અભિમાની મનુષ્ય કર્મ અને ચર્મ ચક્ષુથી હર હંમેશા આંધળો રહે છે . રાવણને પોતાનાં ઓરમાન ભાઈ ખર અને દૂષણ પાસેથી સમાચાર મળ્યાં હતાં કે વાલિ નામનો એક વાનર જંગલમાં રહે છે જે કિષ્કિંધાનો રાજા છે .બળમાં એ ઘણો પરાક્રમી છે અને રાક્ષસો પણ તેના જંગલથી દુર રહે છે . હવે રાવણને ફરી ધૂન ચઢી કે પોતાનું પરાક્રમ આ વાનરને હરાવી જગ જાહેર કરું . વાલિને બ્રહ્માજીનું વરદાન હતું કે યુદ્ધમાં સામે ચઢીને લઢવા આવે તો તે સામાવાળિયાનું અર્ધું બળ એને પ્રાપ્ત થતું . જયારે રાવણે એને પડકાર્યો ત્યારે માત્ર બે પળમાં વાલિએ એને હરાવી એક મહિના લાગી બગલમાં દબાવી રાખ્યો હતો . છેવટે રાવણની પટરાણી મંદોદરી આજીજી કરતી આવી ત્યારે વાલિએ દયાથી એને પોતાના સકંજામાંથી છોડ્યો.
આ સહુ બળવાન યોદ્ધાઓથી હાર માન્યા બાદ રાવણે સમજી લીધું કે હમણાં તેનો સમય નથી પરંતુ એ અભિમાન હતું કે તેણે દેવોને પરાસ્ત કર્યાં છે.
પણ આ સહુ યોદ્ધા જેને રાવણે હરાવ્યા હતાં તે સહુને ભગવાન વિષ્ણુએ અથવા તેમનાં અંશાવતારોએ સંપૂર્ણ નાશ કાર્યોં છે.
ભગવાને વામન અવતાર ધારણ કરી દૈત્યરાજ બલિ પાસે તેનું સર્વસ્વ માંગી લઇ તેને પાતાળમાં મોકલી દીધો. ભગવાને પરશુરામ અવતાર લઈને સહસ્ત્રબાહુ અને તેનાં સમસ્ત વંશનો નાશ કર્યો હતો.
જયારે રામજીએ સીતા સ્વયંવરમાં ભગવાન શંકરનું ધનુષ્યનો ભંગ કર્યો હતો ત્યારે પરશુરામજી અત્યંત ક્રોધિત થઇ આવી પહોચ્યાં તેઓ જ્ઞાની હતાં પરંતુ ભગવાનને ઓળખી નાં શક્યાં. પોતાનાથી કોઈ પરાક્રમી ક્ષત્રિય છે જે ઉદ્દંડ થઇ પોતાનાં આરાધ્ય શિવજીનું ધનુષનો ભંગ કર્યો છે આથી રામજીને દંડ આપવા તૈયાર થયાં. પરંતુ ભગવાને નમ્ર બની પોતાની ઓળખાણ આપી અને પોતે ભૃગુ વંશના દાસ છે એમ કહી જ્યારે પોતાના વક્ષ સ્થળ પરનાં ભૃગુ ઋષિનાં પદનાં ચિહ્ન બતાવ્યાં. આમ છતાં તેમને વિશ્વાસ ના થયો કે ભગવાનનો અવતાર થઇ ચુક્યો છે આથી તેમણે ભગવાનની પરીક્ષા કરવા વિષ્ણુનું ધનુષ શાર્ઙ્ગ રામજીને ધારણ કરી બાણ ચઢાવવા કહ્યું. ભગવાને સ્મિત સાથે જ્યાં એ ધનુષ્યને હાથમાં લેવા આગળ આવ્યાં ત્યાં તો એ ધનુષ્ય પોતાનાં સ્વામી પાસે આપોઆપ આવી ગયું અને ભગવાને પોતાનાં અક્ષય બાણનાં ભાથામાંથી રામ બાણ ચઢાવ્યું. પરશુરામજી ગદગદ થઇ ગયાં અને ભગવાનની ક્ષમા માંગી. તેમને એ પણ જ્ઞાન થયું કે તેમનો પરાક્રમી સમય પૂરો થઇ ચુક્યો છે. ભગવાને કહ્યું તેમનું બાણ કયારે વ્યર્થ નથી જતું આથી પરશુરામજી પાસે આજ્ઞા માંગી કે આ બાણ તે કઈ દિશામાં છોડે . પરશુરામજીએ રામજીને એ બાણ પોતાની દિવ્ય શક્તિનો નાશ કરી એમને મહેન્દ્ર પર્વત પર પહોચાડવાની વિનંતી કરી . આમ પરશુરામજીનો પરાજય થયો .
