી, પણ આજુબાજુ રહેતા લોકોના દિલ જીતી લીધા હતા. હા, અમુક પડોશીઓ ખણખોદિયા ને વાંકદેખુ ખરા, પણ એવા લોકોને ગણકારે તો એ સોનાલી શાની? આખાબોલી સોનાલીનો ગુસ્સો એટલે જાણે જ્વાળામુખી. પણ હ્રદય તો જાણે સૂરજમુખીનું ફૂલ. આમ તો બીજા બધા સાથે એ ખપ પુરતો જ સંબંધ રાખતી. કામથી કામ. પણ એની સામે એકલા રહેતા રવિપ્રસાદમાં એ શું જોઈ ગઈ કે ન પૂછો વાત! કોઈ જાતની ઓળખાણ નહીં ને તોય એવો તો સંબંધ રચાયો કે ઘણાને નવાઈ લાગી. પણ શુભ લાગણીની વાત જ પ્યારી હોય છે ને? અમુક સંબંધોની વાત જ ન્યારી હોય છે. આવા સંબંધ પળભરમાં બંધાઈ જાય છે, જાણે કેમ વર્ષોથી જ એકમેકને જાણતા હોય! પછી બેય એકબીજાને મન સગાથી પણ વિશેષ ને આજીવન વહાલા બની રહે છે.
રવિપ્રસાદ ખુલ્લાં દિલના, સ્નેહભરી શુદ્ધ લાગણીના માણસ. પત્નીનું અવસાન થતા તે સાવ એકલા પડી ગયા હતા. હતા એ નિસંતાન, પણ એમને બાળકો બહુ પ્રિય એટલે જ્યાં પણ બાળક દેખાય ત્યાં એની સાથે ગોઠડી માંડે, રમતો રમે. એનાં પર અત્યંત વહાલ વરસાવી સંતાન ન હોવાની ખોટ ને એકલતા એ આમ પૂરી કરતા. ૫૧ વર્ષના એ ૧૫ વર્ષના થઇ જતાં. એ કહેતા, “હું વનમાં પ્રવેશેલો બાળક છું ને આ જ મારું જીવન. આ મારી બાળક તરીકેની બીજી ઇનિંગ છે.” આ બધું જોઈ કેટલાંક એમને ભેજાંગેપ,  અવ્યવહારુ.. એવી બધી ઉપમા આપતા રહેતા, પણ સોનાલીને તો એમનો આ નિખાલસ, પ્રેમાળ સ્વભાવ ગમી ગયો હતો. પોતાને દિલ ફાડીને પ્રેમ કરનાર કોઈ નથી એવો એમનો ખટકો સોનાલી બરાબર વાંચી શકતી હતી. એણે મનોમન નક્કી કર્યું, પોતાનાં હૈયાની વાત ઘરમાં કરી જેને પ્રેમાળ સાસરાપક્ષે ઉષ્માસભર વધાવી લીધી એટલે…
રક્ષાબંધનના દિવસે સોનાલી તેને ત્યાં પહોંચીને ટહુકી, “હું તમને રાખડી બાંધું?” અનુમતિ મળતા જ એણે એમ કરી કહ્યું, “આ દીકરીને આશીર્વાદ આપો કે તે હંમેશા સૌનું સારું કરે.”
“એવા આશીર્વાદની જરૂર જ નથી. તું બધાનું સારું કરે જ છે. એના કરતાં હું એમ કહીશ કે ભગવાન તારું સારું કરે એટલે તું સૌનું આમ સારું કરતી રહે. જો ને હમણાં જ તે મારી સાથે કર્યું એ સારું જ છે ને? આવું આજના જમાનામાં કોણ કરે? હું તો હવે એકલો પડી ગયો છું. તારા જેવાં કોઈ આમ આવે તો દીકરી મને એમ થાય કે.. “રવિપ્રસાદના ગળે ડૂમો. સ્વસ્થ થઇ પછી સોનાલીને શુકનના પૈસા આપતાં એ બોલી રહ્યા, “આમ તો મારે તને દેવાનું હોય, પણ હું કંઇક આજ તારી પાસેથી માંગું? તું એમ બોલી ને કે ‘‘આ દીકરીને આશીર્વાદ આપો.!’’ તો કાયમ માટે તું મારી દીકરી થઇ જઈશ? જો હું ખાલી કહેવા ખાતર નથી કહેતો. મારે મન દીકરી એટલે સગી જ દીકરી. ત્યાં પારકા-પોતાનાં એવા ભેદ પછી નહી રહે. મને એવું નહી ફાવે એટલે તું બરાબર વિચારીને હા પાડજે. તને તો ખબર છે કે તારી સામે જે માણસ બેઠો છે તેને લોકો ભેજાંગેપ કહે છે ને જેનાં ઘેર બીજું કોઈ નથી રહેતું. એટલે નિરાંતે નક્કી કરી મને કહેજે, હા કે ના? જો હું સાવ એકલો એટલે..”
“આજથી હવે તમે એકલા નથી જાવ. પણ હા, મનેય તમારી જેમ ફોર્માલિટીની લીટી તાણતા નહીં ફાવે. પછી હુંય કાયમ માટે સગી દીકરી તરીકે જ તમારી સાથે વર્તીશ. બોલો પાકું? ફસકી તો નહી જાવ ને વચ્ચેથી? હું તમને સગા પિતાજી નહીં માનું. માનવું એ શબ્દ પણ ખટકે એટલી મારી તૈયારી છે. તમે સગા પિતાજી છો એમ જ. તો આજથી હું તમારી સગી દીકરી, બસ?”
