આનંદ કેમ નાસી ગયો?
તથાગતે
આખી રાત વિચારમાં પસાર કર્યા પછી આનંદને તેડું મોકલ્યું હતું. આનંદ અત્યારે એક
વૃક્ષની નીચે તથાગત ભગવાન બુદ્ધની પ્રતીક્ષા કરતો બેઠો હતો.
આનંદ
સાથે કરવાની પ્રશ્નોતરીને ફાઈનલ ટચ આપીને તેના પર એક નજર નાખ્યા પછી પ્રભુ આનંદને
મળવા બહાર આવ્યા. આનંદને ઓબ્લઈઝ કરતા હોય તેમ ભગવાન ધીમે ધીમે ચાલતા તે વૃક્ષની
નીચે ગયા. તે વખતમાં વૃક્ષોની નીચે બેસવાના ઓટલા રાખવામાં આવતા તેથી તેના પર પ્રભુ
બેસી ગયા. આનંદમાં શિષ્યભાવના હજુ રેખા કરતા નીચે ઉતરી ગઈ ન હતી તેથી તે ઓટલા પરથી
ઉભો થઇ ગયો અને પ્રભુના પગ પાસે વેકરામાં બેસી ગયો. તથાગતે શરૂઆતમાં તો આનંદના
ખબરંતર પૂછ્યા પણ પછી આનંદને આજ્ઞા સંભાળવા તલપાપડ થતો જોઇને પ્રશ્ન સુચિમાંથી
પ્રથમ પ્રશ્ન કર્યો :
“વત્સ! હું તારી જ્ઞાનપીપાસાથી અનભીજ્ઞ નથી જ અને તેથી જ આજે તને યાદ
કર્યો છે. તે તારા અહંને પરમની પાવક જ્વાળામાં હોમીને આગોળી તો નાખ્યું છે ને?”
“ભગવન! આપ આજ્ઞા આપો, સેવક તે સંભાળવા અતિ ઉત્સુક
છે.” આનંદે ખુબ જ વિનમ્ર સ્વરે પ્રભુની સામે જોયા વગર જ કહ્યું.
“પુત્ર! તને હું શિક્ષણના પ્રચાર માટે મોકલવા
માંગતો હતો. તારે એક એવા સ્થળે જવાનું છે કે જ્યાં પહોચતાં કદાચ તારો સત્કાર
સમારંભ ન પણ ગોઠવાય તો ત્યારે તારું વલણ કેવું રહેશે તે હું જાણવા માંગતો હતો.”
ભગવાન તથાગતે ચ્યુંઈંગગમ ની જેમ મમળાવીને પ્રશ્ન મુક્યો.
“પ્રભો!” આનંદે તે પૂર્ણ રીતે બુદ્ધ શરણ થતો હોય તેમ જવાબ આપતાં કહ્યું, “તેઓએ કાળા વાવટાથી મારા આગમન
વખતે દેખાવો તો નથી કર્યાને તેવો સંતોષ લઈને હું મારું કામ શરુ કરી દઈશ.”
“પણ ભન્તે! જો તેઓ તારા આદેશોને અવગણીને પેનડાઉન સ્ટ્રાઈક કરશે ત્યારે
તારો અભિગમ કેવો રહશે?” ભગવાન બુદ્ધે આંખો બંધ કરતા આનંદને
તપાસ્યો. આનંદને સહેજ ઝટકો તો લાગ્યો જ એટલે વિનમ્રતા સહેજ ઓછી કરતા તેણે ઉપર
જોયું તો બુદ્ધના ચક્ષુઓ બંધ હતા. આનંદે આમ છતાં થોડી હિંમત રીકવર કરતા કહ્યું :“હું ત્યારે શ્રવણથી શિક્ષણનો
પ્રચાર કરીશ. સતત શિક્ષણ જ માનવીને સુસંકૃત બનાવી શકે છે. અંગુલીમાલ સાથેનો આપનો
પ્રસંગ મને યાદ છે પ્રભુ!”
“પરમ તત્વ આંનદ! તારી ઉત્કંઠા જ પ્રાકટ્યની નિશાની છે પણ તે આપેલા
શિક્ષણની જ કસોટી આપવા જયારે કોઈ તૈયાર નહીં થાય ત્યારે તારું સ્ટેન્ડ કેવું રહેશે?” ભગવાન પોતાની પ્રશ્નો પૂછવાની
ક્લાથી આનંદને કલાઈમેક્સ પોઈન્ટ સુધી ખેંચી લાવ્યા હતા પણ આનંદને હવે ધીરે ધીરે
ભગવાનની દાનત પર શંકા થવા લાગી હતી. ભગવાને આંખો બંધ કરીને બોલવાનું શરુ કર્યું
ત્યારથી જ તે સાશંક તો થઇ જ ચુક્યો હતો. તેથી હવે તે થોડો ડીફર થતા બોલ્યો :
“દયાસાગર! જેઓને મેં શિક્ષણ આપ્યું હોય તે કસોટી આપવાની ના પાડી જ કેમ
શકે? લક્ષ્યવેધ વગર તો અર્જુન પણ કશું પ્રાપ્ત કરી શક્યો નથી ” આનંદને
મક્કમતા પ્રભુએ તીરછી નજરે જોઈ લીધી એટલે પછી પ્રશ્નસૂચીમાંથી છેલ્લો પ્રશ્ન તેમણે
મુક્યો:“પ્રસન્ન વત્સ! પ્રસન્ન! પણ માની લે કે તેઓ કસોટી આપ્યા વગર જ તારી
પાસેથી ઉપાધી મેળવવા માગશે ત્યારે તારો પ્રતિભાવ…” પણ ભગવાન કઈ આગળ બોલે તે પહેલા
તો આનંદે ઊંચા સ્વરે પૂછી જ નાખ્યું :“પ્રભુ! પહેલા મને એ બતાવો કે
મારે ક્યાં જવાનું છે અને કઈ જગ્યા સંભાળવાની છે. તે જાણ્યા પછી જ હું તમારા
પ્રશ્નનો જવાબ આપી શકું.”
તથાગતે ખુબ જ કરગરતા અવાજે કહ્યું,‘આપણી તક્ષશિલા વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ તરીકે તને મોકલવાનો મારો વિચાર છે, પ્લીઝ…“આનંદે નિર્ણય માટે બે દિવસની મહેતલ માગી અને પછી ભગવાનથી છુટા પાડીને તેણે એવું તો ભાગવાનું શરુ કર્યું કે તેણે રસ્તાનું પણ ભાન ન રહ્યું અને જે રસ્તે હ્યું-એન-સંગ ભારત આવ્યો હતો તે રસ્તે તે ઠેઠ ચીન પહોચી ગયો. ભાગી ગયેલા આનંદની ભાળ કાઢવામાં તથાગત ભગવાન બુદ્ધને ફરી મહાભિનિશ્ક્રમણ કરવું પડશે તેમ તમને નથી લાગતું?
ઘરદીવડા - ( "હળવે હાથે”
સંગ્રહ માંથી સાભાર)
No comments:
Post a Comment