પ્રભુએ વાલિને એક બાણ મારી એનો નાશ કર્યો હતો . આથી પ્રભુએ સહુ મહાન યોદ્ધાઓ , જેનાથી રાવણનો પરાજય થયો હતો , એ સહુનો નાશ કર્યો હતો.
વિચાર કરી જુઓ ભગવાન એક તપસ્વીનાં રૂપમાં , વાનર અને રીંછની મદદથી , સમસ્ત રાક્ષસ કુળનો નાશ કર્યો હતો. અહી સમજવાનું એ છે કે જો રાવણની દ્રષ્ટીએ વિચાર કરી જોઇયે તો ભગવાન રામ બાહ્ય દ્રષ્ટીએ એક સાધારણ અને નિર્બળ મનુષ્ય લાગે. રાવણનું પાંડિત્ય , શક્તિ , સંપત્તિ , સામર્થ્ય , પરિવાર અને સમાજનો માત્ર એનાં અહમને કારણે સર્વનાશ સર્જ્યો . મહાભારતમાં દુર્યોધન પાસે અઢાર અક્ષૌહિણીની સેના હતી , ભીષ્મ, દ્રૌણ અને કર્ણ જેવાં મહારથી (એકલો દશ હજાર યોદ્ધાઓ સામે લડી શકે તેવો પરાક્રમી લડવૈયો ) જેવા સાથી હતાં છતાં દુર્યોધનને મન પાંચ પાંડવો અને તેમની પંદર અક્ષૌહિણીની સેના કંઈ ન હતી તે છતાં હાર્યો હતો. સિકંદર , હિટલર , આ સહુ ક્રૂર , અહંકારી અને શક્તિશાળી હતાં , પણ તે સહુનો વિનાશ થયો. આથી વિધાતા કેવા રૂપમાં , અને કેવી શક્તિમાં તમારાં સામર્થ્યનો નાશ કરે છે તે કહેવું , સમજવું અને જાણવું અશક્ય છે પણ એ નક્કી છે કે તમારાં અહંકારનો નાશ જરૂરથી કરે છે.
આ સંસારમાં કોઈ શક્તિશાળી નથી. જે ધન , પ્રતિષ્ઠા , શક્તિ પર આપણે ગર્વ કરી ફરીએ છે એ તો કાળનાં ચક્રમાં બહુ થોડાં વર્ષો છે. કયારેક વિચાર કરી જુઓ જાપાનમાં આવેલા ધરતીકંપ અને સુનામીને થયેલો ભયંકર વિનાશ જોશો તો ખ્યાલ આવશે કે કુદરતની શક્તિ કેટલી અગમ્ય છે કે ઘડીના છટ્ટા ભાગમાં જે આપણે “પોતાની” ઘણીએ છીએ તે દરેક વસ્તુ નાશ પામે છે. ઘર,ગાડી, સગા-સંબંધી, જમીન, ધન બધું પળભરમાં સાફ થઇ જાય છે. જે લોકો ગઈ કાલે જયારે બે હાથેથી ભોજન આરોગતા હતા અને તેનો બગાડ કરતા હતા તેઓ આજે બે ટંક ખાવા માટે ફાંફાં મારે છે.
આથી અહમ નો ત્યાગ કરો , નમ્ર બનો , સહુને માનથી બોલાવો , વ્યવહારમાં વિનયી બનો. આપણે બે બદામનાં માણસો છીએ અને એક પળમાં કોણ આપણાથી બધું લઇ જતો રહેશે તેનું ભાન કે જ્ઞાન પણ નહિ રહે.
ખુબ સરસ લેખ
ReplyDelete