“બસ નહીં, વિમાન.. વિમાન. તને નહીં પહોંચાય મારા બાપ! તારી બધી વાત આંખમાથા પર દીકરી.” રવિપ્રસાદ સોનાલીના માથે હાથ મૂકી કહી રહ્યા. ખુશીના આંસુ વહી રહ્યા. એકલાપણાનો અહેસાસ વિમાન કરતાય પુરઝડપે નાસી છૂટ્યો. આ પહેલાં આવી લાગણી કે મક્કમતા કોઈએ નહોતી બતાવી. બેયના પારદર્શક સ્વભાવમાં કોઈ એવી વાત હતી જે બધામાં નથી હોતી. ને આમ જોવા જાવ તો રવિપ્રસાદનાં ઘેર બીજું કોઈ નથી રહેતું એમ કેમ કહી શકાય? બાળક જેવી નિર્દોષતા, સરળતા અને સહજતા, સ્નેહ, આનંદ, ખુલ્લાપણું, પ્રસન્નતા.. આવાં અનેક પ્રાણતત્વો ત્યાં અસ્તિત્વ ધરાવતાં હતાં.
ઘેર પહોંચતા જ સાસુમાએ પૂછ્યું’તું, “સોનું, તું પેલા રવિ અંકલને લાપસી દઈ આવી?”
સોનાલીએ સસ્મિત જવાબ વાળ્યો’તો. “હું દઈ આવી એનાં કરતાય ત્યાંથી અનેકગણું લઇ આવી. હવે એ મારા અંકલ નથી!” એણે માંડીને ઘરમાં બધી વાત કરી ને પછી રક્ષાબંધનના આ પાવન દિવસે પોતાનાં મનની વાત કરી એટલે ઘરમાં ખુશી ને સ્નેહનું એક અજબ સામ્રાજ્ય છવાઈ ગયું. ક્યાંય પણ વિરોધ, સંદેહ કે ડરનું નામોનિશાન નહીં. સહજપણે વાતનો સ્વીકાર. સાસુમાએ તો સોનાલીના ઓવારણાં લીધા. “વાહ દીકરી, અમને તારા પર વિશ્વાસ તો છે જ, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ અમને ગૌરવ પણ એટલું જ છે. આ કંઈ નાનીસુની વાત નથી.”
પછી તો આ સંબંધ એવો તો સુરીલો બન્યો કે ન પૂછો વાત. આ વાતને એક વર્ષ પૂરું થયું ત્યાં જ રવિપ્રસાદને ડાબી આંગળીમાં ઈજા. તડ તો સંધાઈ ગઈ, પણ તે આંગળી સજ્જડ થઇ ગઈ. એટલે રોજ એની કસરત કરવી જરૂરી, પણ એ આમ પાછા પોચટ.. જરાક દુઃખે એટલે કસરત પડતી મૂકે. “જો આમ જ ચાલ્યું તો આંગળી જરાય વળશે જ નહીં ને વાંકી ને વાંકી જ રહેશે. સીધી આંગળીએ ઘી ન નીકળે ને એ કોઈના બાપનું નહીં માને, પણ તારું..! એટલે સોનું દીકરી, તું જા અને..” સોનાલીના સસરા પારસભાઈ હેતથી આમ કહી રહ્યા. તે એવું માનતા હતા કે સોનાલી એ એવો પારસમણિ છે કે એના સંપર્કમાં આવતાં જ સામેનું પાત્ર સોનું થઇ જ જાય.
એ પછીની બીજી રક્ષાબંધને, સોનાલી રવિપ્રસાદને લાપસી દઈ પાછી આવી ને પારસભાઈને કશુંક કહ્યું, એટલે એણે સોનાલીને ફરી એને ત્યાં મોકલી, પણ એકલી નહીં. સાથે જઇ એ ઊંચા અવાજે ગર્જ્યા, “આ શું માંડ્યું છે તમે? અમે ઝાઝી દિવાળી જોઈ છે. અમે પાણીને ભૂ નથી કહેતાં શું સમજ્યા? તમે કોને બનાવો છો? લાવો અમારી લાપસી પાછી. આજે તો તમારી દીકરીએ લાપસી બનાવી છે એટલે તમારે અમારે ઘેર જ જમવા આવવું પડશે. તમારી ના-બા કાંઈ નહી ચાલે. આ તમારી દીકરીએ જ મને આમ કીધું છે. વળી આજ તો રવિવાર ને આ તો પ્રસાદ કહેવાય રવિપ્રસાદ! દીકરી ગણો છો ને મને? તો ચાલો છાનામાના ઘેર..આવો છો કે પછી પાછી આંગળી મરડું?”
“ના, તને દીકરી નથી ગણતો. તું દીકરી છો જ, શું સમજી? હું ગણતરીનો માણસ નથી. તું જમાડે લાપસી ને સસરો પુરાવે એમાં ટાપશી, પછી એમાં મારું કાંઈ ચાલે? સોનેરી સોનાલી દીકરી, હું બસ થોડી જ વારમાં આવું છું, બસ?”
“બસ નહીં, વિમાન વિમાન. જેટ સ્પીડથી આવજો હો ‘’પપ્પા’’!” સોનાલી ટહુકી ને ‘બાપદીકરી’ અપલક નજરે પરસ્પર વહાલથી જોઈ જ રહ્યાં, જોઈ જ રહ્યાં.
– દુર્ગેશ ઓઝા.

No comments:

Post a Comment