"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 9 August 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૯/૦૮/૨૦૧૮ અને ગુરૂવાર

હાથી અને કીડી 
એક જીવજંતુ નામનું ગામ હતું. તે ગામમાં ઘણાં બધાં પ્રાણીઓ રહેતાં હતાં. તેમાં કીડી અને હાથી પણ રહેતાં હતાં. તે બંને ખૂબ જ પાકા મિત્ર હતાં. તેઓ સાથે રમતાં, ફરતાં અને શાળાએ પણ સાથે જ જતાં. કીડી હાથી માટે સરસ મજાનો નાસ્તો બનાવીને લાવતી. બંને સાથે મળીને ગૃહકાર્ય કરતાં. કીડી અને હાથી એકબીજા વગર રહી શકતાં ન હતાં.
એક દિવસ બંનેએ વહેલી સવારે મંદિર જવાનું નક્કી કર્યું. બંને ઘરની બાજુમાં આવેલા ડાયનાસોર બગીચામાં ભેગાં થયાં. કીડીબહેને પોતાનું સ્કૂટી ચાલુ કર્યું. હાથી પાછળ બેસી ગયો. હજુ તો અધવચ્ચે પહોંચ્યા હતા ત્યાં જ પાછળના ટાયરની હવા ફૂસ કરતી નીકળી ગઈ. સ્કૂટીને પંચર કરાવવા મૂકવી પડી. કીડી અને હાથી પગપાળા મંદિર પહોંચ્યાં. તેમણે પોતાના ચંપલ બાજુમાં મૂક્યાં. દર્શન કરતાં કીડી બોલી, “હાથી જરા જલદી કરજે, નહીંતર કોઈ ચંપલ લઈ જશે !” હાથી કહે, “જો ઉતાવળ કરીશ નહીં. ચાલ, આપણે અહીં થોડીવાર બેસીએ.” હાથી પણ કીડીને મનોમન પ્રેમ કરતો હતો. હાથી કીડીને પૂછે છે, “શું હું તને ગમું છું? આપણા લગ્નની વાત ઘરમાં કરવી છે?” કીડી કહે, “મારા માતા પિતા પાસે સમય જ નથી. તેઓ આખો દિવસ ખાવાનું એકઠું કરવામાં જ વ્યસ્ત હોય છે. પણ તું ચિંતા ન કર. લગ્ન તો હું તારી સાથે જ કરીશ. મને પણ તું બહુ જ ગમે છે.”
‘હાથીડા રે હાથીડા,
રૂડારૂપાળા હાથીડા,
હું છું રૂપાળી
નાની નાની કીડી.’

એક દિવસની વાત છે. હાથી નોકરીએ જતો હતો ત્યારે ભયંકર અકસ્માત થાય છે. તેને બાજુના ગાંડાંઓના દવાખાનામાં લઈ જવામાં આવે છે. ગંભીર ઈજા થવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવે છે. આ વાતની જાણ થતા કીડી બેબાકળી બની તરત જ દવાખાને દોડી આવે છે. કીડી ડૉક્ટર સાહેબને આજીજી કરતા કહે છે, “સાહેબ, જો લોહીની જરૂર પડે તો મને કહેજો, મારું blood group o+ છે.” સમય જતા હાથીની હાલત સુધરે છે. અને બંને જણ વોટરપાર્કમાં ફરવા જાય છે. અચાનક કીડીને ઠંડી લાગે છે. અને પાણીમાંથી બહાર આવી જાય છે. બહાર આવીને જુએ છે તો, આ શું? તેના કપડા ગાયબ થઈ ગયા છે! તે હાથીને બૂમ પાડતા કહે છે, “હાથી જરા બહાર આવ તો!” હાથી કહે, “કેમ શું થયું કીડી? મને ન્હાવા દે ને.” કીડી કહે,“પણ તું બહાર તો આવ.” કીડી હાથીને કહે છે, “તે ભૂલમાંથી મારી ચડ્ડી તો નથી પહેરી લીધી ને!” હાથી કહે, “મેં તારું કશું જ પહેર્યું નથી.” આવા હાથી અને કીડીના ઘણા યાદગાર કિસ્સા છે.
પછી હાથીના ઘરવાળા કીડી સાથે લગ્ન કરવાની ના પાડે છે. કીડી અને હાથી બંને રડવા લાગે છે. હાથીના પિતા એક શરત કરે છે. હાથીઓના ઝૂંડ અને કીડીઓના ઝૂંડ વચ્ચે યુદ્ધ કરવામાં આવે. તેમાં જે વિજેતા થાય, તેનો જ નિર્ણય માન્ય ગણવામાં આવશે. પિતાની વાત સાંભળી હાથીએ કહ્યું, “મને શરત મંજૂર છે.” હાથીઓના ઝૂંડને લાગતું હતું કે અમે જ વિજેતા બનીશું અને કીડીના ખાનદાનનું નામોનિશાન મિટાવી દઈશું. તે કીડી તેના મનમાં સમજે છે શું? અમારા ભોળા હાથીને ફસાવીને લઈ જશે. એવું તો અમે ક્યારેય નહીં થવા દઈએ. હાથી આગળ કીડીની શી વિસાત?
કીડીઓના ઝૂંડમાં એક સમજદાર કીડી પણ હતી. તે ખૂબ જ વૃદ્ધ હતી. છતાં ખૂબ હોશિયાર હતી. તેણે કીડીઓના ઝૂંડને કહ્યું, “યુદ્ધમાં જીતવાનો એક જ ઉપાય છે. આપણે આ કામ બળથી નહીં પણ કળથી કરીશું. કારણ કે આપણી પાસે બળ નથી પણ સમજદારી તો છે. એટલે આપણે હાથીઓના કાનમાં જઈ તેમને ચટકા ભરીશું.” બધી કીડીઓ હાથીઓના કાનમાં ઘૂસી ગઈ અને ચટકા ભરવા લાગી. હાથીઓનું ટોળું ત્રાહિમામ પોકારી ઊઠ્યું. અંતે હાથીઓનું ઝૂંડ હારી ગયું. કીડીઓનું ઝૂંડ જીતી ગયું. હાથીના પિતાની શરત મુજબ હાથી અને કીડીના લગ્ન થાય છે. બંને પરિવાર કીડી અને હાથીને આશીર્વાદ આપે છે. હાથી અને કીડી સુખી જીવન ગાળે છે. હા… હા… હા…
- મમતા રાજપૂત 

No comments:

Post a Comment