"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday, 19 September 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૦/૦૯/૨૦૧૮ અને ગુરુવાર


એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું :

*ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખુણામાં પડેલા પથ્થર નીચે પૈસા મુકી દેશો. સાથે જ મુલ્ય પણ લખેલું છે.*

*અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઇ લેજો. અનુમતિ છે.*

મેં આમ તેમ જોયું.બાજુમાં પડેલું ત્રાજવું લઇને બે કિલો સફરજન અને એક ડઝન કેળા લીધા,બેગમાં નાખ્યા, ભાવ પત્રકમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં સો, પચાસ અને દસ- દસની નોટ પડી હતી. મેં પણ પૈસા ત્યાં મુકી દીધા. બેગ ઉપાડી ને ઘરે આવી ગયો.જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા -ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાનાં જ હતા. એણે અમને જોઇને સ્મિત આપ્યું અને બોલ્યા,

“સાહેબ ! ફળ તો ખતમ થઇ ગયા. મેં એમ જ વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું, એમણે કહ્યું પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુતુહલવશ લારી પર લટકાવેલ બોર્ડ વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, “ પાછલા ત્રણ વર્ષથી માં પથારીમાં છે, થોડી પાગલ જેવી છે અને હવે તો એને લકવો પણ થઇ ગયો છે. મારી કોઈ સંતાન નથી, પત્ની સ્વર્ગવાસી થઇ ગઈ છે. હવે ફક્ત છીએ હું અને માં. માં ની દેખરેખ કરવાવાળું કોઈ નથી એટલે મારે દર વખતે માંનું ધ્યાન રાખવું પડે છે.

એક દિવસ મેં માં નાં પગ દબાવતી વખતે બહુ નરમાશથી કહ્યું, “ માં! તારી સેવા કરવાનું બહુ મન થાય છે. પણ ખિસ્સું ખાલી છે અને તું મને રૂમની બહાર નીકળવા નથી દેતી. તું જ કહે હું શું કરું? હવે આકાશમાંથી તો જમવાનું ઉતરશે નહિ.

આ સાંભળી માં ઢીલું ઢીલું હસી અને હાસ્ય સાથે હાંફતા કાંપતા ઉભા થવાની કોશિશ કરી. મેં તકિયાનો ટેક લગાવ્યો. માં એ કરચલી વાળો ચહેરો ઉંચો કર્યો, પોતાના કમજોર હાથોથી નમસ્કારની મુદ્રા માં હાથ જોડ્યા અને ભગવાનને બડબડ કરીને ના જાણે શું વાત કરી, પછી બોલી …….

“તું લારી ત્યાં મુકીને આવ, આપણા ભાગ્યનું આપણને આ રૂમમાં બેઠા બેઠા મળી જશે.”

મેં કીધું, “માં શું વાત કરે છે. ત્યાં મુકીને આવીશ તો ચોર – મવાલી કઈક લઇ જશે. આજકાલ કોણ કોની મજબૂરી સમજે છે? અને માલિક વગર કોણ ફળ ખરીદવા આવશે?”

માં કહેવા લાગી, “તું સવારે ભગવાનનું નામ લઈને ફળોની લારી ભરીને મુકી આવ અને રોજ સાંજે ખાલી લારી લઇ આવ, બસ. મારી સાથે જીભાજોડી નાં કર. મને મારા ભગવાન પર ભરોસો છે. જો તારું નુકશાન થાય તો મને કહેશે.


અઢી વર્ષ થયા સાહેબ … સવારે લારી મુકીને આવું છું અને સાંજે લઇ આવું છું. લોકો પૈસા મુકી જાય છે, ફળ લઇ જાય છે. એક ફળ ઉપર નીચે નથી થતું પરંતુ કોઈક તો વધારે મુકી જાય છે. ક્યારેક કોઈ માં માટે ફૂલ મુકી જાય છે ક્યારેક કોઈક બીજી વસ્તુ. પરમદિવસે જ એક દિકરી પુલાવ મુકી ગઈ અને સાથે એક ચિટ્ઠી પણ હતી – *“માં માટે”*

એક ડોક્ટર સાહેબ પોતાનું કાર્ડ મુકી ગયા, પાછળ લખ્યું હતું.. માંની તબિયત નાજુક હોય તો કોલ કરી લેજો, હું આવી જઈશ, આ મારી માંની સેવાનું ફળ છે કે મારી માંની દુઆની શક્તિ, હું નથી જાણતો.
નાં મારી માં મને એની પાસેથી ખસવા દે છે નાં મારો ભગવાન મારો વિશ્વાસ ડગવા દે છે. માં કહે છે તારા ફળ દેવદૂતો વેચાવી દે છે. ખબર નહિ.. માં ભોળી છે અથવા હું અજ્ઞાની.

હું તો એટલું જ સમજી શક્યો કે આપણે માં બાપ ની સેવા કરીએ તો ઈશ્વર આપણને સફળ બનાવવા માટે અગ્રેસર થઇ જાય છે.

આ કહીને ચાલ્યા કરે અને હું ત્યાં જ ઉભો રહી ગયો. અવાક…પણ શ્રદ્ધાથી તરબોળ…

No comments:

Post a Comment