"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 23 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૩/૦૩/૨૦૧૮ અને શુક્રવાર

ઘરનું ઘર – જિજ્ઞાસુ દક્ષિણી
હીંડોળા પર હીંચકા ખાતાં ખાતાં ગુણવંતરાય છાપું વાંચી રહ્યા હતા. કોઈ જૂનું છાપું હાથમાં લઈ છ વર્ષનો બિટ્ટુ આવી ચડ્યો અને કહે : ‘દાદા ! ‘ઘરનું ઘર’ એટલે શું ?’ અને ગુણવંતરાય બિટ્ટુને જવાબ વાળવાને બદલે અતીતમાં સરી પડ્યા. બિલાડીની માફક અનેક મકાનો બદલી બદલીને જીવન ટકાવી રાખનાર ગુણવંતરાયને અસંખ્ય ખાટાં-તૂરાં-કડવાં સ્મરણો તાજાં થઈ ગયાં….
તેમણે લગ્ન પછી તરત ભાડે રાખેલી છાપરાંવાળી નાનકડી ઓરડીથી માંડીને પચીસ વર્ષ સુધી ચાલેલી બધી જ ઘટમાળ તેમની નજર સામેથી પસાર થવા લાગી… ‘મુશ્કેલી’, ‘સમસ્યા’, ‘અગવડ’….. આ બધા શબ્દો તો સાવ નાના અને ફિક્કા લાગે તેવી પરિસ્થિતિમાં ગુણવંતરાય, તેમનાં પત્ની અંજનીદેવી અને સંતાનો પચ્ચીસ, હા, પૂરાં પચ્ચીસ વર્ષ જીવ્યાં હતાં. તેમણે જ્યારે પોતાના લગ્નની રજતજયંતીએ ‘ઘરનું ઘર’ ખરીદી તેની ચાવી પત્નીના હાથમાં સોંપી ત્યારે અંજનીદેવી બોલ્યાં હતાં : ‘આ કરવાની ક્યાં જરૂર હતી ? માંડ માંડ તો દુ:ખ સહન કરવાની ટેવ પડી છે ! હવે સુખ સહન કરવાની ટેવ પડતાં બીજાં પચ્ચીસ વર્ષ લાગશે !!’
બિટ્ટુએ ગુણવંતરાયનો ખભો હલબલાવ્યો : ‘દાદા, કહોને ! ‘ઘરનું ઘર’ એટલે શું ?’ દાદા વહાલસોયા પૌત્ર સામે જોઈ રહ્યા અને તેના માથે હાથ ફેરવી બોલ્યા : ‘જા બેટા ! તારી દાદીને પૂછી લે !’

No comments:

Post a Comment